Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બે સંતાનની સ્‍કૂલ ફી ભરવાની ચિંતામાં હંસરાજનગરમાં માતાએ ઝેરી દવા પીધી

બે પુત્રોની સિત્તેર હજાર જેટલી ફી ભરવાની હતીઃ શિક્ષીકા માતાને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૯: હાલનું શિક્ષણ મોંઘુદાટ થઇ ગયું છે. ખાનગી સ્‍કૂલોની કમ્‍મરતોડ ફી સામાન્‍ય પરિવારના બજેટ ખોરવી નાંખતી હોય છે. આમ છતાં ગમે તેમ કરીને ગરીબ, મધ્‍યમવર્ગીય લોકો પોતાના સંતાનોને સારી સ્‍કૂલોમાં ભણાવવા પ્રયાસ કરતાં હોય છે. પોપટપરાના હંસરાજનગરમાં રહેતી એક મહિલાએ પોતાના બે સંતાનની સ્‍કૂલ ફી ભરવાની ચિંતાને કારણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.

હંસરાજનગર-૧માં રહેતી સુમિતાબેન વિજયભાઇ ભુરીયા (ઉ.વ.૩૮)એ રાતે સાડા બારેક વાગ્‍યે ઝેરી ટીકડી પી લેતાં સારવાર માટે ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી. સુમિતાબેન ખાનગી શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરે છે. તેને સંતાનમાં બે પુત્ર છે. આ બંને ખાનગી શાળામાં અભ્‍યાસ કરે છે. તેણીના પતિ વિજયભાઇ કડીયા કામ કરે છે. બંને બાળકોની રૂા. સિત્તેર હજાર જેવી ફી ભરવાની હોઇ આ રકમની વ્‍યવસ્‍થા કઇ રીતે કરવી? તેની ચિંતામાં કેટલાક દિવસથી સુમિતાબેન રહેતાં હતાં. આ કારણે રાતે ઝેરી દવા પી લીધાનું તેમના પરિવારજને કહ્યું હતું. આ પરિવાર મુળ દાહોદ તરફનો વતની છે.

(3:40 pm IST)