Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

આલે...લે...કોન્ટ્રાકટ મ.ન.પા.નો અને કામ કારખાનેદારનું ! : કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટની નોટીસ

કચરો ઉપાડવાના કોન્ટ્રાકટરનું ટ્રેકટર ઈન્ડસ્ટ્રીઝના ગાર્બેજમાં ફેરા કરતુ ઝડપાતા ઉદીત અગ્રવાલ લાલઘુમ

રાજકોટ, તા. ૯ :. મ.ન.પા.ના કચરા ઉપાડવાના કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટર ખાનગી ઈન્ડસ્ટ્રીઝનો ગાર્બેજ લઈ જતા રંગે હાથ ઝડપાઈ જતા આ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવાની નોટીસ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ દ્વારા આપવામાં આવી છે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૯ના રોજ સવારે વોર્ડ નં. ૧૫-સી માં કચરો ઉપાડવાના કોન્ટ્રાકટર વાલજીભાઈ માધાભાઈ ગોહેલનું ટ્રેકટર નં. જીજે ૦૧ એફકયુ ૮૨૫૪ જેના ડ્રાઈવર જગાભાઈ, સવારે ટ્રેકટરના ફેરા દરમ્યાન ઈન્ડસ્ટ્રીઝનો કાટમાળ ભરી ફેરા કરાતા જોવા મળતા આ એજન્સીને બ્લેકલીસ્ટ કેમ ન કરવી ? તે અંગે એજન્સીને નોટીસ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજે સવારે કોન્ટ્રાકટરના ટ્રેકટર દ્વારા ખોડીયારપરા આવાસ યોજના કવાર્ટરની સામેની શેરી આજી ઈન્ડસ્ટ્રીઝ-૧, આજી વસાહત શેરી નં. ૪ દીપ જ્યોત ઈન્ડસ્ટ્રીઝમાંથી કારખાનામાંથી નિકળતુ રબ્બીસ, માટી, પથ્થર ટ્રેકટરમાં ભરી ફેરા કરતા જોવા મળેલ હતા. આથી આ બાબતે એજન્સીને બ્લેકલીસ્ટ કરવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમ મ્યુ. કોર્પોેરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(4:05 pm IST)