Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કોંગ્રેસમાં અશિસ્ત અને બળવાખોરી હારના કારણો બનશે

શહેરની જનતા 'રાજકોટ મકકમ, ભાજપ સાથે અડિખમ' સુત્રને સાકાર કરશે : ભાજપે ઉચ્ચ શિક્ષિત અને નવા ઉમેદવારોની પેનલ આપી છે તો કોંગ્રેસે નબળા ઉમેદવારોને પસંદ કરી મતદારોની મશ્કરી કરી છેઃ કશ્યપ શુકલનો ધ્રુજારો

રાજકોટઃ તા.૯, રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે. આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસનો નામોશીભર્યો પરાજય થશે એવી આગાહી કરતાં ભાજપ અગ્રણી અને વોર્ડ નં.૭ના પૂર્વ કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ યાદીમાં જણાવે છે કે કોંગ્રેસમાં ટીકીટ માગવાવાળા માથાભારે કાર્યકરોથી ડરી ગયેલ કોંગ્રેસ નેતાગીરીએ કોઇપણ પ્રકારના માપદંડ કે યોગ્યતાને ધ્યાનમાં લીધા વગર, આડેધડ ઉમેદવારોની પસંદગી કરી છે. પસંદ થયેલા કેટલાંક ઉમેદવારો તો એવા છે કે વોર્ડના વિસ્તારો પણ જોયા નથી, સ્થાનીક લોકોની સમસ્યાઓનો પણ ખ્યાલ નથી... આવા ઉમેદવારો પ્રજાના પ્રશ્નો કયાંથી હલ કરશે? કોંગ્રેસમાં અશિસ્ત અને બળવાખોરી આ ચૂંટણીમાં તેના પરાજયના કારણો બનશે.

વોર્ડનં.૭માં છેલ્લી ઘડી સુધી ઉમેદવાર નકકી ન થતાં જે હાથ આવ્યો તેને મુકી દીધા છે. કોંગ્રેસના ઉમેદવારોનો ભૂતકાળ અસામાજીક તત્વો તરીકેની છાપ છે, આવા ઉમેદવારો પસંદ કરીને કોંગ્રેસ શું રાજકોટને મીની બિહાર બનાવવા માંગે છે ? આ વોર્ડ વિસ્તારના લોકોમાં રોષની લાગણી છે. રાજકોટને મીની બિહાર બનાવતાં અટકાવશે. આ વોર્ડની કોંગ્રેસની પેનલમાં અશિક્ષિત અને મતદારો માટે અજાણ્યા ઉમેદવારો જયારે ભાજપે ઉચ્ચશિક્ષિત નવા યુવા ઉમેદવારોની પેનલ આપી છે. કોંગ્રેસ નબળા ઉમેદવારો પસંદ કરીને મતદારોની મશ્કરી કરી હોવાનું જણાવેલ.

શહેરની મધ્યમાં વિશાળ વિસ્તારમાં ફેલાયેલો વોર્ડનં.૭ ઐતિહાસીક અને માંધાતાઓનો જુનો વોર્ડ છે., મોટાભાગના મતદારો બ્રાહ્મણ, જૈન, લોહાણા છે. બૃહતમ મતદારોનો મિજાજ ભાજપ તરફી છે. આ વોર્ડ રાજકોટને ચાર મેયર અરવિંદભાઇ મણીયાર, વિનોદભાઇ શેઠ, ભાવનાબેન જોષીપુરા અને બીનાબેન આચાર્ય ૫૩ વર્ષ પહેલા ૧૯૬૭માં ગુજરાતમાં કોંગ્રેસના વિપક્ષ ઉમેદવાર એકમાત્ર ચિમનભાઇ શુકલ આ વિસ્તારમાંથી ચૂંટાયા હતા. તેમણે ૧૯૫૫માં આ વોર્ડના મોટી ટાંકી ચોકમાં જનસંઘની સ્થાપના કરી હતી. આ વોર્ડ વિસ્તારના મતદારોનો મિજાજ હંમેશા જનસંઘ- ભાજપ તરફી જ રહયો છે. આ ચૂંટણીમાં વોર્ડનં.૭માં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર ચૂંટાશે નહિ એવો પ્રાથમીક માહોલ હોવાનું ભાજપ નેતા કશ્યપભાઇ શુકલએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:13 pm IST)