Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

લાંબા સમયથી જુદા-જુદા ગુનામાં ફરાર શખ્સોને વીણી વીણીને પકડી રહી છે પોલીસઃ એક જ દિ'માં ડઝનને દબોચી લીધા

વર્ષોથી, મહિનાઓથી પોલીસને હાથતાળી આપનારાને ચૂંટણી ટાણે પોલીસનો 'પરચો' મળવા લાગ્યો : દુઃખ ત્રાસ આપવાના ગુનામાં બે વર્ષથી ફરાર યાકુબ મોટાણીને ક્રાઇમ બ્રાંચે તમંચા-કાર્ટીસ સાથે દબોચ્યોઃ જેલમાંથી વચગાળાના જામીન પર છુટી ફરાર થયેલા ૪ને પેરોલ ફરલોએ પકડ્યાઃ દારૂ, મારામારી, લૂંટ-અપહરણ, ત્રાસના ગુનામાં ફરાર શખ્સોને ડીસીબી, ગાંધીગ્રામ, આજીડેમ, માલવીયાનગર, બી-ડિવીઝન, ભકિતનગર પોલીસે સકંજામાં લીધા

રાજકોટ તા. ૯: વર્ષોથી કે મહિનાઓથી અલગ-અલગ ગુનાઓમાં અને જેલમાંથી વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર થઇ ગયેલા શખ્સોને ઝડપી લેવાની કામગીરી છેલ્લા કેટલાક દિવસથી શહેર પોલીસે વેગવંતી બનાવી દીધી છે. લાંબા સમયથી હાથમાં ન આવનારાને વીણી-વીણીને શહેરની ક્રાઇમ બ્રાંચ, પેરોલ ફરલો સ્કવોડ તથા તમામ પોલીસ સ્ટેશનની ટીમો ગમે ત્યાંથી શોધી કાઢી પોલીસનો પરચો બતાવી રહી છે. એક જ દિવસમાં પોલીસે આવા બે-ચાર નહિ પણ એક ડઝન શખ્સોને દબોચી લીધા છે. જેમાં એક શખ્સ તો તમંચા અને બે જીવતા કાર્ટીસ સાથે પકડાઇ ગયો હતો. પોલીસે કરેલી કામગીરીની વિગતો આ મુજબ છે.

ક્રાઇમ બ્રાંચે તમંચા કાર્ટીસ સાથે એકને પકડયો

શહેર પોલીસ કમિશનરની સુચનાથી ઝુંબેશ ચાલુ છે. જેમાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમે ભરણપોષણ અને ત્રાસના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા યાકુબ ઇશાભાઇ મોટાણી (ઉવ.૩૮) (રહે. મહુવા,મુળ રાજકોટ જામનગર રોડ સાંઢીયાપુલ પાસે સ્લમ કવાર્ટરની બાજુમાં)ને પકડી લેતા તલાશી દરમ્યાન તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીસ મળી આવતા તેની ધરપકડ કરી હતી. પુછપરછમાં રાજેશ સીંગ રાજાવત (રહે. ઇસુરીગામ તા. ભીંડ મધ્યપ્રદેશ)નું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે.

મારામારીના ગુનામાં અફઝલ પકડાયો

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસવી. સાખરા સહિતના સ્ટાફે બી ડીવીઝન પોલીસ મથકના મારામારીના ગુનામાં નાસતા ફરતા અફઝલ ઉર્ફે ચોટીયો ઉર્ફે ગાટીયો ઇકબાલભાઇ આરબ (ઉવ.૨૮) (રહે. વોરાકોટડા રોડ, આવાસ યોજના કવાટર ગોંડલ)ને પકડી લીધો હતો.

