Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

એમ્બ્યુલન્સ ડ્રાઇવર બેકાર થઇ જતાં રેસકોર્ષ રીંગ રોડ પર ઝેર પીધું

ગાંધીગ્રામના રાકેશભાઇ રાઠોડને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

રાજકોટ તા. ૯: ગાંધીગ્રામમાં માધવ હોલ પાસે રહેતાં રાકેશભાઇ વાઘજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૧) નામના એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે કામ કરતાં યુવાને રેસકોર્ષ રીંગ રોડ પર મગનલાલ આઇસ્ક્રીમની સામેના ભાગે પાળી પર બેસી ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી. રાકેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ છે. સંતાનમાં એક પુત્રી છે. તેમના પરિવારજનોના કહેવા મુજબ રાકેશભાઇ અગાઉ ખાનગી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર હતાં. એ પછી બીજી હોસ્પિટલમાં આ કામ કરતાં હતાં. પરંતુ થોડા દિવસ પહેલા નોકરી છુટી જતાં હાલ બેકાર થઇ ગયા હોઇ કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું.

માધાપર ચોકડી મનહરપુરમાં મિત્તલબેને ફિનાઇલ પીધું

જામનગર રોડ માધાપર ચોકડી પાસે મનહરપુર-૧માં રહેતાં મિત્તલબેન મેહુલભાઇ ચોૈહાણ (ઉ.૩૪) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

શિવાજીનગરમાં સાગર ભુલથી લિકવીડ પી ગયો

દૂધ સાગર રોડ પર પાવર હાઉસ સામે શિવાજીનગર પાસે રહેતો અને બંગડીના કારખાનામાં મજૂરી કરતો સાગર ભરતભાઇ મકવાણા (ઉ.વ.૨૧) ભુલથી બંગડીના કામમાં વપરાતું લિકવીડ પી જતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

(11:52 am IST)