Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

રાજકોટમાં ક્રાઇસ્ટ સ્કૂલ દ્વારા એક મહિનામાં બીજી વખત ફી વધારો ઝીકાયો :વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું

શાળા દ્વારા ધો.1થી 8માં 10 ટકાનો, ધો.9 અને 10માં 40 ટકાનો વધારો ઝીંકવામાં આવતા વાલીઓમાં ભારે રોષ

રાજકોટમાં ખાનગી શાળાઓ દ્વારા આડેધડ ફીમાં વધારો કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદો અગાઉ સામે આવી ચૂકી છે. જેમાં શહેરની વધુ એક શાળા તોતિંગ ફી વધારાને લઈને વિવાદમાં આવી છે. શહેરની ક્રાઇસ્ટ સ્કૂલ દ્વારા વાલીઓ પર ફી વધારાનો મારો ઝીંકવામાં આવ્યો છે. જેને લઇને આજે ક્રાઇસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ DEO કચેરી ખાતે એકત્ર થયા હતા. અને માત્ર એકાદ મહીનામાં બીજીવાર ફી વધારો ઝીંકાયો હોવાનું જણાવી તાત્કાલિક અસરથી પરત લેવા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી રજુઆત કરી હતી.

વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા ધો.1થી 8માં 10 ટકાનો, ધો.9 અને 10માં 40 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ 1 મહિના પહેલા જ ક્રાઈસ્ટ સ્કૂલ દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો હતો અને 1 મહિના બાદ જ્યારે ફરી ફી વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને શાળાને FRCનો પણ કોઈ ડર હોય નહીં તેવું લાગી રહ્યું છે. ત્યારે ફક્ત 1 જ મહિનામાં આ ફી વધારો ઝીંકવામાં આવ્યો છે જે ખરેખર અસહ્ય હોય આ ફી વધારો તરત પરત ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કારવકની તૈયારી પણ વાલીઓએ દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરની અનેક શાળાઓ ફી વધારા મુદ્દે વિવાદમાં આવી ચૂકી છે. SNK સ્કૂલનો ફી વધારાનો દાખલો તાજો જ છે ત્યાં જ ક્રાઈસ્ટ સ્કૂલ દ્વારા ફી વધારો કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થી સંગઠન દ્વારા પણ ફી વધારા મુદ્દે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેમ છતાં ખાનગી શાળાઓ ફી વધારા મુદ્દે બેફામ બની છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.

   
(10:59 pm IST)