Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

નરેન્દ્રભાઈ મોદીનો ડબલ એન્જીનવાળી સરકારના વિકાસમંત્રને કારણે સર્વત્ર કેસરિયો રંગ છવાયો

ભાજપ સરકાર ઐતિહાસિક જીત મેળવશે એવો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતની પ્રજાનો પરસ્પર વિશ્વાસ ભવ્યાતિભવ્ય વિજય લાવ્યો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને ભાજપની પ્રચંડ જીત બદલ અભિનંદન પાઠવતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨નાં પરિણામ અગાઉ ભાજપ સરકાર ઐતિહાસિક જીત મેળવશે એવો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નો વિશ્વાસ વાસ્તવિક બન્યો છે ત્યારે રાજુભાઈ ધ્રુવે આ અંગે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન ભાજપ સરકારના સુશાસનને સૌએ દિલથી વધાવી લીધું છે અને કોંગ્રેસની કુનીતિ તેમજ આમ આદમી પાર્ટીના અરાજકતાવાદને કારમો જાકારો આપ્યો છે. જો ગુજરાતના ચૂંટણી પરિણામોની વાત કરવામાં આવે તો કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકારની મહેનત રંગ લાવી છે.

કેન્દ્રમાં છેલ્લા આઠ વર્ષથી અને રાજ્યમાં છેલ્લા અઠ્ઠાવીસ વર્ષ રહેલી ભરોસાની ભાજપ સરકારના વિકાસકાર્યોને કારણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનાં ભવ્ય વિજય નિશ્ચિત હતો. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો થઈ ગયો છે, જે-જે વિસ્તારોમાં કોંગ્રેસનાં ધારાસભ્યો હતા તે-તે વિસ્તારોનાં પરિણામો જૂઓ તો પણ અંદાજ આવી જશે કે ત્યાની પ્રજા કોંગ્રેસી ધારાસભ્યોથી કંટાળી ગઈ હતી તેમણે ભાજપના ઉમેદવારોને ચૂંટી કાઢ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટાભાગના નેતાઓને પોતાના જ મતવિસ્તારમાં મત મળ્યા નથી.

ગુજરાતની જનતા કોંગ્રેસે કરેલા અન્યાયનો બદલો લઈ રહી છે. ગુજરાતની જનતા માત્રને માત્ર લોકનાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા રાષ્ટ્રહિત, દેશસેવામાં સમર્પિત, પ્રમાણિક લોકસેવકને આવકારી રહી છે. સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો પ્રચંડ બહુમતી સાથે પ્રચંડ ભવ્યાતિભવ્ય વિજય થવોએ બાબતની સાબિતી છે કે, ગુજરાતની જનતાનો 'ભરોસાની ભાજપ સરકાર' પર વિશ્વાસ અકબંધ છે. 'ફિર એક બાર ભાજપ સરકાર' તથા 'આવશે તો મોદીજ'નાં નારા-સૂત્રને ગુજરાતના શાણા અને સમજુ મતદારોએ સાર્થક બનાવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત સાતમીવાર ભાજપની ઐતિહાસિક જીતનો મહત્વપૂર્ણ શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કહે છે તેમ સાડા છ કરોડ ગુજરાતીઓને શિરે જાય છે.  ભાજપની ભવ્ય જીતનાં ખરા હક્કદાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને તેઓશ્રી ના નેતૃત્વ માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ની રણનીતિ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીથી લઈ તમામ નાના-મોટા અગ્રણીઓ તેમજ કાર્યકરો છે એવું રાજુભાઈ ધ્રુવે આ અદ્દભુત અને ઐતિહાસિક વિજયને અત્યંત હર્ષ ની લાગણી સાથે ઉમળકાભેર આવકારતા  જણાવ્યું છે.

(11:41 am IST)