Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

નવલનગરના વિધવા મધુબેન સાવલીયાની જમીન તેના જેઠે બારોબાર વેંચી નાંખવા પ્રયાસ કર્યોઃ ૮ સામે ગુનો

પતિની જમીન સીધીલીટીના વારસદાર તરીકે વેંચવા કાઢી ત્યારે ખબર પડી કે જમીનના જેઠ પ્રાગજી સાવલીયાએ અગાઉ જ ગુનાહીત કાવતરુ ઘડી બારોબાર સાટાખત કરી આપ્યા છેઃ માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી : નાના મવા રોડ ૧૫૦ રીંગ રોડ પર આરકે પ્રાઇમ પાસે આવેલી જમીનના કોૈભાંડ મામલે પોલીસે પ્રાગજી સાવલીયા તેમજ બાટવાના દિલીપ રાઠોડ, જુનાગઢના ધર્મેશ બાટવીયા, તિરૃપતીનગરના શ્રીમતિ કલાવતી કાનાબાર, કરણપરાના ચંદ્રેશ કક્કડ, શ્રીમતી પ્રીતિબેન, રિન્કુ અને હારીત વિરૃધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: મવડી રોડ પર નવલનગરમાં રહેતાં વિધવા પટેલ મહિલાની  નાના મવા ૧૫૦ રીંગ રોડ પર આરકે પ્રાઇમની બાજુમાં આવેલી અતિ કિમતી જમીન ગુનાહીત કાવતરુ ઘડી તેણીના જ જેઠે બારોબાર વેંચી નાખવા પ્રયાસ કરતાં અને માથે જતાં આ જમીનની વિવાદીત બનાવી દઇ જમીન મામલે દાવો કરનારાઓના નામે જમીન કરી દેવાનું કહી મારી નાખવાની ધમકી આપતાં તેણીના જેઠ સહિત આઠ જણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે    નવલનગર-૩ ખોડિયાર કૃપા ખાતે રહેતાં મધુબેન બકુલભાઇ લાલજીભાઇ સાવલીયા (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી સરદારનગર પટેલ બોર્ડિંગ રોડ પર રહેતાં તેણીના જેઠ પ્રાગજી લાલજીભાઇ સાવલીયા તથા માણાવદર બાટવાના કૃષ્ણપરાના દિલીપ જુણાજી રાઠોડ, જુનાગઢ રાજન કલોથ સ્ટોર પાસે રહેતાં ધર્મેશ વનરાવનદાસ બાટવીયા, રાજકોટ નિર્મલા રોડ તિરૃપતીનગરમાં રહેતાં શ્રીમતી કલાવતીબેન સતિષચંદ્ર કાનાબાર, કરણપરા-૨૭માં રહેતાં ચંદ્રેશ હરજીવનભાઇ કક્કડ, શ્રીમતિ પ્રીતિબેન ચંદ્રેશભાઇ કક્કડ, કુ. રિન્કુ ચંદ્રેશભાઇ કક્કડ અને હારિત ચંદ્રેશભાઇ કક્કડ વિરૃધ્ધ આઇપીસી ૪૦૬, ૪૧૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૨૦-બી મુજબ ગુનો નોંધાયો છે. જેમાં મધુબેનની માલિકીની કબ્જા ભોગવટાની જમીન તેણીના જેઠ પ્રાગજીભાઇએ મધુબેન અને તેના પતિની જાણ બહાર ભાયુભાગ પહેલા સાટાખતો કરી આપી જમીન મધુબેનના ભાગમાં ન આવે તેવું કાવતરુ કરી બારોબાર વેંચી નાખવા પ્રયાસો કરી તેમજ જમીનને વિવાદીત બનાવી દઇ ગાળો દઇ, ધમકી આપી છેતરપીંડી કર્યાનો આરોપ મુકાયો છે.

મધુબેન સાવલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું વિધવા છું અને મારા પતિનું ૨૦૧૬માં અવસાન થયું છે. સંતાનમાં બે પુત્ર અર્જુન (ઉ.૨૬) અને પાર્થ (ઉ.૨૪) છે. હું દિકરા સાથે રહુ છું. મારા પતિ સ્વ. બકુલભાઇ સાવલીયાને બીજા ત્રણ ભાઇઓ અને ચાર બહેનો છે. રાજકોટ તાલુકાના નાના મવા રેવન્યુ સર્વે નં. ૨૬/૧ તથા ૨૬/૨ કે જેની ટીપી સ્કીમ નં. ૭ના ફાઇનલ પ્લોટ નં. ૨૯/૧ની એલોટમેન્ટવાળી જીમન ચો.મી. ૧૩૯૩.૫૪ કે જે ૧૫૦ ફુટ રીંગ રોડ આરકે પ્રાઇમ બિલ્ડીંગની બાજુમાં છે તેનો લે-આઉટ પ્લોટ નં. ૧ છે તેનો કબ્જો મારા મર્હુમ પતિ પાસે તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી હતો. એ પછીથી આજ સુધી તેનો કબ્જો ભોગવટો અમે સીધી લીટીના વારસદારોની પાસે છે. આ જમીન મારા પતિની હયાતીમાં ભાયુ ભાગમાં મામલતદારશ્રીની કચેરીના રેવન્યુ હક્ક પત્રક નોંધ નં. ૭૫૨૫/૨૦૧૦થી મારા પતિને મળેલ હતાં અને તેના નામે થયા છે. મારા પતિનું ૨૦૧૬માં અવસાન થતાં તેઓના કાયદેસરના વારસદાર દરજ્જે અમે ફરિયાદી દ્વારા સિવિલ કોર્ટમાંથી વારસાઇ સર્ટિફિકેટ મેળવાયું છે. તેની જાહેર નોટીસ પણ આપી હતી. જેની સામે આજ સુધી કોઇ વાંધા તકરાર આવ્યા નથી. ઘણા વર્ષોથી આ જમીન મારા પતિના તથા અમારા કબ્જા ભોગવટા માલિકીની છે.

