Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભગવતીપરા પુલ નીચેથી ભૂમાફીયા હબીબ ઉર્ફ અબ્‍બાસ કુરેશી દેશી પિસ્‍તોલ અને કાર્ટીસ સાથે ક્રાઇમ બ્રાંચે પકડયો

મોરબી રોડની કરોડોની જમીન પડાવી લેવા ભૂમાફીયાઓએ ભાગમાં ખરીદ કર્યુ હતું હથીયારઃ અન્‍ય કેટલાકના નામ ખુલશે : ક્રાઇમ બ્રાંચ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એ. એસ. ગરચરની ટીમની કાર્યવાહીઃ અગાઉ મોરબી અને જામખંભાળીયામાં બોગસ દસ્‍તાવેજના ગુનામાં પકડાયો હતોઃ રાજકોટમાં પણ એક ગુનામાં સંડોવણી : દિપકભાઇ ચોૈહાણ, એભલભાઇ બરાલીયા અને મહેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૧૦: શહેરમાં કેટલાક શખ્‍સો ગેરકાયદે હથીયારની હેરફેર કરતાં હોય છે. પોલીસ અવાર-નવાર આવા શખ્‍સોને પકડીને કાર્યવાહી કરતી રહે છે. દરમિયાન ભગવતીપરા પુલ નીચેથી ચોક્કસ બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચે પારેવડી ચોક નજીક રહેતાં અને ભૂમાફીયાની છાપ ધરાવતાં તેમજ મોરબી, જામખંભાળીયામાં બોગસ દસ્‍તાવેજો બનાવવાના ગુનામાં પકડાઇ ચુકેલા એક શખ્‍સને દેશી બનાવટની પિસ્‍તોલ અને જીવતા કાર્ટીસ સાથે પકડી લીધો છે. મોરબી રોડ પરની એક કરોડોની કિંમતની જમીન પડાવી લેવાના ઇરાદે ઘડેલા પ્‍લાન માટે ત્રણ ચાર શખ્‍સોએ સાથે મળી હથીયાર ખરીદ કર્યાનું પ્રાથમિક રીતે સામે આવતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે દિપકભાઇ ચોૈહાણ, એભલભાઇ બરાલીયા અને મહેશભાઇ ચાવડાને મળેલી બાતમીને આધારે ભગવતીપરા પુલ નીચેથી એક શખ્‍સને સકંજામાં લેવાયો હતો. તેની પાસે ગેરકાયદે હથીયાર હોવાની માહિતી મળી હોઇ તેની તલાસી લેતાં દેશી બનાવટની રૂા. ૨૦ હજારની પિસ્‍તોલ તથા એક જીવતો કાર્ટીસ રૂા. ૧૦૦નો મળતાં કબ્‍જે કરી આર્મ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસે તપાસ કરતાં આ શખ્‍સ અગાઉ આજીડેમ પોલીસમાં, જામખંભાળીયામાં, મોરબી એ-ડિવીઝનમાં બોગસ દસ્‍તાવેજો ઉભા કરવા, ઠગાઇ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો હોવાનું ખુલ્‍યું હતું. તે આ હથીયાર કોની પાસેથી લાવ્‍યો? શાના ઉપયોગમાં લેવાનો હતો? કોઇ ગુનાહિત પ્રવૃતિ આચરી હતી કે કેમ? તે સહિતની તપાસ કરવાની હોઇ રિમાન્‍ડની તજવીજ થશે.

પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્‍યું છે કે મોરબી રોડ પર ગિરીરાજ પાર્ટી પ્‍લોટ નજીકની આશરે પચ્‍ચીસેક કરોડની જમીનના વિવાદમાં આ શખ્‍સે અન્‍ય ભૂમાફીયાઓ સાથે મળી આ હથીયાર ખરીદ કર્યુ હતું. આ શખ્‍સની સાથે અન્‍ય કોણ કોણ સામેલ છે? તેની તપાસ પણ શરૂ કરવામાં આવશે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એ. એસ. ગરચર, દિપકભાઇ ચોૈહાણ, નિલેષભાઇ ડામોર, એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:59 pm IST)