Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

પ્રેમના પર્વ વેલેન્ટાઇન વીકમાં પ્રેમીઓ માટે લાલબત્તી રૂપ બે ઘટના

ગાંધીગ્રામના યુવાન-યુવતિએ ઝાડમાં લટકી જીવ દીધોઃ વેલનાથ પરાના સગીર-સગીરાનો પૂલ પરથી કૂદી આપઘાતનો પ્રયાસ

ભારતીનગરના જયદિપ (ઉ.વ.૨૫) અને કાજલ (ઉ.વ.૨૧)એ પડધરીના નાની અમરેલી પાસે સીમમાં આપઘાત કર્યોઃ વેલનાથપરાના ૧૭-૧૭ વર્ષના છોકરા-છોકરીને ઉમર થાય પછી લગ્ન કરવાનું કહેવાતાં બેડીના પુલ પરથી કૂદી પડ્યાઃ ગંભીર ઇજાઓ : કાજલ પરિણિત હતી, જયદિપ કુંવારો અને બે બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતોઃ બંનેના સ્વજનોમાં કલ્પાંત : પ્રેમના પંથે કંટક પણ હોય, સંકટ પણ હોય...પરંતુ તેનો ઉકેલ આવો તો ન જ હોય : પીસીઆર વેન જો પુલ નીચે પેટ્રોલીંગમાં ન નીકળી હોત તો સગીર-સગીરા ત્યાં હોવાની કોઇને ખબર પણ ન પડી હોત

રાજકોટ તા. ૯: હાલમાં પ્રેમીપંખીડાઓનું પર્વ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. પ્રેમમાં પડેલા અને પડવા વિચારી રહેલા આ પર્વની પોતપોતાની રીતે ઉજવણી કરી રહ્યા છે. અઢી અક્ષરના પ્રેમમાં બરબાદ પણ થઇ શકાય અને સમજદારીથી આગળ વધીએ તો આબાદ પણ થઇ શકાય. ઘણીવાર પ્રેમમાં નાસીપાસ થનારા એવા પગલા ભરતાં હોય છે કે તેના કારણે કલ્પી પણ ન શકાય તેવો આઘાત સ્વજનોને મળતો હોય છે. બે એવી ઘટના સામે આવી છે જેમાં ગાંધીગ્રામના કુંવારા યુવાન અને પરણેલી યુવતિએ પડધરીના નાની અમરેલી ગામની સીમમાં બાવળના ઝાડમાં લટકીની એક સાથે મોત મેળવી લીધું છે. તો બીજી ઘટનામાં રાજકોટ મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં ૧૭-૧૭ વર્ષના સગીર-સગીરાએ બેડીના પુલ પરથી કૂદકો મારી મોત મેળવી લેવાનો પ્રયાસ કરતાં બંને ગંભીર રીતે ઘાયલ થઇ જતાં સારવાર હેઠળ છે.

ઘટનાની વિગતો જોઇએ તો પડધરીના નાની અમરેલી ગામની સીમમાં આવેલા ફાર્મહાઉસ પાસે ખુલ્લા પટમાં બાવળના ઝાડમાં એક યુવક અને યુવતિની લાશ ચૂંદડીના ફાંસામાં લટકતી હોવાની જાણ થતાં પડધરી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. ધર્મેશભાઇ પરમાર તથા સુભાષભાઇ ડાભીએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન યુવાન નજીકમાં જ આવેલા તબેલાની દેખરેખનું કામ સંભાળતો અને રાજકોટ ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે ભારતીનગરમાં રહેતો જયદિપભાઇ  દેવાયતભાઇ ડાંગર (ઉ.વ.૨૫) હોવાનું ખુલ્યું હતું. યુવતિની પણ વિશેષ તપાસમાં ઓળખ થઇ હતી. તેણી પણ ભારતીનગર-૧માં રહેતી કાજલબેન રણછોડભાઇ સોહલા (ઉ.વ.૨૧) હોવાનું ખુલતાં પોલીસે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જયદિપ તબેલામાં દેખરેખનું કામ કરતો હતો. તે બે બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતો. તે અપરિણિત હતો. જ્યારે કાજલબેનના થોડા સમય પહેલા જ લગ્ન થયાની પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી. તેણીના પરિવારજનોના નિવેદન નોંધવાના બાકી છે. જયદિપ ગઇકાલે નિત્યક્રમ મુજબ તબેલાના કામે જવા ઘરેથી સવારે નીકળ્યો હતો. યુવતિ ઘરેથી કયારે નીકળી તેની માહિતી પોલીસને મળી નથી. તેણી સાસરેથી અહિ ભારતીનગરમાં માવતરે આટો દેવા આવી હતી. આ ઘટનાથી બંને મૃતકના સ્વજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

બીજી ઘટનાની વિગત જોઇએ તો રાત્રીના દસેક વાગ્યે બી-ડિવીઝન પોલીસ મથકની પીસીઆર વેન બેડીના જામનગર બાયપાસવાળા પુલ નીચેના અવાવરૂ જેવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી ત્યારે એક છોકરો-છોકરી ઘાયલ દેખાતાં તપાસ કરતાં છોકરી થોડી ભાનમાં જણાઇ હતી. જ્યારે છોકરો ગંભીર ઇજા થવાથી બેભાન થઇ ગયો હોઇ તુરત જ ૧૦૮ને બોલાવાતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ભાનમાં રહેલી છોકરીએ પોતાનું અને છોકરાનું નામ-એડ્રેસ પણ જણાવ્યા હતાં. બંનેએ પુલ પરથી છલાંગ લગાવ્યાનું ખુલતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં ઇન્વે. ટીમે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે આ સગીર અને સગીરા બંનેની ઓળખ પણ થઇ ગઇ હતી. પોલીસને માહિતી મળી હતી કે સગીર અને સગીરા બંને એક જ જ્ઞાતિના છે અને બંને વચ્ચે પ્રેમ હોઇ લગ્ન કરવા ઇચ્છતા હતાં. પરંતુ હાલમાં ઉમર નાની હોઇ પરિવારજનોએ થોડા વર્ષ રાહ જોવાનું કહેતાં બંનેને માઠુ લાગ્યું હતું અને રાતે ઘરેથી બાઇક પર નીકળી ગયા હતાં અને બેડીના પુલ પરથી પડતુ મુકી દીધું હતું.  સગીરાના માતા હયાત નથી તે ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી છે. જ્યારે સગીર ત્રણ ભાઇમાં બીજો છે અને ઇમીટેશનનું કામ કરે છે.

જો પીસીઆર વેન રાતે પુલ નીચેના ભાગે પેટ્રોલીંગમાં ન નીકળી હોત તો કદાચ આ સગીર-સગીરા લાંબો સમય સુધી ત્યાં જ પડ્યા રહ્યા હોત અને સારવાર પણ મળી શકી ન હોત. પરંતુ સદ્દનસીબે પીસીઆરવેન આ બંને કૂદ્દયા એ વખતે જ ત્યાંથી નીકળી હતી અને બંને નજરે ચડી જતાં તત્કાળ હોસ્પિટલે ખસેડ્યા હતાં. સગીરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સગીરને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે.

પ્રેમમાં પડેલા સોૈ માટે આ ઘટનાઓ લાલબત્તીરૂપ સમાન છે. પ્રેમના પંથે કંટક પણ હોય અને સંકટ પણ હોય, પરંતુ તેનો ઉકેલ આ રીતનો તો કદાપી ન હોઇ શકે.

(11:51 am IST)