પતિના અવસાન બાદ વર્ષ ૨૦૨૦માં અમારે રૃપિયાની જરૃર હોઇ જમીન વેંચવાનું નક્કી કરી કોઇને વાંધો તકરાર હોય તો જણાવવા જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાવી હતી. આ જમીન અમે રઘુવીરસિંહ જોરૃભા જાડેજા અને આયુષ કમલેશભાઇ રામાણીને સંયુકત દસ્તાવેજથી તા. ૨૦/૩/૨૧ના વેંચાણ કરી હતી. પરંતુ અમે જેને ઓળખતા પણ નથી તેવા ચંદ્રેશ કક્કડ સહિતનાએ સિવિલજજશ્રીની કોર્ટમાં રે.દિ.કેસ નં. ૧૫૪/૨૦૨૦થી અમારી માલિકીની જમીન બાબતે દાવો દાખલ કરેલ હોઇ તેની નોટીસ સાથે દાવાની નકલ અમને મળતાં અમને જાણ થઇ હતી કે અમે કાયદેસરના સીધીલીટીના વારસદાર હોવા છતાં આ જમીન અમારા જેઠ પ્રાગજીભાઇ સાવલીયા દ્વારા દિલીપ રાઠોડ-કૃષ્ણપરા બાટવા, ધર્મેશ બાટવીયા-જુનાગઢ, શ્રીમતિ પ્રીતિબેન કક્કડ-રાજકોટ, ચંદ્રેશ કક્કડ, રિન્કુ કકકડ અને હારીત કક્કડને તા. ૨૯/૩/૨૦૦૮ના રોજ અલગ અલગ સાટાખત કરી અમારી જાણ બહાર બારોબાર વેંચી દીધી છે અને સાટાખતો પણ કરી દીધા છે. આ અંગે અમને કોઇપણ પ્રકારની જાણ પણ કરી નહોતી.

મધુબેને ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે અમને કોર્ટની નોટીસ મળી ત્યારે ખબર પડી હતી કે સાટાખતો મારા જેઠ પ્રાગજીભાઇએ કોઇ કુલમુખત્યારનામાના આધારે કર્યા છે. આમ ગુનાહિત કાવતરૃ રચી બદ ઇરાદાથી ઠગાઇ કરી આ જમીન  બારોબાર વેંચી નાંખી છેતરપીંડી કરી છે.  અગાઉ વર્ષ ૨૦૧૧માં મારા પતિ હયાત હતાં ત્યારે પણ આ જમીન પચાવી પાડવાના ઇરાદે સતિષ કાનાબાર અને ઉમેદસિંહ રાઠોડે કોશિષ કરતાં મારા પતિએ ત્યારે કોર્ટમાં દિવાની કેસ દાખલ કરી તેના વિરૃધ્ધમાં મનાઇહુકમ મળવા દાવો કર્યો હતો. ત્યારે પણ કોર્ટ દ્વારા જમીનની માલિકી ભોગવટો મારા પતિનો હોવાનો હુકમ કર્યો હતો. તપાસ કરતાં આ બંને પણ  રે.દિ.કેસ ૧૫૪/૨૦૨૦ના દાવાના વાદીઓના મળતીયા અને સગા થાય છે.

મારા પતિએ મૃત્યુ પામ્યા ત્યાં સુધી મને કે મારા સંતાનોને કે બીજા કોઇ સગાને કે મારા જેઠને સાટાખતો બાબતે વાત કરી નહોતી કે જમીન પણ કોઇને વેંચવાની વાત કરી નહોતી. તેમના મૃત્યુ બાદ અમે જમીન વેંચવા તૈયારી કરી ત્યારે ખબર પડી હતી કે મારા જેઠે જ બીજા લોકો સાથે મળી કાવત્રુ ઘડી અમારી કાયદેસરની માલિકીની જમીન કાવત્રુ ઘડી બારોબાર વેંચી નાંખી છે. આ બાબતે અમે તેને પુછતાં તે ભુંડી ગાળો આપે છે અને જમીન હાલના સિવિલના દાવાના વાદીઓના નામે કરી દેવાનું કહી મારી નાખવાની ધમકી આપે છે. જમીનના સાટાખતો બાબતે મને કે પરિવારજનોને ખબર ન હોઇ જેથી અમે ફરિયાદ મોડી કરી છે. તેમ વધુમાં મધુબેને જણાવતાં પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એન. વી. હરિયાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(1:17 pm IST)