Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કાલે ૧૦ જૂનઃ વિશ્વ ચક્ષુદાન દિવસ

કોણ કરી શકે? કયારે કરી શકે..? કેમ ચક્ષુદાન કરી શકાય...? રાજકોટમાં અનેક સંસ્‍થાઓ આ કાર્ય કરી રહી છે, આવો આપણે સૌ સહિયારા પુરૂષાર્થથી કોઈ અંધ ભાઈ- બહેનને દ્રષ્‍ટિદાન આપવા નિમિત્ત બનીએ

જન્‍મ સાથે મૃત્‍યુ સંકળાયેલું છે. જેણે જન્‍મ લીધો છે તે મૃત્‍યુ પામવાના છે. દરેક મનુષ્‍ય જેમ કીર્તિ,ધન,સુખમય જિંદગી જીવવાની આશા સેવતો હોઈ તેમ તે પુણ્‍યશાળી પરોપકારી આત્‍માને શોભે તેવા મૃત્‍યુ પામવાની ઈચ્‍છા ધરાવતો હોય છે.
આપણામાં કહેવાય છે એતો જિંદગી જીવી જાણ્‍યા અને મૃત્‍યુને પણ સાર્થક બનાવી ગયા. આમ આપણા મૃત્‍યુ પછી નેત્રદાનની માનવતા ભરી ભેટ દ્વારા અંધજનોને દ્રષ્ટિ પ્રદાન કરવાનો મહામંત્ર આપણને વિજ્ઞાને આપ્‍યો છે.
આધુનિક સંશોધનને એ સિદ્ધ કરી આપ્‍યું છે કે આપણી આંખની આગળ આવેલું પારદર્શક પડ જેને કોર્નિયા કહેવામાં આવે છે તેને આપણા મૃત્‍યુ પછી પણ જીવંત રાખી શકાય છે અને જે દર્દીનો આ ભાગ કોર્નિયા રોગિષ્ટ બની ગયો હોય તેને ચક્ષુદાન માં મળેલી આંખનો કોર્નિયા બેસાડવામાં આવે તો દર્દીને દેખતો કરી શકાય છે.
ચક્ષુદાન કોણ આપી શકે?
જે વ્‍યક્‍તિની આંખોનું પારદર્શક પટલ કોર્નિયા સારો હોઈ તે દરેક વ્‍યક્‍તિ ચક્ષુદાન કરી શકે છે. આમાં ઉંમર ,જાતિ, કે લોહીના ગ્રુપ નો કોઈ બાધ નડતો નથી. બાળકથી માંડીને વૃદ્ધ, પુરૂષ,સ્ત્રી, હરકોઈના ચક્ષુદાન થઈ શકે છે. આ ઉપરાંત કોઈ કારણસર આંખના ડોળાની મુખ્‍ય નસ ખોટી પડી ગઈ હોય કે પડદો ખસી ગયો હોય અને પોતે તદ્દન અંધ થઈ ગયા હોય તેવા લોકો પણ જો તેમનો કોર્નિયા સારો હોઈ તો પોતાની આંખનું દાન કરી બીજા અંધજનોને દ્રષ્ટિ આપવામાં સહાય કરી શકે છે. આંખે ચશ્‍માં હોઈ તેઓ પણ ચક્ષુદાન કરી શકે છે. ચક્ષુદાન વ્‍યક્‍તિના મૃત્‍યુ બાદ જ સ્‍વીકારવામાં આવે છે.
 ચક્ષુદાન માટે શું કરવું જોઈએ?
મૃત્‍યુ પછી ચક્ષુદાન માટે ચક્ષુબેંક અથવા નજીક ના આંખના ડોકટર ને જાણ કરવાથી તુરત ચક્ષુદાન લેવા માટે વ્‍યવસ્‍થા થઈ જાય છે. અને હવે ઘણી સામાજિક સંસ્‍થાઓ ચક્ષુદાનની પ્રવૃત્તિ કરતી સંસ્‍થાઓના કાર્યકરો દ્વારા તમામ ચક્ષુદાનની વ્‍યવસ્‍થા ગોઠવાય જાય છે એટલે મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના કુટુંબીજનો ને કશી તકલીફ ન પડે તેવી કાળજી આ સંસ્‍થાઓ રાખે છે.
આંખો ખુલ્લી રહી જાય અને પવન લાગે તો ડોકટર આવે ત્‍યાં સુધી મૃતદેહની આંખની વિશેષ સંભાળ લેવાની હોય છે. સદગત ની આંખો જો ખુલ્લી રહી ગઈ હોય તો તુરત બંધ કરી દેવી જોઈએ. અને બંધ આંખો ઉંપર ભીનો રૂમાલ મૂકી દેવો જોઈએ. તેના રૂમ માં પંખો બંધ કરી દેવો જોઈએ, કારણ કે જો આંખો સુકાય જાય છે અને ખરાબ થઈ જાય છે.
ચક્ષુદાન કેવીરીતે લેવા માં આવે છે?
આંખો કાઢવાની પ્રક્રિયા ઘણી સરળ છે. માત્ર ૫ થી ૭ મિનિટની અંદર પુરી થઈ જાય છે. ચક્ષુરોપણ ના ઓપરેશન ની સફળતા માટે અવસાન બાદ ચક્ષુદાન ની પ્રક્રિયા જેમ બને તેમ જલ્‍દી અથવા તો મોડા મોડું ૬ કલાક ની અંદર થઈ જવી જોઈએ.
