Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

તલાટીને સોગંદનામા કરવાનો પાવર આપવા સામે ગુજરાતના નોટરી વકીલોનો વિરોધ

૧૦ વર્ષની વકિલાતના અનુભવ બાદ વકીલોને નોટરીની નિમણુંકો અપાઇ છેઃ સોગંદનામુ એ મેજીસ્ટ્રેરીયલ વર્ક છેઃ ૧૦ પાસ તલાટી સોગંદનામા કરી શકે નહિઃ રાજકોટ કલેકટરને આવેદન પત્ર પાઠવતાં ગુજરાત નોટરી ફેડરેશનના કન્વીનર સંજયભાઇ જોષી

રાજકોટ તા. ૯ :.. તલાટીઓને સોગંદનામુ નોંધવા આપેલ પાવર રદ કરવા ગુજરાત નોટરી ફેડરેશનના કન્વીનર સંજયભાઇ જોષીએ આજે કલેકટરને આવેદન પત્ર પાઠવીને જણાવેલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા તથા રાજય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ જ સારા પ્રમાણમાં નોટરી પબ્લીકની નિમણુંક કરેલ છે, અને નોટરી તરીકે એપોઇન્ટમેન્ટ પામેલ એડવોકેટ ૧૦ થી વધુ વર્ષની વકીલાતનો બહોળો અનુભવ ધરાવતી વ્યકિત હોય છે, અને ગ્રેજયુએશન બાદ કાયદાના સ્નાતક હોય છે, આમ કાયદા દ્વારા સોગંદનામામાં કરવી પડતી સોગંદ લેવરાવી અને કયાં ડોકયુમેન્ટ નોંધવા અને કયાં ન નોંધવા તેનું સારૂ જ્ઞાન ધરાવતા હોય છે.

તેની કમ્પેરેટીવલી જોવા જઇએ તો તલાટી ૧૦ પાસ સુધીના ભણતર ધરાવનાર વ્યકિત પણ પરીક્ષા પાસ કરીને તલાટી થયેલ હોય છે, જે કલાર્ક કક્ષાનું રેવન્યુ કામ કરી શકવા સક્ષમ છે, પરંતુ સોગંદનામુ કરી આપવા યોગ્ય લાયકાત ધરાવતા ન કહી શકાય.

સોગંદનામુ એ મેજીસ્ટ્રેરીયલ વર્ક કહેવાય, અને આવુ કામ કાયદાના જાણકાર અને અનુભવી વ્યકિત જ કરે તે કાયદા મુજબ પણ યોગ્ય છે, આવી સતા તલાટીને આપવી એ કાયદાના સ્નાતકો કે જેઓની આજીવીકાનું સાધન જ આ કામગીરી છે, તેની આજીવીકા ઉપર તરાપ સમાન છે.

આજકાલ કોરોનાના કારણે આમ પણ છેલ્લા છ માસથી વધુ સમયથી કોર્ટ બંધ છે, અને વકીલો તથા નોટરી શ્રીઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, તેવા સમયમાં આવુ નોટીફીકેશનએ પડયા ઉપર પાટુ મારવા  જેવો ઘાટ સમાન છે.

મહેસુલ વિભાગમાં રેવન્યુ તંત્ર સરકારને ખુબ કમાણી કરી આપતુ ખાતુ છે તેની સામે સરકાર તથા પબ્લીક પણ જાણે છે કે આ ખાતામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થઇ રહેલ છે અને આવી કામગીરી કાયદાના જાણકાર ન હોય તેવી વ્યકિતને સોંપવાથી સરકારની સ્ટેમ્પ આવક ઘટશે ઉપરાંત કૌભાંડો પણ વધશે.

વધુમાં નોટરી ફેડરેશનના કન્વીનર સંજય જોષીએ જણાવેલ છે કે એક નોટરી જયારે કોઇ સોગંદનામુ કરે છે ત્યારે તેની નોટરી એકટના કાયદાની તેમજ સમયાંતરે આવતા સુધારાને ધ્યાને લઇ તેની સુચના મુજબ કામગીરી કરવાની હોય છે જેમાં નોટરી રજીસ્ટર મેન્ટેન કરવુ, તેમાં સોગંદનામુ કરનારની સહી-અંગુઠાની છાપ લેવામાં આવે છે. સોગંદનામામાં ફોટો ઓળખનો આધાર રૂપે આધાર કાર્ડ જોઇન્ટ કરી તેમાં પણ સહી લેવામાં આવે છે અને સ્ટેમ્પ લગાવે છે. સોગંદનામામાં ફોટો લગાવી તેની ઉપર નોટરી સિક્કો લગાવે છે. સોગંદનામામાં જે તે વ્યકિતની ઓળખ આપનાર એડવોકેટ હોય છે. જે ઓળખ બદલ સહી કરે છે. નોટરી દ્વારા સોગંદ લેવરાવી અને સોગંદનામુ કરવામાં આવે છે. નોટરી પાસે રેકર્ડ ઉપલબ્ધ રહે છે.

ઉપરોકત બધી જ બાબતો વિશે જોવામાં આવે તો આ કામ નોટરીને કરવાનું જ કામ છે તે કામની સતા તલાટીને આપવી યોગ્ય નથી તેનાથી લોકોનું હીત થવા કરતા અહીત થાય તેવી પણ શકયતા વધુ રહેલી છે.

નોટરી પહેલા એક વકીલ હોય છે અને વકીલાતનો બહોળો અનુભવ બાદ કાયદાના તજજ્ઞોના ઇન્ટરવ્યુ બાદ નોટરી તરીકે નીમણુંક પામેલ હોય છે અને નોટરી વર્ક કરતા હોય છે અને નોટરીની સંખ્યા પણ ગુજરાતમાં ખુબ જ વધુ છે. જો સરકાર દરેક ગ્રામ પંચાયતમાં એક નોટરી બેસાડવાની નિમણુંક કરવાનું કહે તો પણ પુરતી ભરતી થઇ શકે તેમ છે અને તેમાં પણ નોટરીશ્રી કોઇ પણ જાતનો સરકારનો પગાર લીધા વિના પોતાની આજીવીકા ચલાવી શકશે અને તેમાં અરજદારોને પણ હેરાન થયા વિના તેનું કામ તાત્કાલીક થઇ શકશે અને સરકારની રેવન્યુ ઇન્કમ પણ જળવાય રહેશે. હાલ વકીલના વ્યવસાયના કપરા સમયમાં આવા તુઘલખી નિર્ણય તાત્કાલીક રદ કરશો અન્યથા આ બાબતે સમગ્ર વકીલ આલમ ખુબ જ નારાજ હોય આવનારા સમયમાં જો આ નિર્ણય રદ નહી થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવશે તેમ ગુજરાત નોટરી ફેડરેશનના  કન્વીનરશ્રી સંજયભાઇ જોષીએ જણાવેલ છે.  

(2:54 pm IST)