Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

રા.લો. સંઘમાં મનસુખ સરધારા સામેની કાર્યવાહીને હાઇકોર્ટની બ્રેક : મતદાન - ઉમેદવારીનો રસ્તો ખુલ્લો

૭ દિવસમાં જરૂરી ડોકયુમેન્ટ પૂરા પાડવા આદેશ : રજીસ્ટ્રાર સમક્ષની સુનાવણી ટળી

આજે નીતિન ઢાંકેચા, મનસુખ સરધારા, પરસોત્તમ સાવલિયા, એડવોકેટ મહેન્દ્ર ફળદુ વગેરે સુનાવણી માટે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીએ પહોંચેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮ : રાજકોટ લોધિકા સહકારી સંઘના સુકાનીઓની ચૂંટણી તા. ૧૩મીએ છે તે પૂર્વે નીતિન ઢાંકેચા જુથ અને અરવિંદ રૈયાણી જુથ વચ્ચે સભ્યો સાચવવા અને ખેડવવા બાબતે ખરાખરીનો ખેલ છે. માનદ મંત્રી તરીકેની કામગીરી અને મોટર સાઇકલની લોનના વિવાદ અંગે જિલ્લા રજીસ્ટ્રારે નોટીસ આપેલ. આજે તેમની સમક્ષ સુનાવણીની પ્રથમ મુદ્દત હતી પરંતુ બપોરે નિયત સમયે રજીસ્ટ્રાર બહાર હોવાથી સુનાવણી થઇ શકેલ નહિ. સુનાવણીની નવી તારીખ હવે પછી જાહેર થશે. આ મુદ્દો કોર્ટમાં પણ ચાલી રહ્યાનું જાણવા મળે છે. મુકેશ તોગડીયા ફરિયાદી છે.

ઢાંકેચા જુથના સરધારાને ગેરલાયક ઠેરાવી મતદાન કરતા રોકવા રૈયાણી જુથ દ્વારા સઘન પ્રયાસો થઇ રહ્યા છે. ઢાંકેચાના અન્ય ટેકેદાર સભ્ય લક્ષ્મણ સિંધવ સામે પણ કાનૂની લડત ચલાવવામાં આવી રહી છે. બેય જુથ બહુમતીના દાવા કરી રહ્યું છે.

દરમિયાન મોડેથી મળતા અહેવાલ મુજબ મનસુખ સરધારાએ જણાવેલ કે આ મુદ્દે હાઇકોર્ટમાં આજે સુનાવણી હતી. હાઇકોર્ટે મને ગેરલાયક ઠેરવવા રજીસ્ટ્રારે હાલ તુર્ત કોઇ કાર્યવાહી ન કરવી તેવો આદેશ આપ્યાનું જાણવા મળે છે.

દરમિયાન સરધારાના એડવોકેટ શ્રી મહેન્દ્ર ફળદુએ જણાવેલ કે, રા.લો. સંઘના ડિરેકટર મનસુખ સરધારાને ગેરલાયક ઠેરવવા સામેની કાર્યવાહી હાઇકોર્ટે સ્થગિત કરી છે. જરૂરી ડોકયુમેન્ટ ૭ દિવસમાં પૂરા કરવા આદેશ આપ્યો છે. સરધારા તા.૧૩મીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ઉમેદવારી અને મતદાન કરી શકશે.

(3:33 pm IST)