Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રાજકોટમાં કોરોનાના વધુ બે કેસ : ૧૮ વર્ષીય યુવક તથા ૬૦ વર્ષીય ડોકટર સંક્રમિત

રાજકોટ તા. ૧૦ : રંગોના તહેવાર પૂર્ણ થતાં જ રાજકોટમાં કોરોનાએ માથું ઉંચકયું છે. સતત ચોથા દિવસે ગઇકાલે કોરોનાના બે કેસ નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. ધુળેટીના દિવસે ૭૧ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા બાદ ગઇકાલે વધુ બે લોકોને કોરોના સંક્રમણ લાગ્‍યું છે.

મનપાની સત્તાવાર યાદી મુજબ શહેરના સંતકબીર રોડ સ્‍થિત સદ્‌ગુરૂનગરના ૧૮ વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. યુવકની કોઇ ટ્રાવેલ હીસ્‍ટ્રી નથી અને તેણે કોરોના રસીના બે ડોઝ પણ લીધેલા છે. યુવકની તબીયત સ્‍ટેબલ છે અને તે હાલ હોમ આઇસોલેશનમાં છે.

જ્‍યારે કોઠારીયા રોડ ઉપર પ્રાઇવેટ પ્રેકટીસ કરતા તથા પંચાયતનગર, યુનિ. રોડ ખાતે રહેતા ૬૦ વર્ષીય પુરૂષ ડોકટરનો પણ કોરોના ટેસ્‍ટ પોઝિટિવ આવ્‍યો છે. તેમની પણ કોઇ ટ્રાવેલ હીસ્‍ટ્રી નથી અને ડોકટરે પ્રીકોશન સહિતના ત્રણેય ડોઝ લીધા હોવાનું જાહેર કરાયું છે. હાલ તેમની તબીયત સ્‍થિર છે અને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્‍યા છે.

(12:43 pm IST)