Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

આજથી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કાઓ વરસશે

રાત્રીના ૧ થી પરોઢ સુધી નિહાળી શકશેઃ વિજ્ઞાન જાથા દ્વારા ઠેર ઠેર અવલોકન - નિદર્શન

રાજકોટઃ તા.૯, આજે શુક્રવારથી ચાર દિવસ સુધી આકાશમાં ડ્રોકોનીકસ ઉલ્કાનો વરસાદ જોવા મળશે. દિવસે નહિ દેખાય, પરંતુ રાત્રીના ૧ થી  પરોઢીયા સુધી રોમાંચક નજારો નરી આખે નિહાળી શકાશે તેમ ભારત જનવિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયું છે.

જાથાની યાદી મુજબ તા.૯ અને ૧૦ બે દિ મધ્યરાત્રીના ઉલ્કા જોવા મળશે. બાદમાં થોડા વિક્ષેપ પછી ૨૨મી ઓકટોબર સુધી નિહાળી શકાશે. 

ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસે સુર્યપ્રકાશ દરમિયાન પકડી ઉલ્કાઓ જોઇ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઇંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધુળને ઓળખવા માટે લોહચંુબકનું પરીક્ષણ જરૂરી છે. ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં ૫૦૦થી વધુ પડી ઉલ્કાનો વરસાદ પડશે. જોનારા  દિગ્મુઢ બની જશે. ઉલ્કા વર્ષાની દિશા નિશ્ચિત નથી. કુદરતી ઘટના હોય, સમય, દિવસનો સામાન્ય ફેરફાર જોવા મળે છે. અવકાશી ઘટનામાં ધીરજનો ગુણ અતિ જરૂરી છે. કયારેક નિરાશા પણ સાંપડે છે. જીદગીમાં એકવાર ઉલ્કા ખતરી જોવી તે લ્હાવો છે. કાયમી સંભારણું બની જાય છે.

કોરોનાના કારણે જાથાએ અમદાવાદ અને રાજકોટ તથા તેની ૧૬ શાખાઓમાં પસંદગીના જિજ્ઞાસુઓ માટે ઉલ્કા જોવા માટે વ્યવસ્થા ગોઠવી છે. નવેમ્બરમાં લીયોનીડસ ઉલ્કા જોવા માટે રાજયભરમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

રાજયમાં ખગોળપ્રેમીઓના સંપર્ક પછી અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, રાજપીપળા, ગોધરા, દાહોદ, પંચમહાલ, જુનાગઢ, ગિર સોમનાથ, ભાવનગર,  બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત તાલુકા મથકોએ ઉલ્કા વર્ષા નિહાળવા સંબંધી આયોજન કરવામાં આવ્યુ છે.

રાજયમાં ઉલ્કા વર્ષા સંબંધી વિશેષ જાણકારી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(11:25 am IST)