Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

જિલ્લા પંચાયત ભાજપમાં ઉકળતો ચરૂ : પ્રદેશમાં રજુઆતની તૈયારી

પ્રજાએ ર/૩ બહુમતી આપી છતા સુલેહ-સંપથી શાસન કરી શકતા નથી : સંકલનનો અભાવ હોવાનો સિનિયર સભ્‍યનો વસવસોઃ પંચાયતમાં પ્રમુખની હાજરી ઓછી

રાજકોટ તા. ૯ : જિલ્લા પંચાયતમાં સવા વર્ષ પહેલા પ્રજાએ ભાજપને બે તૃતીયાંશ બહુમતીએ શાસન સોપ્‍યુ છતા શાસક પાંખના સંકલનના અથવા ઇચ્‍છા શકિતના અભાવે પ્રજાની અપેક્ષા મુજબનું શાસન ચાલતુ નથી. સતાધારી પક્ષમાં સંકલનનો અભાવ અને જુથવાદનો પ્રભાવ દેખાય છે વિપક્ષ કોંગ્રેસ માત્ર નિવેદનો કરીને સંતોષ માની લ્‍યે છે. ભાજપના આંતરિક વિખવાદનો મામલો પ્રદેશ સુધી પહોંચે તેવા એંધાણ છે. અગાઉ સામુહિક રજુઆતની તૈયારી થયેલ પણ પ્રમુખના સમર્થક અમૂક આગેવાનોના પ્રયાસોથી રજુઆતની વાત અટકી પડી હતી. હવે ફરી અસંતુષ્‍ટ સભ્‍યો જિલ્લા પંચાયતની શાસન પધ્‍ધતિથી પ્રદેશ ભજપને ‘વિગતવાર' વાકેફ કરવા સક્રીય થયાનું જાણવા મળે છે. આજે ભાજપના એક સિનિયર સભ્‍યએ સંકલનના અભાવનો અન્‍ય લોકોની હાજરીમાં એકરાર કરી આક્રોશ ઠાલવ્‍યો હતો.
જિલ્લા પંચાયતમાં દર સોમવાર અને ગુરૂવારે માત્ર બે-ત્રણ સમિતિના અધ્‍યક્ષોની જ હાજરી રહે છે. પ્રમુખ ભૂપત બોદરની હાજરી પણ અમૂક દિવસે અમૂક સમય પૂરતી જ રહેતી હોવાનો ગણગણાટ છે. પંચાયતથી પાર્લામેન્‍ટ સુધી ભાજપનું શાસન હોવા છતા સૌને સાથે રાખીને વિકાસકામો કરાવી શકે તેવા નેતૃત્‍વનો અભાવ દેખાઇ આવે છે.
ચુંટાયેલા મોટાભાગના સભ્‍યો સામાન્‍ય સભા જેવા પ્રસંગોએ જ દેખાય છે. આગામી તા.૧૬મીએ સામાન્‍ય સભા છે જેમાં પ્રશ્નોતરીમાં આંગળીના વેઢે ગણાય એટલા સભ્‍યોએ જ રસ લીધો છે અરજદારોની સંખ્‍યા પણ એકદમ ઘટી ગઇ છે. એક સમયે ધમધમતી રહેતી જિલ્લા પંચાયતમાં એકદમ નિરસ વાતાવરણ છે. મહિલા સભ્‍યોના પતિદેવોને બેઠકોમાં ભાગ લેવાની મનાઇ થઇ જતા તેનો પણ કચવાટ જોવા મળે છે. મોટાભાગના વિભાગોમાં સ્‍ટાફની ઘટ હોવાથી વહીવટી તંત્ર પણ પરેશાન છે. જિલ્‍લા પંચાયતના વર્તમાન અને સંભવિત રાજકીય ભાવિ બાબતે જુદી - જુદી વાતો થઇ રહી છે.

 

(3:50 pm IST)