બીજી એક ખાસ માહિતી એ આપવાની કે ડોકટર દ્વારા આંખ કાઢતી વખતે બહુજ સાવધાની રાખવામાં આવે છે. આંખો કાઢી લીધા પછી આંખના પોપચાં એવી રીતે બંધ કરી દેવામાં આવે કે આંખો ની જગ્‍યાએ કોઈ ખાડો પડતો નથી. આંખો પહેલા હતી તેવી જ દેખાય છે અને સદગત નો ચહેરો બિલકુલ બેડોળ બનતો નથી.
આમ દાન માં મળેલ આંખો ને જીવાણુ રહિત કાચની ખાસ બોટલમાં મુકવામાં આવે છે અને તેને બરફ ભરેલા થર્મોસ માં લઇ જવામાં આવે છે કે કારણકે આંખોને ઓપરેશન સુધી સાચવવા માટે ઠંડા ઉષ્‍ણતામાન ની જરૂર હોય છે હોસ્‍પિટલમાં આ બાટલીઓ ફ્રિજમાં રાખી મુકવામાં આવે છે. આ આંખો ૨૪ થી ૪૮ કલાક માં ઉપયોગ માં લઇ પ્રત્‍યારોપણ કરવા માં આવે તો ઉત્તમ ગણાય. આ ઉપરાંત જો રાસાયણિક પ્રક્રિયા કરી રાખવામાં આવે તો મહિનાઓ સુધી રાખી શકાય છે.
ચક્ષુદાન વિશે ખોટી માન્‍યતાઓ!!!
આપણે ત્‍યાં ખોટી માન્‍યતાઓ છે કે ચક્ષુરોપણના ઓપરેશન માં આખો ડોળો બદલી નાખવા માં આવે છે. જેમ કાંડા ઘડિયાળ ઉપર કાચ હોઈ તેમ આંખની કીકી ઉપર જે પારદર્શક પટલ આવેલું છે તેને કોર્નિયા કહે છે. એમાંથી પ્રકાશના કિરણો અંદર પ્રવેશતા હોઈ છે. દાનમાં મળેલ આંખની આ કોર્નિયા જ ફક્‍ત શત્રક્રિયા વડે બદલવામાં આવે છે.
ચક્ષુરોપણના ઓપરેશન ક્‍યાં દર્દીઓમાં ઉપયોગી સિધ્‍ધ થાય છે?
અપુરતુ પોષણ, ખાસ કરીને  વિટામિન ‘‘અ''ે ની ખામીમાં, નેત્રખીલ તેમજ અન્‍ય રોગ ને કારણે અપારદર્શક બને છે. કોઈપણ કારણોસર આંખમાં ચાંદુ (અલ્‍સર) પડી જાય ત્‍યારે દર્દીની રોગગ્રસ્‍ત કોર્નિયા કાઢી, દાનમાં મળેલી આંખનો ચોખ્‍ખો કોર્નિયા બેસાડવાથી દર્દીને પૂનઃ દેખાય છે.
એક બીજો કોર્નિયાનો રોગ છે KERATOCONUS તેમાં કોર્નિયા વચ્‍ચે નો ભાગ બહાર આવી ગયો હોય છે અને તેને કારણે દર્દીને જોવામાં તકલીફ થાય છે. દ્યણી વખત મોતિયા અને નેત્રમણીના ઓપરેશન પછી કોર્નિયા ઉપર સોજો આવે છે અને તે અપારદર્શક બને છે. આવા બધા જ કિસ્‍સાઓમાં દર્દીને દ્રષ્ટિ રોપણના ઓપરેશનથી ફાયદો થાય છે અને તેઓ દ્રષ્ટિ પૂનઃ પ્રાપ્‍ત કરી શકે છે.
ચક્ષુબેંક
પૈસા જમા કરવા અને ઉપાડવામાં જેમ નાણાકીય બેંકની ગોઠવણ હોઈ છે તેવી જ રીતે ચક્ષુદાનમાં મળેલ આંખ ની લેવડ દેવડ કરવા તેમજ તેની સાચવણી અને સંગ્રહ કરવા માટે આઈ
બેંકની ગોઠવણ હોય છે. આ ઉપરાંત દ્રષ્ટિરોપણના ઓપરેશન હોઈ તેવા દર્દીઓની એક યાદી આઈ બેન્‍કમાં તૈયાર કરવામાં આવે છે. કારણકે આપણે ત્‍યાં દાનમાં મળતી આંખો કરતા આંખ જરૂરિયાત વાળા દર્દીઓની સંખ્‍યા વધારે હોય છે. દર્દીઓના સરનામાં ટેલિફોન નંબર લખેલી એજ યાદી તૈયાર કરવામાં આવે છે. અને જયારે પણ આંખો ઉપલબ્‍ધ થાય ત્‍યારે તેમનો સંપર્ક કરી તાત્‍કાલીક ઓપરેશન માટે બોલાવી લેવા માં આવે છે.
ચક્ષુદાન જેમને જરૂર છે તેવા દર્દીઓ નેત્રદાનના અભાવે દ્રષ્ટિ પાછી મેળવવાથી વંચિત રહી ન જાય તે જોવાની સહુની ફરજ બની રહે છે. તો આપણે સહુ નેત્રદાનનો સંકલ્‍પ કરીયે.
આલેખનઃ અનુપમ દોશી,   
મો.૯૪૨૮૨ ૩૩૭૯૬,વિવેકાનંદ યુથ ક્‍લબ, ચક્ષુદાન અભિયાન સમિતિ
ઉપેન મોદી,      
મો.૯૮૨૪૦ ૪૩૧૪૩, જે.એસ.જી.આઇ ડોનેશન ડ્રાઇવ.

 

(3:23 pm IST)