Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

પત્રકાર- સ્‍વાતંત્ર્ય સેનાનીᅠ કાંતિલાલ શાહ લિખિત પુસ્‍તકોનો સાહિત્‍ય ઉત્‍સવઃ અનાવરણ

 

રાજકોટઃ સંસ્‍કાર સાહિત્‍ય મંદિર દ્વારા પ્રકાશિત લેખક, પત્રકાર અને સ્‍વાતંત્ર્યસેનાની શ્રી કાંતિલાલ મણિલાલ શાહ લિખિત અને અનૂદિત પુસ્‍તકોના સાહિત્‍યઉત્‍સવ કાર્યક્રમનું આયોજન ગુજરાત વિશ્વકોશના હીરાલાલ ભગવતી સભાગૃહમાં કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અલ્‍પાબેન શાહે જીવન અંજલિ થાજો' પ્રાર્થના રજૂ કરી હતી. ત્‍યારબાદ શ્રી વજુભાઈ મણિલાલ શાહના અવાજમાં ગવાયેલ તારા નામમાં ઓ સ્‍વતંત્રતા મીઠી શી આ વત્‍સલતા ભરી' ઓડિયો ક્‍લિપ સંભળાવવામાં આવી હતી. પ્રાધ્‍યાપક પ્રીતિબેન શાહે સંસ્‍કાર સાહિત્‍ય મંદિરની પ્રવૃત્તિ વિશે પ્રાસંગિક વાત કરી હતી. શ્રી રાજુલ દવે અને શ્રી અનામિક શાહ દ્વારા લેખક શ્રી કાંતિલાલ મણિલાલ શાહ અને તેમના પરિવાર દ્વારા સ્‍વતંત્રતાસંગ્રામ વખતે અપાયેલ યોગદાન વિશે વિગતે વાત થઈ હતી. આ સાહિત્‍યઉત્‍સવમાં શ્રી કાંતિલાલ મણિલાલ શાહ લિખિત અને અનૂદિત નવલકથા, બાળ-કિશોરસાહિત્‍ય, જીવનચરિત્ર, પ્રવાસકથા, લોકકથાના કુલ ૨૨ અને પ્રમીલાબેન શાહ ભાવાનૂદિત જાપાનની પરીકથાના કુલ ૬ ભાગ સહિત કુલ ૨૮ પુસ્‍તકોનું અનાવરણ જ્ઞાનપીઠ પુરસ્‍કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, ગુજરાતી સાહિત્‍ય પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશ ન. શાહ, હાસ્‍યલેખક શ્રી રતિલાલ બોરીસાગર અને લેફ્‌ટેનન્‍ટ શ્રી સતીશચંદ્ર વ્‍યાસ શબ્‍દ' વગેરેની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. અનાવરણ બાદ શ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, શ્રી પ્રકાશ ન.શાહ અને લેફ્‌ટેનન્‍ટ શ્રી સતીશચંદ્ર વ્‍યાસે શ્રી કાંતિલાલ  મણિલાલ શાહ દ્વારા લિખિત અને અનૂદિત વિવિધ પુસ્‍તકો વિશે વિગતે વાત કરી હતી.શ્રી સુભાષ બ્રહ્મભટ્ટ અને શ્રી દીપ્તિબેન જોશી દ્વારા વાચિકમ પણ પ્રસ્‍તુત થયું હતું. જેને ઉપસ્‍થિત સૌ સાહિત્‍ય અને પુસ્‍તકપ્રેમીઓએ મન ભરીને માણ્‍યું હતું. કાર્યક્રમની આભારવિધિ પ્રા. શ્રી અમીબેન દવેએ  અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. અશ્વિન આણદાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું. શ્રી કાંતિલાલ મણિલાલ શાહના સાહિત્‍ય પ્રેમીઓએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી આ સાહિત્‍ય ઉત્‍સવને ખરા અર્થમાં ઉત્‍સવ બનાવ્‍યો હતો. તેમ અશ્વિન આણદાણીની યાદીમાં જણાવાયું છે.

(4:03 pm IST)