Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

૬૫ વર્ષના કાનજીભાઇ વઘાસીયા અને તેના પત્નિ હોમઆઇસોલેશનમાં થયા કોરોના મુકત

અર્બન હેલ્થ સેન્ટરની કામગીરી વખાણતાં કહ્યું-ડોકટરની સેવા, લાગણીથી હૃદય ભીંજાયું, સતત તેમનો ઋણી રહીશ

રાજકોટ તા. ૯ : 'ડોકટર સાહેબ, દર્દી પ્રત્યેની આપની સેવા, લાગણી, હૃદયને ભીંજવી ગઈ. મને અને મારી પત્નીને કોરોનામુકત કરવા આપના દ્વારા જે સઘન પ્રયત્નો થયા તે બદલ હું તમારો હંમેશને માટે  ઋણી રહીશ' આ શબ્દો છે હોમ આઇસોલેશનમાં રહીને ૬૫ વર્ષની જૈફ વયે કોરોનાને મ્હાત આપનાર કાનજીભાઈ વઘાસિયાના..., જેમણે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જંકશન પ્લોટ અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત ડોકટરનો અંતરથી આભાર માની આશીર્વાદ આપતી વેળાએ તેમનો પ્રતિભાવ વ્યકત કર્યો હતો.

હૃદયરોગની બીમારી ધરાવતા કાનજીભાઈને તાવ આવતા શરીરમાં કળતર થવા માંડી એટલે તેમના ધર્મપત્ની અનિલાબેન સાથે તેઓ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જંકશન પ્લોટ અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા ગયા જયાં બન્નેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ કોરોનાના સામાન્ય લક્ષણો જણાતાં ફરજ પર હાજર ડોકટર દ્વારા તેમને હોમ આઇસોલેશનમાં રહેવાનું સૂચન કરવામાં આવ્યું.

હોમ આઇસોલેશનમાં તેમને મળેલી સારવાર વિષે વાત કરતાં કાનજીભાઈ જણાવે છે કે, 'હાલ કોરોના મહામારીએ દરેક વ્યકિતના ચહેરા પર ચિંતાની લકીર સર્જી દીધી છે. પણ કોરોના થઈ ગયો એટલે જિંદગી હારી ગયા એવું નથી, એક તો હું હૃદયરોગનો દર્દી, એમાંય મને અને મારી પત્નીને કોરોના થતાં હું ખૂબ ડરી ગયો હતો પણ આરોગ્ય કેન્દ્રના ડોકટરોએ મારું મનોબળ મજબૂત કર્યું અને અમે બન્ને હોમ આઇસોલેટ થયા, આઇસોલેશનના આ ૧૪ દિવસ દરમિયાન અમને જે સેવા- સારવાર મળી છે તે કાબિલે- દાદ છે. દરરોજ દિવસમાં બે વાર અનુક્રમે સંજીવની રથ અને ધન્વંતરી રથના ડોકટર અમારા ઘરે આવી, અમને જરૂરી દવા અને આયુર્વેદિક ઉકાળા આપતા. દરેક વખતે અમને આત્મીયતાપૂર્વક પૂછે કે, 'દાદા તમને સારું છે ને ? સમયસર દવા લો છો ને તમે ?' આટલું જ નહીં રોજ ફોનથી પણ એક વાર અમારા ખબર અંતર પૂછવા આવતા. ખાનગી હોસ્પિટલ કરતા પણ વધુ સચોટ અને અલ્ટ્રામોર્ડન સારવાર અમને તદ્દન નિઃશુલ્ક અને ઘરઆંગણે આવીને આપવામાં આવી છે. એ માટે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વહીવટી તંત્રનો આભાર માનીએ છીએ.'

અત્રે ઉલ્લેખનીય છે કે જંકશન પ્લોટ,અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર ડો.જય કાલરીયા, આર.બી એસ.કે તબીબ ડો. વીરેન્દ્રસિંહ જાડેજા અને ડો. સિધ્ધિબેન વિઠલાણી સહિત, કોવિડ મેડિકલ ઓફિસર, એમ.પી.એચ.ડબ્લ્યુ, નર્સિંગ સ્ટાફ, આશાવર્કર બહેનો, લેબ ટેકિનશિયન સહિત ૩૫ થી વધુ આરોગ્ય કર્મીઓ હાલ યુદ્ઘના ધોરણે લોકોને કોરોનામુકત કરવા માટે કાર્યરત છે. અને તેમના દ્વારા જે દર્દીઓ હોમ આઇસોલેટ થાય છે તેમનું નિયમિત નિદાન અને સારવાર કરવામાં આવે છે.

(1:15 pm IST)