Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

હાઇવે પરની હોટલો - પેટ્રોલ પંપો પાસે ડિવાઇડર બ્રેક કરતા શખ્‍સો સામે કડક પગલા ભરો : એજન્‍સીઓ પણ જવાબદાર

રોડ સેફટીની બેઠક યોજાઇ : બ્‍લેકસ્‍પોટ આઇડેન્‍ટિફિકેશન - સાઇનેજ બોર્ડ ઝડપથી પૂરા કરો

રાજકોટ તા. ૧૦ : જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને આયોજિત ડિસ્‍ટ્રિક્‍ટ રોડ સેફટી કમિટીની બેઠક માં હાઈવેની કામગીરી, બ્‍લેક સ્‍પોટ, રોડ પર સાઇનેજ બોર્ડ કામગીરીની સમીક્ષા કરાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રીદેવ ચૌધરી તેમજ પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોરની ઉપસ્‍થિતિમાં આ બેઠકમાં કલેકટરશ્રીએ રાજકોટ જિલ્લા ખાતે નેશનલ હાઈવે ઓફ ઓથોરિટીની ચાલુ માસની કામગીરી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમજ રાજકોટમાં પ્રગતિ હેઠળના બ્રીજની કામગીરી, બોર્ડ સાઈનેજીસ સહિતની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે નેશનલ હાઈવે, સ્‍ટેટ હાઈવે, આર.એન્‍ડ.બી પંચાયત, રોડ એજન્‍સીઓને તાકીદ કરી હતી. તેમજ સંતોષપૂર્વક કામગીરી ન કરનાર એજન્‍સીઓ સામે દંડાત્‍મક પગલા લેવાનો આદેશ આપ્‍યો હતો.

કલેક્‍ટરશ્રીએ બ્‍લેક સ્‍પોટ અંગે માહિતી મેળવતા રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા જી.આઇ.ડી.સી, કુવાડવા રોડ, માલ્‍યાસણ રોડ, નવાગામ આનંદપર રોડ તેમજ અમદાવાદથી જેતપુર તરફ જામવાડી ચોકડી, ઉંબાડા ચોકડી, આશાપુરા ચોકડી, કિસાન પેટ્રોલ પંપ, મારુતિ પેટ્રોલ પંપ, શાપર ઓવર બ્રિજ, ભાવનગર રોડ પર ત્રંબા સહિતના સ્‍થળોએ લોકોને સાવચેત કરવા માટે જરૂરી સાઈનેજ તેમજ ટેકનિકલ કામગીરી યોગ્‍ય રીતે કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

હાઇવે પર કેટલીક હોટલ તેમજ પેટ્રોલ પંપ પાસે હાઇવેના ડિવાઇડરને બ્રેક કરી વચ્‍ચેથી રસ્‍તો બનાવવામાં આવે છે, જેના પરિણામે અકસ્‍માત થવાની સંભાવના હોવાથી આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે તાકીદ કરી હતી

બેઠકમાં આર.ટી.ઓ. અધિકારીશ્રી કે.એમ.ખપેડ, રોડ સેફટી સલાહકાર જે.વી.શાહ, બોલબાલા ટ્રસ્‍ટના શ્રી જયેશભાઈ, નેશનલ હાઈવે ઓથોરિટી, આર એન્‍ડ બી, મહાનગરપાલિકા, ૧૦૮  વિભાગના સભ્‍યશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(1:25 pm IST)