પેરોલ જંપ કરનારા ચાર પકડાયા

પેરોલ ફરલો સ્કવોર્ડના પીએસઆઇ એમ.એસ.અંસારી સહિતના સ્ટાફે સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી દોઢ મહિનાથી નાસતા ફરતા પાકા કામના કેદી રાજેશ નંદલાલભાઇ (ઉવ.૫૫) (રહે. બેડીગામ શ્રીરામપાર્ક)ને ભગીરથસિંહ ભાણજીભાઇ ડાભી (ઉવ.૩૫) (રહે. રાજદીપ સોસાયટી , મવડી ચોકડી)ને, કરમશી બચુભાઇ સોલંકી (રહે. તીરૂપતિ બાલાજી સોસાયટી કુવાડવા રોડ)ને સુરેશ ઉર્ફે રાવધન તળશીભાઇ સોલંકી (ઉવ.૩૫) (રહે. મધુરમ સોસાયટી ખોખડદળ નદીના કાંઠે) ને પકડી લઇ ચારેયને મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયા હતા.

લૂંટ -અપહરણના ગુનામાં ફરાર નીલેશ પકડાયો

માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા સહિતના સ્ટાફે લૂંટ અને અપહરણના ગુનામાં ફરાર નામચીન નીલેશ ઉર્ફે નીલીયો ઉર્ફે કાનો જીલુભાઇ વાઘેલા (ઉવ.૨૮) (રહે. ફાલ્કન રોડ સડક પીપળીયા ગામ, તા. ગોંડલ) ને પકડી લીધો હતો. નીલેશ અગાઉ હત્યા, હત્યાની કોશીષ અને વિદેશી દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

ઘરેલુ હિંસાના ગુનામાં ફરાર દેવુબેન પરમાર ઝડપાયા

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ.પટેલ સહિતના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા ઘરેલુ હીંસા, મારામારી અને ધમકીના ગુનામાં ફરાર દેવુબેન નાજાભાઇ પરમાર (રહે. રૈયાધાર મેઇન રોડ)ને પકડી લીધા હતા. 

મારામારીના ગુનામાં સામેલ ફિરોઝ પકડાયો

એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જે. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જે.એમ.ભટ્ટ સહિતના સ્ટાફે મારામારીના ગુનામાં ફરાર ફિરોઝ ઉર્ફે બાદશાહ અબ્બાસભાઇ મકરાણી (ઉવ.૪૬) (રહે. વોરાવાડ ધ્રાંગધ્રા)ને ધ્રાંગધ્રાથી પકડી લીધો હતો.

દારૂના ગુનામાં સામેલ મહેબુબ પઠાણ પકડાયો

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે. કામળીયા સહિતના સ્ટાફે ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા મહેબુબખાન ઉર્ફે મેબલો હુશેનખાન પઠાણ (રહે. ધરમનગર આર.એમ.સી કવાર્ટર ગાંધીગ્રામ)ને પકડી લીધો હતો.

આજી ડેમ પોલીસે રાજુ ઉર્ફે પીન્ટુને પકડાયો

આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ  એમ.એમ. ઝાલા સહિતના સ્ટાફે આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં છ માસથી ફરાર રાજુ ઉર્ફે પીન્ટુ ભારૂભાઇ પરમાર (રહે. માળી ફળીયુ ગામ તા. ધાનપુર -દાહોદ)ને પકડી લીધો હતો.

એકતા સોસાયટીનો શખ્સ પાસામાં સુરત જેલહવાલે થયો

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વધુ એક બૂટલેગરને પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. જામનગર રોડ પરાપીપળીયાના પાટીયા પાસે એકતા સોસાયટી ૨૫ વારીયા કવાર્ટર નં. ૪૨૨માં રહેતાં દિલીપસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.૪૮) વિરૂધ્ધ દારૂના ગુના હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર કરી સુરત જેલહવાલે કરવા વોરન્ટ ઇશ્યુ થતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, પીસીબીના આર. વાય. રાવલ, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ, વિરેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ, ચેતનસિંહ, શૈલેષભાઇ, રાજુભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી સહિતે બજવણી કરી હતી.

(3:15 pm IST)