Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રાજકોટમાં ખોખળદળ નદી કાંઠે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સલીમ અજમેરી નામના પિંજારા યુવાનની પત્ની મીરાના માવતર પક્ષે છરી તલવારના દસેક ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી: પત્ની તેની ભત્રીજીની સગાઈમાં જતા થયેલી માથાકૂટ હત્યા માટે કારણભૂત : બીજા 3 ઘાયલ થયા

રાજકોટઃ થોરાળા પોલીસ મથક હેઠળના ખોખળદળ નદીના પુલ પાસે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં હત્યાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. સલીમભાઈ દાઉદભાઈ અજમેરી ઉ.વ.32 નામના યુવાન પર પત્ની મીરાના મામાના દીકરા સંજય તેમજ મામા ઉમેશભાઈ સહિતે છરી તલવાર પાઇપ ધોકાના ઘા ઝીંકી ક્રૂર હત્યા નિપજાવતા એસીપી એચ.એલ.રાઠોડ, પીઆઇ જી.એમ.હડિયા, પીએસઆઇ ગઢવી, અજિતભાઈ ડાભી, કેલ્વિનભાઈ અને ડી.સ્ટાફની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. 

આ ધમાલમાં સાજન પ્રભાતભાઈ સોલંકી પણ ઘાયલ થયો છે. આ ઉપરાંત બિલાલ સલીમભાઈ, અકરમ સલીમભાઈ પણ ઘાયલ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી છે.

જાણવા મળ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર સલીમભાઈ અજમેરીએ મીરા નામની દેવીપુજક યુવતી સાથે 8 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તેના આ બીજા લગ્ન હતાં. સંતાનમાં 2 પુત્ર છે. સલીમભાઈ મજૂરી કરતો હતો. 

તેની પત્ની મીરા બપોરે હુડકો શાંતી નગર ચોકડીએ ભાઈની દીકરીની સગાઈમાં આજે ગઈ હતી. ત્યાંથી પરત આવતા એ પ્રસંગમાં જવા મામલે તેણી સાથે પતિ સલીમભાઈને ઝગડો થતા મીરાંએ માવતર પક્ષમાં ફોન કરતા તેણીના મામાના દીકરા સહિતના ધસી આવ્યા હતાં અને હીચકારો હુમલો કરી ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું. સલીમભાઈને બચાવવાના પ્રયાસમાં તેના સાળાના દીકરાઓને પણ ઇજા થઇ હતી. સામે સાજન સોલંકી પણ ઘાયલ થતા સિવિલમાં દાખલ કરાયા છે. પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. તસ્વીરમાં ઘટના સ્થળ હત્યાનો ભોગ બનનારનો લોહીભીનો મૃતદેહ તથા કાર્યવાહી માટે પહોંચેલી પોલીસ અને મૃતકની પત્ની મીરા જોઈ શકાય છે.

(6:56 pm IST)