Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સંશોધનક્ષેત્રે મુઠી ઉંચેરૂ નામ ધરાવતા ડો.ભાવિન સેદાણીનું અકાળે નિધન

વિદ્યાર્થીઓમાં અતિ લોકપ્રિય, ઈલેકટ્રોનિકસ અને કોમ્‍યુનિકેશનમાં ગુજરાત સ્‍તરે શ્રેષ્‍ઠ પ્રાધ્‍યાપકોમાના એક : વોટરપાર્ક સ્‍વીમીંગ પુલમાં આનંદ માણ્‍યા બાદ, અચાનક તાવ આવી ગયો, સારવાર કારગત ન નિવડી

ઈશ્વરની ગતિ કયારેક ન સમજાય એવી અકળ અકળાવનારી હોય છે.  કુદરતની કારમી થપાટ કયારેક સહન થતી નથી.

આવી જ એક દુઃખદ ઘટના બની છે.  ઈલેકટ્રોનીકસ એન્‍ડ કોમ્‍યુનીકેશન ઈજનેરી વિદ્યાશાખાને નવીન ઉંચાઈએ પહોંચાડનાર,  વિદ્યાર્થીઓના પ્રોજેકટ-રીસર્ચ માટે સતત કાર્યરત, ગુજરાત સ્‍તરે આંગળીના વેઢે ગણી શકાય એવા ઈ.સી.નાં શ્રેષ્‍ઠ પ્રાધ્‍યાપકોમાંનાં એક ડો. ભાવિન શશીકાંતભાઈ સેદાણીનું (ઉંમર ૪૪) અકાળે નિધન થયું છે.

વોટર પાર્ક સ્‍વીમીંગ પુલમાં આનંદ માણ્‍યા બાદ અચાનક તાવ આવતા ગળે ન ઉતરે એવી અનેક જટિલ શારીરિક સમસ્‍યાઓ ઉત્‍પન્‍ન થયા બાદ તા.૮ જૂન બુધવારનાં રોજ નિધન થયું છે.

ડો. ભાવિન સેદાણી ઈલેકટ્રોનીકસ એન્‍ડ કોમ્‍યુનીકેશન વિભાગમાં કલાસ ૧ પ્રોફેસર તરીકે કાર્યરત હતા.  તેઓ ર૧ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હતા.

ભારતની શ્રેષ્‍ઠ એન્‍જીનીયરીંગ કોલેજ વી.વી.પી એન્‍જીનીયરીંગ કોલેજમાં ૧૬ વર્ષ નોકરી કરેલ હતી ઈલેક્‍ટ્રોનિક્‍સ અને કોમ્‍યુનિકેશન ડિપાર્ટમેન્‍ટ ને ગુજરાતમાં શ્રેષ્‍ઠ ડિપાર્ટમેન્‍ટ બનાવનારનું શ્રેય તેમની ટીમ ઉપર જાય છે માટે ગુજરાતમાં કહેવાતું ઇલેકટ્રોનિક્‍સ અને કોમ્‍યુનિકેશનમાં અભ્‍યાસ કરવો હોય તો રાજકોટની વી.વી.પી એન્‍જિનિયરિંગ કોલેજમાં કરવો જોઈએ. હાલ ગાંધીનગરમાં  ગવર્મેન્‍ટ એન્‍જિનિયરિંગ કોલેજ મા વિભાગીય વડા તરીકે ફરજ નિભાવતા હતા.

 શિક્ષણ તેમને વારસામાં મળ્‍યું હોય તેમના બાપુજી શશીકાંતભાઈ સેદાણી (એ.વી.પી.ટી.આઈ.) તથા માતૃશ્રી હસુતાબેન સેદાણી પૂર્વ આચાર્ય મહિલા કોલેજ રાજકોટઅને તેમના ધર્મપત્‍ની કોમલબેન સેદાણી, (બોરીસાગર)જીટીયુમાં પ્રાધ્‍યાપક તરીકે ફરજ નિભાવી રહ્યા છે આમ સેદાણી પરિવાર શિક્ષણ ક્ષેત્રે તેમજ પ્રેસ ફોટોગ્રાફર તેમજ ગ્રાફિક ક્ષેત્રે નામ રોશન કરેલ છે શ્રેષ્‍ઠ ફોટોગ્રાફર સ્‍વ ગુણવંતભાઈ સેદાણીના ભત્રીજા થાય છે તેઓ રણછોડદાસબાપુના અનન્‍ય ભક્‍ત હતા

