Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મિલ્‍કત વેરાની હપ્‍તા યોજનામાં છેલ્લા એક માસમાં ૩.૫ કરોડની આવક

વન ટાઇમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમમાં ૩૧ માર્ચ સુધીમાં જોડાઇ આ સ્‍કીમનો વધુને વધુ લોકોને લાભ લેવા સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલની અપીલ : ૨૯૩૦ બાકીદારો જોડાયા

રાજકોટ તા. ૧૦ : મહાનગરપાલિકાની અંદાજીત ર લાખ મિલકતની બાકી વેરાની રૂપિયા પાંચસો કરોડની રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ બાકીદાર મિલકતધારકો સમયાંતરે એડવાન્‍સમાં વેરો ભરવા પ્રોત્‍સાહિત થાય તે માટે મનપા દ્વારા વન ટાઇમ સેટલમેન્‍ટ સ્‍કીમ તા.૧૪ ફેબ્રુઆરીથી અમલમાં મુકવામાં આવેલ, જેનો આજદીન સુધીમાં અંદાજે ૨૯૩૦ જેટલાં મિલકતધારકોએ લાભ મેળવેલ છે.

આ અંગે માહિતી આપતા સ્‍ટે. કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ જણાવે છે કે, આ યોજના અંતર્ગત મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકત વેરાની વ્‍યાજ સહિતની બાકી રકમના ૧૦%, ૧૫%, ૨૫%, ૨૫% અને ૨૫% મુજબ ૫ વર્ષ સુધીમાં બાકી રકમ ભરપાઇ કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવેલ છે.

આ યોજનાનો લાભ મેળવવા ઇચ્‍છુક મિલકતધારકે પોતાની મિલકતના ચાલુ વર્ષના મિલકતવેરાની પૂરેપૂરી રકમ તથા અગાઉના વર્ષોની મિલકતવેરાની વ્‍યાજ સહિતની બાકી રકમના ૧૦% મુજબની કુલ રકમ તા.૩૧ માર્ચ સુધીમાં ભરપાઈ કરે તો વેરાની બાકી રહેતી રકમના બીજા વર્ષે ૧૫% મુજબ તેમજ ત્‍યારબાદના ૩ વર્ષોમાં પ્રત્‍યેક વર્ષે ૨૫% મુજબ, એમ મળી, કુલ ૫ વર્ષ સુધી આ યોજના અમલી રાખવાનું મંજુર કરેલ છે.

શહેરીજનોના હિતને લક્ષમાં લઇ, આ યોજનાના અમલની નિયત તારીખના દોઢ માસ પહેલાં જ આ યોજના લાગુ કરવાનું મંજુર કરવામાં આવેલ છે. બાકી મિલકતવેરો ભરવો હોય પણ એકસાથે ભરી શકતા ન હોય અને તેને કારણે વર્ષોવર્ષ ૧૮% જેટલું વ્‍યાજ ચડી રહ્યું છે તો તે મિલકતધારકો નવી અમલી બનેલવન ટાઇમ ઇન્‍સટોલમેન્‍ટ સ્‍કીમ' હેઠળ આગામી ચાર વર્ષમાં કટકે કટકે ભરી શકશે અને તે દરમિયાન જૂના બાકી વેરાનું વધારાનું વ્‍યાજ પણ ચડતું બંધ થશે. આ યોજનાથી મનપાને ૩.૫ કરોડની આવક થઇ છે.

અંતમાં, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલે શહેરીજનોને અનુરોધ કરતા જણાવે છે કે, બાકી રકમના એરીયર્સને હપ્તામાં ભરપાઇ કરવાના લાભની સાથોસાથબાકી રકમ પર નવું વ્‍યાજ ચડવામાંથી મુક્‍તિ સહિતનો બેવડો લાભ મળી શકશે, તો વધુ ને વધુ બાકી કરદાતાઓ આ યોજનામાં જોડાઇ અને રાહત મેળવે.

 

(4:04 pm IST)