Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વાહ...દેવાંગની દિલેરીઃ કોરોનાના દર્દીઓ માટે સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યુ

એક પ્લાઝમા ડોનર બે વ્યકિતની જિંદગી બચાવી શકેઃ રાજકોટમાં ૧૬૮ લોકોએ પ્લાઝમાનું દાન કર્યુ : ખુદ ડો. ચિંતન વ્યાસે પણ કર્યુ પ્લાઝમા ડોનેટઃ કહે છે-આનાથી કોઇ તકલીફ પડતી નથી

કોરોનાની આ વેશ્વિક મહામારીમાં જેને એક વખત કોરોના પોઝિટિવ આવી ગયો છે અને સાજા થઈ ગયા છે. તેને માનવસેવાની અમૂલ્ય તક પ્લાઝમા ડોનેશન થકી મળે છે. પ્લાઝમા ડોનેશન થકી કોરોના સંક્રમિત ગંભીર દર્દીનું જીવન બચાવવાની અમૂલ્ય કામગીરી રાજકોટ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં અવિરત ચાલુ છે.

રાજકોટ પી.ડી.યુ. પેથોલોજી વિભાગ બ્લડ બેંકના પેથોલોજીસ્ટ ડો. હિરલ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્લાઝમા એ લોહીનુ એવું તત્વ છે કે જેમાં કોરોના થયા પછી ઉત્પન્ન થયેલ રોગપ્રતિકારક શકિતના એન્ટિબોડીઝ હોય છે. કોરોના થાય એટલે એન્ટિબોડીઝ બને છે અને આ એન્ટિબોડીઝ બીજી વખત કોરોના વાયરસને ઓળખી તેનો પ્રતિકાર વધુ સક્ષમતાપૂર્વક કરે છે. તે બીજા દર્દીમાં મેડિસિન પ્રોટોકોલ મુજબ ટ્રાન્સફર કરીને દર્દીની રોગપ્રતિકારક શકિત વધારવા માટેનું અગત્યમું માધ્યમ પુરવાર થાય છે. આમ, પ્લાઝમા ડોનેટ કરવાથી બીજાની જિંદગી બચે છે. તેમજ દાન કરનાર વ્યકિતનું પ્લાઝમા પૂર્ણ તબીબી તપાસ કરીને લેવામાં આવતું હોવાથી પ્લાઝમા ડોનરને કોઈ મુશ્કેલી પડતી નથી. આથી પ્લાઝમા ડોનેશન અંગે ભય રાખવાની પણ જરૂર નથી. નબળાઈ પણ આવતી નથી. રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૬૮ લોકોએ પ્લાઝમા ડોનેટ કરેલ છે. જે ૧૬૧ દર્દીઓને ચઢાવવામાં આવેલ છે. જેનાથી પ્લાઝમા ડોનેશનના ત્વરિત ફાયદા જોવા મળ્યા છે.

રાજકોટમાં કોરોના કેસો વધતાં પ્લાઝમા ડોનેશનની ઝૂંબેશ સતત પ્રગતિ હેઠળ છે .રાજકોટના મેડીકલ લાઈન સાથે સંકળાયેલા યુવાન દેવાંગ પરમારે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કરેલ છે. તેમણે પ્રતિભાવ આપતાં કહ્યું કે, રાજકોટને કોરોનાથી મુકત કરવું છે. ફરી રાજકોટ હતું તેવું સ્વસ્થ થઈ જાય તે માટે જે પ્લાઝમા આપી શકે તે તમામ કોરોનામુકત થયેલાઓએ સલાહ મુજબ પ્લાઝમા ડોનેટ અવશ્ય કરવું જોઈએ.

રાજકોટના ડો. ચિંતન વ્યાસે પણ કહ્યું હતું કે પ્લાઝમા ડોનેટ કરવું એ એક મોટી સેવા છે જેનાથી બીજાની જિંદગી બચાવી શકાય છે.

રાજકોટના ડો. હિરલ ચૌહાણે કહ્યું કે, પી.ડી.યુ.માં ૨૪ કલાક પ્લાઝમાની કામગીરી ચાલુ છે. આ એક મહામૂલી સેવા હોય છે. લોકોએ ખોટી ગેરસમજ દૂર કરી પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવવું જોઈએ.

(1:17 pm IST)