Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભીલવાસ - જાગનાથ વિસ્‍તારમાં આરોગ્‍ય તથા વોટર વર્કસ શાખા દોડી ગઇ : ચેકીંગ

ગઇકાલે આ ભલીવાસની એક જ શેરીમાં ઝાડા-ઉલ્‍ટીના કેસ નોંધાતા તંત્ર ઉંધા માથેઃ પાણીનું નિરિક્ષણ કરાયુ

રાજકોટ તા. ૯ :  શહેરનાં વોર્ડ નં. ૭ નાં ભીલવાસની ઇદગાહ શેરીમાં ઝાડા - ઉલ્‍ટીનો રોગચાળો ફેલાતા વોર્ડના યુવા કોર્પોરેટર નેહલ શુકલે મ્‍યુ. કમિશનર અમિત અરોરાને ફરીયાદ કરી આ શેરીમાં દુષિત પાણીની વર્ષો જૂની સમસ્‍યાને કારણે ઝાડા -ઉલ્‍ટીનો રોગચાળો ફેલાયો હોઇ તાકિદે યોગ્‍ય પગલા લેવા ઉગ્ર માંગ ઉઠાવી હતી. જે અન્‍વયે આજે મનપાની વોટર વર્કસ તથા આરોગ્‍ય શાખા પાણી વિતરણના સમયે દોડી જઇ ચેકીંગ હાથ ધર્યુ હતું અને પાણીનું નિરીક્ષણ કર્યું હતું.
ભીલવાસ વિસ્‍તારની એક જ શેરીમાં ઝાડા-ઉલ્‍ટીના અનેક કેસ દુષિત પાણીથી નોંધાવાની ફરિયાદ અનુસંધાને આજે સવારે મ્‍યુનિ. કોર્પોરેશનની આરોગ્‍ય તથા વોટર વર્કસ શાખાની ટુકડીએ ભીલવાસ તથા જાગનાથ વિસ્‍તારમાં પાણી વિતરણ સમયે ચેકીંગ હાથ ધર્યુ હતું. આ ચેકીંગમાં કોઇ લાઇન લીકેજ કે ગંદા પાણી વિતરણની ફરિયાદ આવી ન હતી. તેમજ તંત્ર દ્વારા પાણીના સેમ્‍પલ પણ લેવાયા હતા તે પીવા લાયક હોવાનું ફલિત થયું હતું.
ગત અઠવાડીયે શહેરમાં પાણી કાપની સમસ્‍યા વચ્‍ચે દુષીત પાણીની ફરીયાદો ઉઠી છે. આ અંગે વિસ્‍તારવાસીઓ દ્વારા મ્‍યુ. કમિશનર અમિત અરોરાને રજૂઆત કરી ઝડપથી દુષીત પાણીની સમસ્‍યા દૂર કરવા માંગ કરવામાં આવી હતી. વિસ્‍તારના લોકોએ મનપાની સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે દેખાવ પણ કર્યો હતો.
શહેરના વોર્ડ નં. ૭ ના ભીલવાસ વિસ્‍તારમાં આવેલ ઇદગાહ શેરીમાં ઘણા સમયથી દુષિત પાણી આવતુ હોવાની અનેક વખત રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા વિસ્‍તારવાસીઓએ મ્‍યુ. કમિશનરને રજૂઆત કરી હતી.
વિસ્‍તારવાસીઓની ફરિયાદનો ઉકેલ તંત્ર દ્વારા મથામણ હાથ ધરવામાં આવી રહી છે.

 

(2:58 pm IST)