Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

હમારી જેલ મેં ફીર સે મોબાઇલ...નવી જેલ યાર્ડ-૧માં પાણીની પાઇપમાંથી મળ્યો ફોન

એક ચાર્જર પણ મળ્યું: જેલર ડી. પી. રબારીએ નોંધાવી પ્ર.નગરમાં ફરિયાદ

રાજકોટ તા. ૯: રાજકોટ જેલમાંથી મોબાઇલ ફોન મળવા એ હવે નવી વાત નથી. વધુ એક વખત મોબાઇલ ફોન અને ચાર્જર મળતાં રાબેતા મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે. અગાઉ પોલીસ કમિશનરશ્રીએ સીટની રચના કરતાં મોબાઇલ ફોન મામલે કેદીઓ અને સિપાહીઓ સામે કાર્યવાહી થઇ હતી. ત્યાં ફરીથી ફોન મળવા માંડ્યા છે.

જેલર ગ્રુપ-૨ ડી. પી. રબારીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સામે પ્રિઝન એકટની કલમ ૪૨, ૪૩, ૪૫ની પેટા કલમ ૧૨ મુજબ ફરિયાદ નોંધાવી છે. શ્રી રબારીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે ૮મીએ સ્થાનિક જડતી સ્કવોડના જેલર કે. એ. વાઢેરની રાહબરીમાં કર્મચારીઓને સાથે રાખી નવી જેલ-૦૨ યાર્ડ નં. ૧ની અંદર ઓચિંતા જડતી શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન ડાબી બાજુએ આવેલી પાણીની પાઇપની અંદર છુપાવેલો સેમસગ કંપનીનો બ્લુ રંગનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન તથા એનએસી કંપનીનું એક ચાર્જ સિપાહી વહેસિંહ ઠાકોરને મળી આવ્યા હતાં.

મોબાઇલ ચાલુ હાલતમાં હોઇ જેલમાં કોણે કોણે ઉપયોગ કર્યો? કયાંથી આવ્યો? કોઇ ગુનાહિત પ્રવૃતિમાં વપરાયો કે કેમ?  કોઇ કેદી કે જેલ કર્મચારીઓ સંડોવાયા છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ કરાવવાની હોઇ જેથી ફરિયાદ નોંધાવાઇ છે. પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગર વધુ તપાસ કરે છે.

(12:49 pm IST)