Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કોંગ્રેસની વિનાશની રાજનીતિઃ અંજલીબેન રૂપાણી

વોર્ડ નં.૧માં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન : મજબૂત સંગઠન થકી ભાજપનો વિસ્તાર વ્યાપ્યોઃ કમલેશ મિરાણી : કોંગ્રેસની ટાંટીયા ખેંચની રમતના કારણે દેશ બરબાદી તરફ ધકેલાઈ ગયો છેઃ લાભુભાઈ ખીમાણીયા

રાજકોટઃ શહેરમાં ભાજપ વોર્ડનં-૧ના ઉમેદવાર ડો.અલ્પેશભાઈ મોરઝરીયા, ભાનુબેન બાબરીયા, દુર્ગાબા જાડેજા, હિરેનભાઈ ખીમાણીયાના સમર્થનમાં ૧૫૦ ફૂટ રીંગ ખાતે શ્રીમતી અંજલીબેન રૂપાણી અને શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણીના હસ્તે ભાજપા કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

આ તકે પૂર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયા, જીલ્લા પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયા, આહીર સમાજના આગેવાન લાભુભાઈ ખીમાણીયા, રાજુભાઈ બોરીચા, પ્રભારી દિલીપભાઈ પટેલ, જેરામભાઈ વાડોલીયા, પૂર્વ પ્રમુખ રામદેવભાઈ આહીર, પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ આહીર, આશિષ વાગડીયા, અંજનાબેન મોરઝરીયા, મહામંત્રી કાનુભાઈ ખાણધર, જયરાજસિંહ જાડેજા, વાડોલીયા લલિતભાઈ સહીતના ભાજપના તમામ મોરચા સેલના હોદ્દેદારો તથા તમામ સમાજના પ્રમુખો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપના મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ કાર્યાલયને ખુલ્લુ મુકતા જણાવ્યું હતું કે કોંગ્રેસની વિનાશની રાજનીતિને કારણે કોંગ્રેસનો જ વિનાશ થઈ ગયો છે. કોંગ્રેસ છેલ્લા શ્વાસ ઉપર છે. ત્યારે કોંગ્રેસને મૃતઃ પાય  બનાવીને વિનાશકારી કોંગ્રેસ જડબાતોડ જવાબ આપવાને સમય પાકી ગયો છે.

ભાજપ સરકારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજકોટમાં અનેકવિધ યોજનાઓ આપીને તમામ સમાજ અને તમામ વર્ગને વિકાસના મીઠા ફળ આપ્યાં છે. જેને  કારણે યુવાનો, વૃધ્ધો, દિવ્યાંગો, બહેનો, વિદ્યાર્થીઓને આ વિકાસના ફળ મળ્યાં છે.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ ભાજપના મજબૂત સંગઠન થકી  ભાજપાને વિસ્તાર વ્યાપ્યો છે. સૌના સાથ સૌના વિકાસ થકી રાજકોટનો વિકાસ થયો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપાનો પેજ કમીટીનો કર્મઠ કાર્યકર્તા કોંગ્રેસ ઉપર છેલ્લો ખીલ્લો ઠોકીને ભાજપા ચારેય ઉમેદવારના કમળ નિશાન ઉપર મતદાન કરીને જંગી લીડથી જીતાડશે. તેવો વિશ્વાસ વ્યકત કર્યા હતો. આજે પ્રશ્નો એક જ સંકલ્પ છે. રાજકોટ મકકમ- ભાજપા સાથે અડીખમ રહીને કમળને ખીલવશે અને વિકાસ ખીલશે તેમ જણાવેલ.

આ પ્રસંગે પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતનો વિકાસ થયો છે. આ વિકાસ બરકરાર રાખવા ભાજપાના વોર્ડ નં.૧ના તમામ ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા હાકલ કરી હતી.

આ તકે કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં કેશરીયો ધારણ કરનાર લાભુભાઈ ખીમાણીયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની ટાંટીયા ખેંચની રમતને કારણે દેશ બરબાદી તરફ ધકેલાઈ ગયો છે. કોંગ્રેસનું દેશમાં કયાંય અસ્તિત્વ નથી. કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી. જયારે ભાજપા પાસે વિકાસનો એજન્ડા છે. આ એજન્ડા થકી રાજકોટને સ્માર્ટ સીટી બનાવી આપેલ છે. ત્યારે વિકાસને મત આપી ભાજપાના વોર્ડનં.૧ના ચારેય ઉમેદવારને જંગી લીડથી જીતાડવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કોંગ્રેસના શહેરના આગેવાનો સર્વશ્રી  રાજકોટ શહેર કોંગ્રેસના મહીલા પ્રમુખ હર્ષાબા જાડેજા પ્રદ્યુમનસિંહ ઝાલા, પ્રજાપતિ સમાજના કુંદનબેન લાઠીયા, ચિરાગ ચત્રભુજ તેમજ ભીલ સમાજના એસસીએસટી સેલના ચેરમેન આર.ડી.પરમાર, સાગરભાઈ, પીન્ટુભાઈ, ગજકેશરી ફાઉન્ડેશનના તમામ મેમ્બરો, સતવારા સમાજના વિજય નકુમ, હરિભાઈ નકુમ, યોગેશ પરમાર, ડી.બી.ચાવડા, રૈયાના કોંગ્રેસના અગ્રણી ગોવિંદભાઈ મચ્છાભાઈ બાંભવા સહીત અનેક સમાજના લોકોએ કોંગ્રેસને રામ રામ કરીને શ્રીમતિ અંજલીબેન રૂપાણી તથા શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણીની ઉપસ્થિતિમાં કેશરીયો ધારણ કર્યો હતો.

કાર્યક્રમનું સંચાલન ડો.અશોકસિંહ જાડેજા, સ્વાગત પ્રવચન હીતેશભાઈ મારૂએ કર્યુ હતું. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:08 pm IST)