Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રાજુભાઇ ધ્રુવના માતુશ્રી નિર્મલાબેનનું દુઃખદ અવસાન : કાલે શનિવારે ટેલિફોનિક બેસણુ

સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ : ધ્રુવ પરિવારે માતૃ વાત્સલ્યનું છત્ર ગુમાવ્યુ : પરિચિતો પણ શોકમય

રાજકોટ : વિખ્યાત ચિંતક ખલિલ જિબ્રાને કહ્યું હતું, મારી મા એક પણ કવિતા લખ્યા વગર સેંકડો કવિતા જીવી ગઇ. માતાઓ આવું જ જીવતી હોય છે. માતા એટલે વાત્સલ્યનું સતત વહેતું ઝરણું. મા એટલે પ્રેમનો અખૂટ ભંડાર. કોઈપણ કક્ષાએ વ્યકિત પહોંચે તો પણ એના માટે માનો ખોળો સ્વર્ગ હોય. માની આંખથી નિતરતું હેત-અમી એ દરેક માણસનો સર્વોત્તમ અને અગત્યનો સધિયારો હોય છે. ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રવકતા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઊપાધ્યક્ષ અને સર્વમિત્ર એવા રાજુભાઇ ધ્રુવના માતુશ્રી પણ આવા જ મમતાની જીવંત મૂર્તિ હતા. ગુરૂવાર, તા. ૮મી ઓકટોબરે એમણે આ દુનિયામાંથી વિદાય લીધી. રાજુભાઇ, એમના ભાઇઓ-બહેનો જ નહીં પરંતુ એમના પરિચિતોએ પણ સ્વજન-વડીલ ગુમાવ્યાની લાગણી અનુભવી હતી. આવતીકાલે શનીવારે સદગતનું ટેલિફોનિક બેસણું રખાયું છે.

રાજુભાઇ જાહેર જીવનમાં સતત વ્યસ્ત હોય, ચૂંટણી હોય કે કોઇ સામાજિક રાજકીય પ્રચાર-પ્રસારની કામગીરીમાં લાગેલ હોય મા પોતાની તબિયતના સમાચાર ના કારણે તેની કામગીરી માં અવરોધ ના આવે તે માટે સતત ચિંતિત રહી પોતાના સ્વાસ્થ્ય માંદગીની વાત છુપાવતા. મોટા ભાગે સાંજે ઘરે પરત આવી જાય. રાજુભાઇના ભાઇઓ, પરિવારજન સૌએ માતાની સેવા કરી. માતુશ્રીની બીમારી માં હસતે મોઢે તમામ પ્રકારની સારવાર, સેવા માટે કુટુંબીઓ તત્પર રહ્યા. માતા નિર્મળાબહેનનો પણ રાજુભાઇ માટેનો પ્રેમ એવો જ અનન્ય હતો. સતત એમની ચિંતા એમને રહેતી.

રાજુભાઇને પોતા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા સમયસર જમી લેવા, વધુ પડતી દોડાદોડી ન કરવા એ કયારેક સલાહ પણ આપતા પરંતુ એમના કામ કે કારકિર્દીમાં કયારેય અવરોધક ન બન્યા. બીમાર હોય તો પણ કહે, તું તારે જા મને કાંઇ નથી.

રાજુભાઇ ધ્રુવ, એમના ભાઇઓ મહેન્દ્રભાઇ, વસંતભાઇ, ભરતભાઇ અને સમગ્ર પરિવારને નિર્મળાબહેને એક તાંતણે બાંધ્યો હતો. સૌ ભાઇઓ-બહેનો વચ્ચેનો પ્રેમ આજે પણ એવો જ છે એનું કારણ એમના સંસ્કાર છે. રાજુભાઇએ પણ સમર્પિત રહીને પોતાના ક્ષેત્રમાં કામ કર્યું છે તેમાં પણ માતા સ્વ. નિર્મળાબહેને સીંચેલા સંસ્કાર,સિદ્ઘાંતો અને મૂલ્યોનું જ યોગદાન છે. માતા-પિતાના સાલસ,વિનમ્ર સ્વભાવના ગુણ રાજુભાઇમાં પણ સાંગોપાંગ ઉતર્યા છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એ વાત રાજુભાઇ અને અને પરિવાર માટે આજે જીવંત થઇ છે.

એક વાતનો ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જેમ માતુશ્રીની સેવા કરી એમ રાજુભાઇએ પોતાના દિવંગત પિતાશ્રી સ્વ.મનહરભાઇ ધ્રુવની સ્મૃતિમાં માતાની પ્રેરણાથી એક શિવમંદિર પણ બનાવ્યું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા માતુશ્રી નિર્મલાબહેન દ્વારા કરવામાં આવી છે. અને ત્યાં ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ પણ થાય છે.

રાજુભાઇના માતુશ્રીના અવસાનના સમાચાર ગઇકાલે વહેતા થતાં જ સંખ્યાબંધ સ્નેહીઓના ફોન વિવિધ શહેરો,ગામોમાંથી શરૂ થયા હતા. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું-ઉઠમણું રાખ્યું નથી. સદગતશ્રી નિર્મલાબેન મનહરભાઈ ધ્રુવ (ઉં.વ.૮૮) તે સ્વ. મનહરલાલ રાયચંદ ધ્રુવના ધર્મપત્ની મહેન્દ્રભાઈ, નરેશભાઈ વસંતભાઈ, રાજુભાઇ, તથા ભરતભાઇ, વીણાબેન અને મંજુલાબેનના માતુશ્રીનું ટેલિફોનિક બેસણું તા. ૧૦ ઓકટોબર, શનીવાર સાંજે ૪ થી ૬ દરમિયાન રાખ્યું છે. રાજુભાઇ ધ્રુવ ૬૩૫૪૨૧૩૪૨૯,૯૪૨૬૭ ૧૯૫૫૫, મહેન્દ્રભાઇ, ૯૯૭૪૦ ૯૩૪૪૦, વસંતભાઇ ૯૪૨૯૮ ૫૬૫૮૨, ભરતભાઇ ૯૫૧૨૭૦૨૫૩૭.

(12:50 pm IST)