Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

બાર કાઉ. ઓફ ઇન્‍ડિયાની બેઠકમાં કોરોનાકાળનું બે વર્ષનું એકસ્‍ટેશન આપી દેશભરના સભ્‍યોની મુદ્દત બે વર્ષ લંબાવાઇ

નવનિયુક્‍ત સુપ્રિમના ચીફ જસ્‍ટીશનો સન્‍માન સમારંભ યોજાયો : દેશભરના બાર કાઉ.ની મુદ્દતમાં બે વર્ષનો વધારો : બાર કાઉ.ની યોજાયેલ બેઠક બાદ ચીફ જસ્‍ટીશનું સન્‍માન કરાયું : દેશભરમાં બાર કાઉ.ના હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા. ૮ : બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાના ચેરમેન મનનકુમાર મીશ્રા દ્વારા શુક્રવાર તા. ૨-૯ના દેશના તમામ બાર કાઉન્‍સીલોના હોદ્દેદારો, હાઇકોર્ટોના હોદ્દેદારોની હાજરીમાં બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાના હોલમાં નવનિયુકત ચીફ જસ્‍ટીસ યુ.યુ.લલીતનું અદકેરૂ સન્‍માન સમારંભ યોજાઇ ગયેલો હતો અને દેશની બાર કાઉન્‍સીલોએ પરંપરાગત સ્‍વાગત સન્‍માન કરેલ હોવાનું બીસીઆઇ મેમ્‍બર દિલીપ પટેલે જણાવેલ હતું.

દેશના તમામ બાર કાઉન્‍સીલના હોદ્દેદારો તથા હાઇકોર્ટના હોદ્દેદારોએ સન્‍માન કરેલ. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના સોલીસીટર જનરલ તુષાર મહેતા તેમજ એડી. સોલીસીટર બેનર્જી ખાસ ઉપસ્‍થિત રહેલ હતા. સ્‍વાગત પ્રવચન બી.સી.આઇ.ના ચેરમેન મનનકુમાર મીશ્રાએ કરેલ અને તેના પ્રતિભાવ આપતા ચીફ જસ્‍ટીસ યુ.યુ.લલીતે પ્રસંગોપાત પ્રવચન આપેલ હતું.

બીજે દિવસે તા. ૩-૯ના શનિવારે બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયા દ્વારા ઠરાવો તમામ બાર કાઉન્‍સીલ, હાઇકોર્ટના મેમ્‍બરોને આપવામાં આવેલ અને તેના ઉપર ઘનીષ્‍ટ ચર્ચાઓ અને તમામ ચેરમેને પ્રતિભાવો આપી તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા.

આ ઠરાવોમાં જિલ્લા સ્‍તરે વકીલોના ફેડરેશન બનાવવા તેમાં લોકલ પ્રશ્નો ડીસ્‍ટ્રીકટ લેવલે અને બાર કાઉન્‍સીલ લેવલે પતાવી તાલુકા સુધી સંબંધો જળવાઇ રહે, દેશની તમામ બાર કાઉન્‍સીલો દ્વારા વકીલોના વેરીફીકેશન ફોર્મ ભરવામાં આવેલા છે જે હાલની કોરોના કાળ દરમિયાન બે વર્ષ સુધી વેરીફીકેશન થઇ શકેલ ન હોય આ પ્રક્રિયા પૂર્ણ કરવા તમામ બાર કાઉન્‍સીલોનો સમયગાળો બે વર્ષ વધારવાનો ઐતિહાસિક નિર્ણય બહુમતીથી પસાર કરવામાં આવેલ હતો.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ તમામ બાર કાઉન્‍સીલોમાં ચાલતી વકીલો સામેની મીસ કન્‍ટકટની ફરિયાદોનો નિકાલ એક વર્ષમાં ફરજીયાત કરવાનો ઠરાવ કરેલ હતો તેમજ સરકાર દ્વારા મેડીકલ કમીશન બનાવી અને ડોકટરોના સંગઠનની પાંખો કાપેલ તેમ અમુક બ્‍યુરોકેસી અધિકારીઓ બાર કાઉન્‍સીલને ખતમ કરવા માટે અને તેની સત્તા હડપ કરવા માંગતા હોય તેઓ દેશના પદાધિકારીને અંધારામાં રાખી કરતા હોય તેનો વિરોધ કરવાનો બહુમતીથી નિર્ણય કરેલ હતો.

બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયા ગોવામાં પચાસ એકરમાં દેશની સર્વોચ્‍ચ લો યુનિવર્સિટી બનાવતી હોય તે મંજુર કરવાનો ઠરાવ કરવામાં આવેલ હતો. તમામ ઠરાવો દેશના તમામ બાર કાઉન્‍સીલના હોદ્દેદારોએ સર્વાનુમતે મંજુરી આપતા ઠરાવોને મંજુર કરેલનું મેમ્‍બર દીલીપ પટેલે જણાવેલ હતું.

(11:55 am IST)