Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

'આપ' પૂરી તાકાતથી મેદાનમાં : રવિવારથી બુથ વાઈઝ વ્યાપક ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન

માઈક્રો પ્લાનીંગ સાથે વિવિધ વોર્ડ અને પોલીંગ બુથ વાઈઝ જવાબદારી સોંપાઈ

રાજકોટ, તા. ૯ : આમ આદમી પાર્ટીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાર્ટીના પ્રભારી અજીતભાઈ લોખીલે માહિતી આપતા મીડીયાને જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી રાજકોટ શહેરમાં આગામી કોર્પોરેશનની ચૂંટણી પૂરી તૈયારી અને તાકાત સાથે લડશે. જેના માટે માઈક્રો પ્લાનીંગ કરીને દરેક વોર્ડમાં પ્રભારી અને ઝોનસહ પ્રભારીને જવાબદારી સોંપવામાં આવી છે.

રાજકોટની જનતા બદલાવ ઈચ્છે છે. જનતાની અપેક્ષા મુજબ દિલ્હીને મોડેલ ગણીને રાજકોટ કોર્પોરેશનમાં પણ પારદર્શક અને ભ્રષ્ટાચાર વીહીન વહીવટ કરવા 'આપ' કટીબદ્ધ છે જેના માટે પોલીંગ બુથ, પોલીંગ સ્ટેશન, વોર્ડસહ ટીમ અને ઝોન પ્રભારીના નામ નિશ્ચિત થઈ ગયા છે અને સંગઠનના માધ્યમથી લોકસંપર્ક કરવા 'આપ' કટીબદ્ધ હોવાનું જણાવાયુ છે.

ઝોન પ્રભારી, વેસ્ટ ઝોન પાર્ટીના ઉપાધ્યક્ષ શિવલાલભાઇ પટેલ, સહપ્રભારી સી.એ. ચેતન કામાણી, સેન્ટ્રલ ઝોન ઈન્દ્રવિજયસિંહ રાઓલ, સહપ્રભારી દિલીપસિંહ વાઘેલા, ઈસ્ટ ઝોનની જવાબદારી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કલાસીસના સંચાલક મનીષભાઈ ગઢવી તથા સહપ્રભારી રાજેશ પાનસુરીયા.

તેવી જ રીતે વોર્ડ પ્રભારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વોર્ડ નં. વાઇઝ પ્રભારીઓમાં ખુશ્બુબેન મહેતા, જગદીશભાઈ ચાવડા, (પ્રજ્ઞેશભાઈ ગઢવી, સેજલબેન ગોંડલીયા, સંજયભાઈ પટેલ, પંકજ ડાભી, મેહુલ વોરા, પરાગ સોલંકી, હરેનભાઈ વૈષ્નાણી, હાર્દિક પંડ્યા, મનોજભાઈ અઘેરા, પરેશભાઈ ભંડેરી, જયદીપભાઈ રાજયગુરૂ, પરેશભાઈ વોરા, અલ્તાફભાઈ રાઉમા, રાજેશભાઇ પાનસુરીયા, હિરેન જોષી, ભાવેશ પટેલ વગેરે નામોની જાહેરાત કરેલ.

'આપ'ના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યુ હતું કે રાજકોટના ઘણા નાગરીકો વાયા મીડીયા સંપર્ક કરીને પાર્ટીમાં જોડાવા માટે આવે છે. જે પરથી ફલીત થાય છે કે રાજકોટની જનતા આપને વિકલ્પ તરીકે સ્વીકારવા આતુર છે માટે પાર્ટીએ નક્કી કર્યુ છે કે તા.૧૧ થી ૨૫ ઓકટોબર સુધી સંપર્ક અભિયાન ચલાવવુ અને તેમાં આપના હજારો કાર્યકર્તા નાગરીકોને ઘરે ઘરે જઈને સંપર્ક કરો અને આપની દિલ્હીની કેજરીવાલ સરકારના કામો અંગે માહીતગાર કરશે અને તે જ રીતે આગામી રાજકોટ કોર્પોરેશનમાં રાજકોટના નાગરીકોની સેવાના ઉદ્દેશ સાથે રાજનીતિ કરવા નહિં રાજનીતિ બદલવાના સૂત્ર સાથે નાગરીકોને માહિતગાર કરશે અને આપમાં જોડાવા માટે નાગરીકોને પ્રેરીત કરશે.

સંપર્ક અભિયાન દરમિયાન રાજકોટના નાગરીકોને 'આપ'માં જોડાવવા માટે મો.૯૦૬૭૧ ૨૦૬૭૧ લોન્ચ કરવામાં આવ્યો છે. શહેર ઉપપ્રમુખ શિવલાલભાઈ પટેલે જણાવ્યુ હતું કે ગત તા.૧૫ ઓગષ્ટના રોજ આમ આદમી પાર્ટી દ્વારા યોજેલ ધ્વજ વંદન કાર્યક્રમમાં ચાલુ રાષ્ટ્રગાન દરમિયાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનું અપમાન થયેલ જે સંદર્ભે દોષિતો સામે કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીએ માનવ અધિકાર પંચમાં ફરીયાદ કરેલ ફરીયાદના અનુસંધાને માનવ અધિકાર પંચે રાજકોટ પોલીસ કમિશ્નરને નોટીસ ફટકારી માનવ અધિકાર પંચ સમક્ષ ઉપસ્થિત રહેવા આદેશ કરેલ હોવાનું અંતમાં જણાવ્યુ હતું.

(3:36 pm IST)