Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

માલિયાસણ પાસે છકડાએ બાઇકને ઠોકરે લેતાં લાલપરીના રામજીભાઇ સિંધવનું મોત

દૂધ વિતરણ કરી પરત આવતી વખતે કાળ ભેટી ગયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: કુવાડવા રોડ પર માલિયાસણ પાસે છકડો રિક્ષાએ બાઇકને ઠોકરે લેતાં બાઇકચાલક લાલપરી વિસ્તારમાં રહેતાં રામજીભાઇ ખેંગારભાઇ સિંધવ (ઉ.વ.૫૧)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

રામજીભાઇ સિંધવ પશુપાલન કરી ગુજરાન ચલાવતાં હતાં. ગઇકાલે સાંજે તેઓ બાઇક પર દૂધ આપવા માટે લાલપરીથી માલિયાસણ ગયા હતાં. ત્યાંથી સાંજે છકડો રિક્ષાના ચાલકે ઠોકરે ચડાવતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. છકડો રેઢો મુકી ચાલક ભાગી ગયો હતો. રામજીભાઇને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર રામજીભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર અને પાંચ પુત્રી છે. મોભીના મૃત્યુથી સિંધવ પરિવારના સભ્યોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. પોલીસે છકડો ચાલક સામે કાર્યવાહી કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(11:54 am IST)