Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

હનીટ્રેપમાં આશિષ 'શિકાર' ફસાવી લે ત્યારે જીઆરડી રિતેશ ફેફર પીએસઆઇ બનતો અને શુભમ રાઇટર...પછી થતો તોડ

ટૂંકા માર્ગે વધુ નાણા રળવા ખુદ ગ્રામરક્ષક દળના જવાનો ગુનાખોરીના રસ્તે ચડ્યા : યુનિવર્સિટી પોલીસે આશિષ મારડીયા, તેની પત્નિ અલ્પાને દબોચ્યા બાદ બે જીઆરડી જવાનની પણ ધરપકડઃ રિમાન્ડની તજવીજઃ પંદરેક જેટલા લોકો 'મધલાળ'માં લલચાયાની શકયતાઃ ટોળકીના રિમાન્ડની તજવીજ : સ્પા ચલાવતો આશિષ ગ્રાહકોને છોકરીઓના ફોટા મોકલી 'મોજમજા' માટે લલચાવતો

માહિતી આપી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા સાથે એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા તથા ટીમ અને પકડાયેલો આશિષ મારડીયા (અદબ વાળીનેઉભેલો) તથા બાજુમાં તેની પત્નિ અને અન્ય ત્રણ આરોપી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૯: મોરબીના વેપારીને ચાર વર્ષ જુની મહિલા મિત્ર અલ્પા આશિષ મારડીયાએ પોતાનો પતિ કાલે ઘરે નહિ હોય, તું આવી જજે...કહી પોતાના ઘરમાં મળવા બોલાવ્યા બાદ હનીટ્રેપ વેપારીને ફસાવી રૂ. પાંચ લાખ માંગ્યા હતાં. બાદમાં બે લાખ માંગી રૂ. ૨૨૫૦૦ પડાવી લીધા હતાં. આ મામલે નોંધાયેલા ગુનામાં પોલીસે મહિલા, તેના પતિ તથા તાલુકા પોલીસ મથકના બે જીઆરડી (ગ્રામ રક્ષક દળ)ના જવાન સહિત પાંચને પકડી લેવાયા છે. આ ટોળકીનો સુત્રધાર મહિલાનો પતિ આશિષ સ્પા ચલાવે છે. સ્પામાં જે યુવાન-પુરૂષ આવે તેના નંબરમાં કસ્ટમર્સને અલગ-અલગ યુવતિના ફોટા મોકલી તેને બોલાવી ટ્રેપમાં ફસાવી જીઆરડીના જવાનો સાથે મળી તોડ કરતો હોવાનું સામે આવ્યું છે. આશિષ જ્યારે 'શિકાર'ને ફસાવી લેતો ત્યારે જીઆરડી જવાન રિતેશ ફેફર પીએસઆઇ બનતો અને સાથેનો બીજો જવાન શુભમ રાઇટર બની આવતો અને 'છેડતી કરી છે, કેસ થશે...ફસાઇ જશો' કહી ડરાવી ધમકાવી તોડ કરતાં હતાં.

યુનિવર્સિટી પોલીસે રામેશ્વર પાર્ક-૩ રામેશ્વર હોલની પાછળ માતૃછાંયાની બાજુમાં સુરેશભાઇ પટેલના મકાનમાં ભાડેથી રહેતાં મુળ જામકંડોરણા ગોકુલ પાર્કના વાળંદ યુવાન આશિષ દિનેશભાઇ મારડીયા (ઉ.૨૯), તેની પત્નિ અલ્પા આશિષ મારડીયા (ઉ.૨૯) તથા તાલુકા પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતાં રિતેશ ભગવાનજીભાઇ ફેફર (પટેલ) (ઉ.વ.૨૯-આર. કે. પાર્ક પ્લોટ નં. ૨૦-બી, આંબેડકરનગર સર્કલ પાસે ૧૫૦ રીંગ રોડ) તથા શુભમ નિતીનભાઇ શીશાંગીયા (વાળંદ) (ઉ.વ.૨૪-રહે. ગાયત્રીનગર મેઇન રોડ, સુર્યપ્રભા, ત્રિશુલ ચોક સહકાર રોડ) તથા જય સુરેશભાઇ પરમાર (અનુ.જાતિ) (ઉ.વ.૨૨-રહે. અણીયારા તા. કેશોદ)ની ધરપકડ કરી રૂ. ૨૨૫૦૦ રોકડા તથા પાંચ મોબાઇલ ફોન રિકવર કર્યા છે.

આશિષ મારડીયા અગાઉ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પકડાઇ ચુકયો છે. તેનો સંપર્ક તાલુકાના જીઆરડી જવાનો રિતેશ અને શુભમ સાથે થતાં મિત્રતા થઇ હતી અને બાદમાં ત્રણેયે મળી આશિષની પત્નિનો હનીટ્રેપ માટે ઉપયોગ કરી લોકોને ફસાવવાનું ચાલુ કર્યુ હતું. આશિષ સ્પા ચલાવતો હોઇ અહિ આવતાં ગ્રાહકના ફોન નંબર, વ્હોટ્સએપ નંબર મેળવી લેતો હતો અને બાદમાં તે સામેથી જ સ્પામાં મસાજ માટે આવ્યા હોય તેને જુદી-જુદી છોકરીઓના ફોટા મોકલી 'મોજમજા' માટે લલચાવતો હતો.

ફોટા જોયા બાદ જો કોઇ હરખાઇ જાય અને મોજ કરવા તૈયાર થઇ જાય તો આશિષ તેને અલગ-અલગ મકાનમાં લઇ જતો હતો અને અંદર મોટે ભાગે પોતાની પત્નિને રાખતો હતો. શિકાર રૂમમાં જાય એ સાથે જ પોતે પહોંચી જતો હતો છેડતી કરો છો, ફસાઇ જશો...કહી મારકુટ કરી લેતો હતો અને બાદમાં બે જીઆરડી જવાનને બોલાવતો. આ બંને પોતે પીએસઆઇ અને રાઇટર હોવાનું કહી 'શિકાર'ને ડરાવી ધમકાવી કેસ ન કરવો હોય તો રૂપિયા આપી દો...કહી પતાવટ પેટે તોડ કરી લેતાં હતાં. ટૂંકા રસ્તે વધુ નાણા કમાવવા ખુદ જીઆરડીના જવાનો ગુનાખોરીના માર્ગે ચડી ગયાની વાતે પોલીસબેડામાં ચર્ચા જાગી છે.

પકડાયેલા પાંચેયએ બારથી પંદર જણાને ફસાવીને ખંખેર્યાની ચર્ચા છે. જો કે હાલ કોઇ ફરિયાદી સામે આવ્યા નથી. પાંચેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પત્રકારોને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ યુનિવર્સિટી પીઆઇ એ.એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ડોડીયા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, કૃષ્ણદેવસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, બ્રિજરાજસિંહ ગોહિલ, મોનાબેન બુસા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

બંને જીઆરડી જવાનને ડિસમીસ કરવાની કાર્યવાહી

. હનીટ્રેપના ગુનામાં ઝડપાયેલા તાલુકા પોલીસ મથકના બે જીઆરડી જવાનને ફરજમાંથી ડિસમીસ કરવા રિપોર્ટ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવ્યાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

(3:11 pm IST)