Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

તું ગમાર, મંદબુધ્ધીની અને અસંસ્કારી છો, લગ્ન વખતે ભેટ સોગાદો ઓછી લાવી છો... કહી યુનિવર્સિટીના લેકચરરને ત્રાસ

મોસમીબેન સોનીની ગાંધીનગર રહેતાં પતિ સાગર સોની, સસરા બિપીનભાઇ, સાસુ ચેતનાબેન, નણંદ કવિતાબેન, દિયર આદિત્ય વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : સાસુ ધ્યાન શિબીરમાં બળજબરીથી બેસાડી સેવા કરવાની ફરજ પાડતાં હોવાનો આક્ષેપ

રાજકોટ,તા. ૯: એરપોર્ટ રોડ પર દિવ્ય સિધ્ધી સોસાયટીમાં માવતરના ઘરે રહેતા યુનિવર્સિટીના લેકચરરને 'તુ ગમાર, મંદ બુધ્ધીની અને અસંસ્કારી છો, લગ્ન વખતે ભેટ સોગાદો ઓછી લાવી છો.' કહી ગાંધીનગરમાં પતિ, સાસુ, સસરા, નણંદ અને દિયર શારીરીક, માનસીક ત્રાસ આપતા હોવાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ ઇન્કમટેક્ષ સોસાયટી પાસે દિવ્ય સિધ્ધી પાર્કમાં માવતરના ઘરે રહેતા મોસમીબેન સાગરભાઇ સોનીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગાંધીનગર, કુડાસણ સનસાઇન હાઇટ્સ-૧, સી-૨૦૨માં રહેતા પતિ સાગર બીપીનભાઇ સોની, સાસુ ચેતનાબેન સોની સસરા બીપીનભાઇ જુગલદાસભાઇ સોની, નણંદ કવીતા બીપીનભાઇ સોની તથા દીપર આદીત્ય સોનીના નામ આપ્યા છે. મોસમીબેન સોનીએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે યુનિવર્સિટીમાં લેકચરર તરીકે નોકરી કરે છે. પોતાના ચાર વર્ષ પહેલા ગાંધીનગર ખાતે રહેતા સાગર બીપીનભાઇ સોની સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે સાસરીયામાં સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદથી સાસુ, સસરા અને પતિ ઝઘડો કરતા હતા. તેમજ 'લગ્નમાં આવેલ ભેટ સોગાદો આટલી ઓછી કેમ છે.' તેમ કહી ઝઘડો કરતા હતા. અને સાસુ સમર્પણ ધ્યાન કેન્દ્ર ધર્મમાં માનતા હોય, જે બાબતે પોતાને પણ આ ધર્મ માનવા માટે કહેતા હતા અને સાસુ નાની નાની બાબતોમાં તથા ઘરકામ બાબતે મેણા ટોણા મારતા હતા. તેમજ 'તને રસોઇ બનાવતા આવડતી નથી તુ ગમાર, મંદબુધ્ધીની, અસંસ્કારી છો તેમ કહેતા હતા. અને ઘરમાં કામવાળીની જેમ કામ કરાવતા હતા. અને ઘરમાં દરરોજ સાંજે શિબિર રાખતા તેમાં બળજબરીથી બેસાડી સેવા કરવાની ફરજ પાડતા હતા. જમવાનું ઝડપથી ન બને તો મેણા ટોણા મારતા હતા. પોતે આ બાબતે પતિને વાત કરે તોતે કહેતા કે મારા માતા-પિતા જેમ કહે તેમ તારે કરવું પડશે. અને નણંદ પણ અવાર -નવાર ઘરે આવતા ત્યારે ઝઘડો કરતા અને પોતાની વસ્તુની માંગણી કરતા  હતા અને નણંદના છોકરાને પણ સાચવવાનું કહેતા હતા. દિયર બેંગ્લોર રહેતા હોય, અને દર પંદર દિવસે આવે ત્યારે નજીવી બાબતે ઝઘડો કરતા હતા. આ બધા વિશે પોતે પતિને કહેતા તો તે સાંભળતા નહી અને કહેતા કે તારાથી સહન ન થાય તો તારા પિયર જતી રહે તેમ વારંવાર કહેતા તેમ જ પતિ પિયર પક્ષેથી વધુ દહેજ લાવવા માટે દબાણ કરતા  અને ૨૦૧૮માં પતિ, સાસુ અને સસરાએ પોતાની સાથે નજીવી બાબતે ઝઘડો કરતા પોતાને સહન થતુ ન હોઇ તેથી પોતે રાજકોટ માવતરના ઘરે આવી ગયા હતા. બાદ આ બાબતે પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ એ.કે. સાંગાણીએ તપાસ હાથ ધરી છે.

(2:56 pm IST)