Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

નાગરિક બેંકે હાઉસીંગ લોન આપવાની બંધ કરી દીધી?

છેલ્લા દસેક દિવસથી લોન આપવાની કામગીરી બંધ, અનેક અરજીઓ પેન્ડીંગ : આત્મનિર્ભર લોનમાં વધારે રકમની ફાળવણી થઈ ગઈ હોય જેના લીધે હોમ લાઈન બંધ કરી દેવાયાની પણ ભારે ચર્ચા

રાજકોટ, તા. ૮ : અહિંની જૂની અને જાણીતી રાજકોટ નાગરીક બેન્ક દ્વારા હાઉસીંગ સહિતની લોન હાલ પુરતી બંધ કરી દીધી હોવાનું જાણવા મળે છે. છેલ્લા દસેક દિવસથી લોનની તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ હોવાનું જાણવા મળે છે.

નાના માણસો માટે મોટી ગણાતી એવી નાગરીક બેંક દ્વારા તેમના સભાસદો અને ખાતેદારોના હિત માટે હંમેશ ખૂબ જ સારા નિર્ણયો લેવામાં આવતા હોય છે. તેમજ ગ્રાહકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતુ હોય છે.

દરમિયાન હાલમાં બેંક દ્વારા હોમલોન આપવાનું બંધ કરી દીધી હોવાનું જાણવા મળે છે. છેલ્લા એક અઠવાડીયુ કે દસેક દિવસથી આ કામગીરી બંધ છે. હોમલોન માટેની અરજી કરનારાઓની અરજીઓ પેન્ડીંગ હોય બેન્કના ધક્કા ખાઈ રહ્યાનું ચર્ચાય છે.

એવી ચર્ચાએ પણ જોર પકડ્યુ છે કે આત્મનિર્ભર લોન ટાર્ગેટ કરતા વધુ આપી દીધી હોવાથી હાલના સમયમાં હોમલોન બંધ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત બેન્કની વિવિધ શાખાઓમાં અરજદારો આવતા હોય જેના કારણે વિવિધ બ્રાન્ચોમાં બેન્કના અનેક કર્મચારીઓ પણ સંક્રમિત બનતા અનેક પ્રકારની લોન હાલ પુરતી બંધ કરી દેવાનો અંદર ખાને નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાય છે.

ઉલ્લેખનીય છે કે નાગરીક બેન્કની શહેરની તમામ શાખાઓમાં સરકારી નિયમોનું પુરતુ પાલન કરવામાં આવે છે. બેન્કમાં આવતા અરજદારોને સેનેટાઇઝ સહિતના નિયમોનું પાલન કરવા સમજણ આપવામાં આવે છે અને આવા નિયમોનું પાલન ન કરે તો તેને વિનયપૂર્વક પ્રવેશવા દેવાની ના પાડવામાં આવે છે.

નાગરીક બેન્કના સભાસદોને ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાલના મહામારીના સમયમાં લોકો સંક્રમિત ન બને તે માટે સભાસદો ઓનલાઈન વિગતો ભરી દયે એટલે તેઓના ઘરે જ ભેટ પહોંચાડવાની કામગીરી ચાલુ થઈ છે. આ નિર્ણય પણ ખૂબ જ પ્રશંસનીય ગણી શકાય.

આ મહિનાના અંતમાં લોનની કામગીરી ફરી શરૂ થઈ જશે

રીઝર્વ બેન્કના નિયમ મુજબ કોઈપણ એક ફેકટરમાં ધિરાણ આપવાની મર્યાદા હોય હોમ લોન માટે ધિરાણ આપવાની મર્યાદા ૧૫ ટકા સુધીની હોય જે લીમીટ પૂરી થઈ ગઇ છે અને આ મહિનાના અંતમાં લોનની કામગીરી ફરી શરૂ થઈ જશે તેવું બેન્કના નિષ્ણાંતોએ જણાવ્યુ હતું.

(3:40 pm IST)