Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

લાખોની વીજ ચોરીના કેસમાં ઓમકાર પ્લાસ્ટીકના માલીકની આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૯ :.. સતર લાખ ચોવીસ હજાર ચારસો પાસઠ રૂપિયાની મોટી રકમની વીજ ચોરીના કેસમાં ઓકાર પ્લાસ્ટીક નામની ફેકટરીના માલીકની આગોતરા જામીનની અરજી અદાલતે રદ કરી હતી.

આ કેસની હકિકત એવી છે ખંભાળા ગામમાં સુરેશભાઇ જીવરાજભાઇ ચાંદનીયા ને ત્યાં પીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા વિજ ચેકીંગ કરતા ખંભાળા મુકામે ઓમકાર પ્લાસ્ટીક નામની ફેકટરી ધરાવતા સુરેશભાઇ જીવરાજભાઇ ચાંદનીયા પીજીવીસીએલ. કંપનીનું કનેકશન ધરાવતા હોવા છતાં ટ્રાન્સફોરમરમાંથી સર્વિસ વાયર ખેંચી એવી વ્યવસ્થા ગોઠવેલી કે વિજ વપરાશ થતો હોવા છતાં મીટરમાં વીજ વપરાશ નોંધણી થતી ન હતી અને મીટર બાયપાસ કરી ડાયરેક પાવર ચોરી કરી વીજ ચોરી કરતા રંગે હાથ ઝડપાયેલા. જેથી જીઇબી પોલીસ સ્ટેશને આરોપી સામે વીજ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ હતી.

આરોપીની આગોતરા જામીન અરજીની સુનાવણી થતા પીજીવીસીએલ દ્વારા વિગતવાર નાયબ ઇજનેરનું સોગંદનામુ કરેલ, અને જણાવેલ કે સ્થળ ઉપર જે ચેકીંગ કરેલ છે. તેની ફોટોગ્રાફી તથા વીડીયોગ્રાફી કરેલ છે. તેમજ સરકાર તરફે પોલીસ અધિકારીશ્રીનું સોંગદનામુ કરેલ છે.આરોપીએ રાજકોટની સ્પે. અદાલતમાં આગોતરા જામીનની અરજી કરેલ સદરહુ અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ અને સ્પે. કોર્ટના જજ શ્રી હિરપરાની અદાલતમાં થતા, પીજીવીસીએલ. તરફે એડવોકેટ શ્રી જીતેન્દ્ર મગદાણી તથા સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી સ્મીતાબેન એન. અત્રીની દલીલને ધ્યાને લીધેલ તેમજ અદાલતે ગુનાની હકિકત ને ધ્યાને લઇ તેમજ, સર્વોચ્ચ અદાલતે પ્રતીપાદીત કરેલ સિધ્ધાંતને ધ્યાને લઇ ન્યાયમૂર્તિ શ્રી હીરપરાએ આરોપીની આગોતરા જામીનની અરજી ના મંજૂર કરેલ હતી.

આ કામમાં મુળ ફરીયાદીની પીજીવીસીએલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી  શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ સ્મીતાબેન એન. અત્રી રોકાયેલ હતાં.

(2:59 pm IST)