Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રેલનગર નિલકંઠ પાર્કના એકાઉન્ટન્ટ યુવાને ટ્રેન સામે દોડી પડતુ મુકયું: જિંદગી ખતમ

૩૩ વર્ષિય દર્શન મહેતા ગઇકાલે સવારે નોકરીએ જવાનું કહીને નીકળ્યો'તો પણ ત્યાં ગયો નહોતોઃ રાત સુધી ન મળતાં શોધખોળ કરતાં પરિવારજનોને આજે લાશ મળતાં અરેરાટી

રાજકોટ તા. ૯: જામનગર રોડ પર માધાપર ચોકડીથી મોરબી રોડ તરફના પુલ નીચે વહેલી સવારે એક યુવાને ધસમસતી ટ્રેન સામે દોટ મુકી પડતું મુકતાં ખોપરી ફાટી જતાં અને હાથનો છૂંદો નીકળી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. પોલીસ તપાસમાં આ યુવાન શો રૂમમાં એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું અને ગઇકાલે સવારે નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ નોકરી પર ન જઇ ગાયબ થઇ ગયો હતો. શોધખોળ કરતાં પરિવારજનોએ આજે તેનો મૃતદેહ મળતાં કલ્પાંત સર્જાયો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સવારે એક યુવાને માધાપર ચોકડીથી મોરબી રોડ તરફના પુલ નીચે ટ્રેન સામે દોટ મુકી પડતું મુકી આપઘાત કરી લીધાની ઘટનાની જાણ રેલ્વે પોલીસ મારફત થતાં ગાંધીગ્રામના પીએસઆઇ જે. બી. રાણા તથા રાઇટર  અર્જુનભાઇ ત્યાં પહોંચ્યા હતાં. મૃતક યુવાન પાસેથી મળેલા આધારકાર્ડને આધારે તપાસ થતાં તેની ઓળખ શકય બની હતી. મૃતકનું નામ દર્શનભાઇ પ્રદિપભાઇ મહેતા (ઉ.વ.૩૩-રહે. રેલનગર નિલકંઠ પાર્ક-૧) હોવાનું ખુલ્યું હતું. તેના પત્નિ પ્રિયંકાબેન અને  મિત્રએ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ઓળખ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર દર્શનભાઇ મોબાઇલના શો રૂમમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં હતાં.  તે એક બહેનથી નાના અને પરિવારનો આધારસ્તંભ હતાં. ગઇકાલે સવારે તે નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા પછી બપોરે જમવા માટે પત્નિએ સંપર્ક કરતાં ફોન બંધ આવતાં નોકરીના સ્થળે ફોન કરતાં ત્યાંથી જાણવા મળ્યું હતું કે તે નોકરી પર ગયા જ નથી. શોધખોળ બાદ પત્નિએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં પતિ ગૂમ થયાની જાણ કરી હતી. પરિવારજનોએ સતત શોધખોળશરૂ કરી હતી ત્યાં આજે ટ્રેન હેઠળ કપાયેલો મૃતદેહ મળી આવતાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:18 pm IST)