Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોરોનાના દર્દીઓની સારવારમાં જુનિયર ડોકટર જેટલો અનુભવ મેળતાં તબિબી છાત્રો

ઇમર્જન્સીમાં સિઝેરીયન બાદ બાળકના જન્મના સાક્ષી બનવાનો લાભ મળ્યોઃ સ્ટુડન્ટ આસ્થા ગોહિલ

કોવીડ હોસ્પિટલમાં દાખલ કોરોના પ્રેગ્નન્ટ મહિલાની ઇમર્જન્સીમાં સીઝેરિયન દ્વારા પ્રસુતિ કરવાની જરૂર પડતાં જ તજજ્ઞ ડોકટર્સની ટીમે ઓપેરશન થીએટરમાં તાત્કાલિક વ્યવસ્થા કરવી પડી. તેના માટે જરૂરી સાધનો, દવાઓની એરેન્જમેન્ટમાં મને સહભાગી બનવાનો મોકો મળ્યો ને સીઝેરિયન ઓપરેશન બાદ નવજાત બાળકના જન્મના સાક્ષી બનવાનો મને પ્રથમ અનુભવ થયાનું ત્રીજા વર્ષમાં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીની આસ્થા ગોહિલનું કહેવું છે.

રાજય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે તબીબી વિદ્યાર્થીઓની મદદ લેવાનુ નક્કી થતાં પી.ડી.યુ મેડિકલ કોલેજમા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી આસ્થાએ આ તક ઝડપી લીધી. જેનાથી તેને જુનિયર ડોકટરને જરૂરી એવો અનુભવ મળ્યો માત્ર ૨૦ દિવસની ફરજ દરમ્યાન.  આસ્થા કહે છે કે મેં બે થી ત્રણ વાર ઓપરેશન થિએટરમાં સર્જરી જોઈ જે કદાચ મને ઇન્ટર્નશિપ દરમ્યાન પણ ન જોવા મળત.

માત્ર એટલું જ નહીં, દર્દીઓની તમામ હિસ્ટ્રી હું મેન્ટેઇન કરતી હોઈ શિફટ બદલતા આવનારા ડોકટર્સ પણ મને દર્દીઓનો પ્રોગેસ રીપોર્ટ પૂછતાં. મારા વોર્ડના તમામ દર્દીઓના નામ સહિત હું તેમના સારવારની સાક્ષી બની. સીનિયર ડોકટર્સની ટીમ સાથે આઇસોલેશન વોર્ડમાં પણ કામ કરવાનો લાભ મળ્યો. બાયપેપ પર રાખેલા દર્દીઓના પલ્સ માપવા, વેન્ટિલેટર, ઇન્કયુબેટર સેટ કરવાની પ્રેકિટસ કરવા મળી.

સર્જરી, મેડિસિન અને એનેસ્થેશીયાના સીનિયર ડોકટર્સ દ્વારા આપવામાં આવતું માર્ગદર્શન જુનિયર ડોકટરના અનુભવ સમાન હોવાનું વિદ્યાર્થીની આસ્થા જણાવે છે. ડાયાલીસિસ કોરોના વોર્ડમાં પણ કામ કરવા મળ્યુ. ત્રણ દિવસ કંટ્રોલ રૂમમાં ફરજ સોંપાઈ. દર્દીઓના વાલી, ડોકટર્સ ફલોર મેનેજર સાથે સંકલનની કામગીરી કરવાનો વધારાનો અનુભવ થયો. ભવિષ્યમાં સર્જરીમાં આગળ વધવાનું સ્વપ્ન સેવતી આસ્થાને આ તમામ અનુભવ ડોકટર બન્યા પહેલાનું એક ટ્રેઇલર હોય તેવું લાગે છે.

(1:11 pm IST)