Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષાનો વિકલ્પ શોધી કાઢતી શિક્ષણ સમિતિ

૨૫ જેટલી શાળાના શિક્ષકો બાળકો શેરીમાં જઇને ભણાવે છેઃ સોશ્યલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું ચુસ્ત પાલન : સમિતિ ચેરમેન અતુલ પંડિત તથા સભ્યો દ્વારા વિવિધ સ્કૂલોની મુલાકાત

રાજકોટ,તા. ૮ : છેલ્લા ૧૬ માસથી રાજકોટ સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાના કારણે શાળાઓ-કોલેજોમાં ઓનલાઇન મારફત વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૨૫ જેટલી શાળાના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઇ ભણાવી રહ્યા છે.

આ અંગે શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતુ કે સાંપ્રત સમયમાં શિક્ષણ એક મોટી ચેલેન્જ છે. સતત લગભગ દોઢ વર્ષના આ કોરોનાના કપરા કાળને કારણે બાળકો અને શાળા વચ્ચેનું તાદમ્ય જાણે છુટી ગયું છે. ઓનલાઇન શિક્ષણ એક નવા સોલ્યુશનના સ્વરૂપે શિક્ષણ જગતે સ્વિકાયું પરંતુ કેટલાક કારણોસર પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને વાલી તરફ વધુ સ્વિકુત થયું હોય એવું લાગતુ નથી. જેની પાછળ અનેક કારણો હોય શકે છે. એમાંય સરકારી શાળામાં ભણતાં બાળકો માટે તો આ સીસ્ટમ અને સમયગાળો ભયંકર પરિસ્થિતી ઉભી કરી છે. આવા સમય સંજોગો વચ્ચે સરકારી શાળાના બાળકોનું તાદમ્ય જળવાઇ રહે એવા કારણથી કેટલાંક સંજોગો શિક્ષણની વ્યવસ્થામાં સામેલ કર્યા. એમાંનો એક એટલે કે શેરી શિક્ષણ! લગભગ ૨૫% જેવી શાળાઓમાં શેરી શિક્ષણ શરૂ કરેલ છે અને ૧૦૦% સુધી પહોંચવાની નેમ છે. સમિતિની શાળાના શિક્ષકો વિદ્યાર્થીના ઘરના દરવાજે પહોંચતી એમને શિક્ષણ પહોંચાડવાના પ્રયાસો કરે છે. શ્રી પંડિતે વધુમાં જણાવ્યું હતું, ત્રણ -ચાર બાળકોના જુથથી આઠ -દસ બાળકોના જુથ બનાવી વિવિધ વર્ગ અને વિષયનું શિક્ષણ આપવામાં આવે. છે. એ પ્રકારે! બોર્ડ પર ભણતર, વાંચન અને લેશન જેવી શાળાની પ્રક્રિયા શેરીમાં જોવા મળે છે. આટલુ પર્યાપ્ત નથી એ પ્રકારે કેટલાક શિક્ષકોએ જગ્યાએ નવા એડમીશન માટે પણ પ્રયત્નશીલ રહે છે એવુ ધ્યાને આવેલ છે.

અંતમાં તેઓએ જણાવ્યું હતુ કે શિક્ષણ સમિતિની નવરચનાને હજુ માત્ર એક માસ જેવો સમગ ગયો આ સમયગાળામાં અમારા સભ્યોએ લગભગ બધી શાળાઓની મુલાકાત કરેલ છે. શાળા, શિક્ષણ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોથી સમિતિને વાકેફ કરેલ છે.

(3:40 pm IST)