Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અનલોક-૫માં સ્પા બંધ રાખવાના છે છતાં ખોલીને બેઠેલા ૪ પકડાયા

ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફરલો સ્કવોડની ટીમોએ ૨૮ સ્પામાં દરોડા પાડ્યા

રાજકોટ તા. ૯: કોરોના મહામારીને કારણે અનલોક-૫માં પણ સ્પા બંધ રાખવાની સરકારની માર્ગદર્શિકા છે. આમ છતાં શહેરમાં કેટલાક સ્પાને સંચાલકો ગેરકાયદેસર રીતે ખોલીને બેસતાં હોવાની માહિતીને આધારે પોલીસે દરોડો પાડતાં ચાર સ્પા ખુલ્લા રાખવામાં આવ્યા હોઇ ગુના દાખલ કરી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે ૧૫૦ રીંગ રોડ રિલાયન્સ મોલના ત્રીજા માળે તપસ સ્પા ચલાવતાં ધર્મેન્દ્ર અરવિંદભાઇ સાદીયા (ઉ.૨૭-રહે. જલજીત સોસાયટી-૧૦), અમીન માર્ગ પર અક્ષર ચોક એનસીસી બિલ્ડીંગમાં ન્યુ પેરેડાઇઝ સ્પા ચલાવતાં વત્સલ ઉર્ફ રૂદ્ર પરષોત્તમભાઇ મુંગલપરા (ઉ.૨૫-રહે. શિવાલય એપાર્ટમેન્ટ ફલેટ-૧, મવડી ચોકડી),  અક્ષર માર્ગ પર અનમોલ આર્કેડ બિલ્ડીંગમાં તાજ રેસ્ટોરન્ટ ઉપર બુધ્ધા સ્પા ચલાવતાં કબીર અરૂણભાઇ લાલચંદાણી (ઉ.૨૧-રહે. નાગેશ્વર સોસાયટી ઇશ્વરમ એપાર્ટમેન્ટ સી-૭) તથા માલિક કમલેશભાઇ (હાજર નહોતાં) તેની સામે તેમજ મવડી ચોકડીએ આવેલા નિલા સ્પાના સંચાલક સંદિપ ધીરજભાઇ હીરપરા (ઉ.૨૯-રહે. સત્યસાઇ હોસ્પિટલ રોડ, મારૂતિ શેરી ૧) સામે આઇપીસી ૨૬૯, ૧૩૫ મુજબ કોરોના સંદર્ભના જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદે સ્પામાં ચેકીંગ કરવાની સુચના આપતાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમોએ ૨૮ સ્પા ચેક કર્યા હતાં. જેમાંથી ચાર સ્પા ખુલ્લા મળતાં કાર્યવાહી કરાઇ હતી.

(12:47 pm IST)