Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રાજકોટ કોંગ્રેસનાં વોર્ડ નં.૧૪નાં વિજય જાની બાદ હજુ એક વંડી પર બેઠા હોવાની ચર્ચાઃ આજે ત્રણ વાગ્યે ફેંસલો

ઉમેદવારી પાછી ખેંચી લેનાર વિજય જાની ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડઃ વિપક્ષ કોંગ્રેસ સામે એક-પછી હતાશાજનક સમસ્યાઓ

રાજકોટ, તા., ૯ :  શહેર કોંગ્રેસના વોર્ડ નં. ૧૪ના ઉમેદવાર વિજય જાનીએ ગઇ સાંજે પ વાગ્યે એકા-એક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસમાંથી આ ઉમેદવારનો ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. આમ છતા હજુ એક ઉમેદવાર વંડી ઉપર બેઠા હોવાનું અને ગમે ત્યારે બપોર ત્રણ સુધીમાં ફોર્મ પાછુ ખેંચી લેવા તૈયારી કરી રહયાની ચર્ચાએ જોર પકડયું છે.

ગઇ બપોરથી જ શાસક પક્ષ ભાજપનાં કેટલાક નેતાઓનાં સંપર્કમાં બે ઉમેદવારો હોવાની વાતો વહેતી થઇ હતી.

દરમિયાન બપોર બાદ પ વાગ્યે વોર્ડ નં. ૧૪નાં ઉમેદવાર વિજય જાનીએ ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લેતા શહેર કોંગ્રેસમાં હતાશાનો માહોલ છવાયો હતો.

દરમિયાન પ્રમુખ અશોક ડાંગરે જણાવેલ કે ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે વોર્ડ નં. ૧૪ના વોર્ડ પ્રમુખ વિજયભાઇ જાનીને કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી રાજકોટ મહાનગર પાલીકાની ચુંટણી અનુસંધાને પાર્ટી દ્વારા વોર્ડ ૧૪ માં ચુંટણી લડવા માટે મેન્ડેડ આપેલ હતું પરંતુ વિજયભાઇ જાનીએ ફોર્મ ખેંચીને પક્ષને નુકશાન પહોંચાડેલ અને પક્ષ વિરોધી પ્રવૃતી કરેલ હોઇ તેઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

આમ ગઇ સાંજે એક ઉમેદવારને ખેડવી નંખાયા બાદ હજુ આજે બીજા એક ઉમેદવારને ખેડવવાના પ્રયાસો ચાલુ હોવાનું આથી ત્રણ વાગ્યા સુધીમાં કોંગ્રેસના વધુ એક ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લ્યે તો નવાઇ નહી.

(3:11 pm IST)