તેઓએ ૬ બુક, ૪૧ રીસર્ચ પેપર, ૧૯ સ્‍કોપસ ઈન્‍ડેક્ષ આર્ટિકલ્‍સ, ૪ યુજીસી માન્‍ય જર્નલ આર્ટીકલ, ૧ર આંતરરાષ્ટ્રીય જર્નલ પબ્‍લીકેશન, ર૧ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય કોન્‍ફરન્‍સમાં રીસર્ચ પેપર પ્રસ્‍તુત કરેલ છે.  પેટન્‍ટ ઓફીસ ઓફ ઈન્‍ડીયા દવારા તેઓના ૮ પેટન્‍ટ પબ્‍લીકેશન અને ર૦ વર્ષ માટે ૬ પેટન્‍ટ મળેલ છે.

 તેઓને જીટીયુ દ્વારા ‘‘પેડાગોગીકલ એવોર્ડ'', આઈ.આઈ.આર. ચેન્નાઈ દ્વારા ‘‘યંગ રીસર્ચર એવોર્ડ'' તથા સાત વખત બેસ્‍ટ થ્રી પેપર પ્રેઝન્‍ટેશનનો એવોર્ડ મળેલ છે.  અનેક વખત એકસ્‍પર્ટ ટોક માટે તેઓ પસંદગી પામ્‍યા છે.

પ્રાર્થના સભા

તા. ૧૦ શુક્રવાર સાંજના ૫  થી ૬:૩૦, રાષ્ટ્રીય શાળા મધ્‍યસ્‍થ ખંડ રાજકોટ ખાતે રાખેલ છે.

આજરોજ તેમની સ્‍મશાનયાત્રામાં  લોકો હીબકે ચડયા....

આજરોજ તેમની સ્‍મશાનયાત્રામાં ૧૩ વર્ષની પુત્રી દિવ્‍યા..... પપ્‍પા આંખ તો ખોલો...... મારા પપ્‍પાને નહીં જવા દઉં..... રોતી .... રોતી.. બધાના આંખમાંથી આંસુ સરી પડ્‍યા સમશાન યાત્રામાં પૂજય ત્‍યાગ વલ્લભ સ્‍વામી આત્‍મીયયુનિવર્સિટી, આર.એસ.એસ વિવિપી ઇજનેરી કોલેજના ટ્રસ્‍ટી શ્રી નરેન્‍દ્રભાઈ દવે, તુષાર લલીતભાઈ મહેતા વાંકાનેર, શિક્ષણ જગતના ડો.સચીનભાઈ પરીખ,શ્રી કમલેશભાઈ જોષીપુરા શ્રી કલ્‍પક ભાઈ ત્રિવેદી. ડો.નવનીતભાઈ, લુહાણા સમાજના શ્રેષ્‍ઠિઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,વેપારી એસોસીએશન, બિલ્‍ડરો ઉદ્યોગપતિઓ જોડાયા હતા રામનાથ પરા સ્‍મશાનએ હિન્‍દુ વિધી પ્રમાણે શ્રી નરેન્‍દ્રભાઈ દવે કમલેશભાઈ જોષીપુરા અને કલ્‍પકભાઈ ત્રિવેદી એ વિવિધ મંત્રોચ્‍ચાર અને પ્રાર્થના કરાવેલ હતી.

ડો.ભાવિન સેદાણીના અકાળ દુઃખદ નિધનથી  સેદાણી પરિવાર, બોરી સાગર પરિવાર, કોટેચા પરિવાર .તેમજ વિવિપીપરિવાર  તેમજ ગુજરાતનું ઈજનેરી શિક્ષણ આઘાત સાથે શોકગ્રસ્‍ત થયા છે.  પરમકૃપાળુ પરમાત્‍મા તેમના આત્‍માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.  જયેશ સંઘાણી મો.૯૪૨૮૨ ૦૦૫૨૦

(4:49 pm IST)