Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

પ્‍લોટ પચાવી પાડવા ફરીયાદી વિગેરે ઉપર હુમલો કરવા અંગે આરોપીઓને બે વર્ષની સજા

રાજકોટ, તા., ૧૦:  રાજકોટ શહેરમા અવારનવાર બનતા કિસ્‍સાઓ જેમા અન્‍યોની માલીકીની જમીનો / પ્‍લોટો કોઈ ને કોઈ બહાને પચાવી પાડવા પેશકદમી કરવાની કોશીષ કરવી તેમજ મોટી રકમના તોડ કરવાના કિસ્‍સાઓ સામે આવતા હોય જેમા રાજકોટમા દામજી મેપા પ્‍લોટ શેરીમાં૨૩૯ વારનો પ્‍લોટ પચાવી પાડવા પ્‍લોટ ઉપર આરોપીઓએ પોતાનુ બોર્ડ મારતા પ્‍લોટ માલીક ફરીયાદીએ તે બોર્ડ હટાવી નાખતા આરોપીઓએ એકસંપ થઈ ફરીયાદી તથા સાહેદો ઉપર તથા વાહનો ઉપર હથીયારોથી હુમલો કરી ઈજા પહોચાડી કારને નુક્‍સાન કરી ગાળો આપી એક્‍બીજાને મદદગારી કરનાર (૧) ભરત  દેવદાન બસીયા (બોરીચા) (૨) સુખદેવ નનકું ગઢવી (૩) ધવલ વિનોદ જેઠવા (૪) પ્રભાત ભરત બોરીચા નાઓને બે વર્ષની સજા ઉપરાંત દંડનો સીમાચીહનરૂપ ચુકાદો રાજકોટના એડી. ચીફ જયૂડી મેજીસ્‍ટ્રેટે ફરમાવેલ છે.

બનાવ ની હકીક્‍ત જોઈએ તો ગુંદાવાડી વિસ્‍તારમાં રહેતા ફરીયાદી ભાવેશ ચનાભાઈ કરેટ નાઓએ રાજકોટના રહીશ (૧) ભરત દેવદાન બસીયા (બોરીચા) (૨) સુખદેવ નનકુ ગઢવી (૩) ધવલ વિનોદ જેઠવા (૪) પ્રભાત ભરત બોરીચા નાઓ વિરૂધ્‍ધ ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે ફરીયાદીનો પ્‍લોટ દામજી મેપા શેરી નં- ૩ મા ૨૩૯ વારનો આવેલ હોય કે આરોપીઓએ ક્‍બજો કરવા પચાવી પાડવા પ્‍લોટ ઉપર ભરતભાઈ દેવદાનભાઈ બસીયાના નામનુ બોર્ડ લગાડેલ હોય જે બોર્ડ ફરીયાદીએ હટાવી નાખતા આરોપીઓએ ફરી બોર્ડ લગાડેલ હોય જેથી ફરીયાદી તથા સાહેદ ચનાભાઈ, જયેશભાઈ પ્‍લોટ જોવા  જતા ચારેય આરોપીઓ લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ સાથે આવી ફરીયાદીની વેગેનાર કાર તથા સાહેદની આઈ. ટવેન્‍ટી કારના કાચ તોડી કારને નુક્‍સાન કરી ફરીયાદીને હાથમાં લોખંડનો પાઈપ મારી ડાબા તથા જમણા હાથમા ફ્રેક્‍ચર કરી સાહેદ ચનાભાઈને મુંઢ ઈજા કરી આરોપી ન.- ૨ નાએ  સાહેદ જયેશભાઈને લાકડાના ધોકાથી શરીરે તથા ડાબા હાથે માર મારી ફ્રેક્‍ચર કરી આરોપી નં.- ૩ નાએ સાહેદ ચનાભાઈ તથા ફરીયાદીને ધોકા વડે તથા આરોપી નં.- ૪ નાએ સાહેદ ચનાભાઈ તથા જયેશભાઈને ધોકા વડે માર મારી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી એકબીજાને મદદગારી કરી પોલીસ કમીશ્નરને હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો આચરેલ સબંધે આપેલ ફરીયાદ અન્‍વયે તપાસના અંતે ચાજસીટ થયા બાદ કેસ ચાલવા પર આવેલ હતો.

 બનાવમાં  આરોપીઓએ  ફરીયાદી તેમજ સાહેદોને પાઈપ, ધોકા વડે માર મારી ઈજા કરી મહાવ્‍યથા કરી મદદગારી કરી કારોને નુક્‍સાન કરેલ હોય તેવુ ફરીયાદ પક્ષે મૌખીક તેમજ દસ્‍તાવેજી પુરાવા ઉપર થી પુરવાર કરેલ છે અને ફરીયાદ પક્ષે ઈ.પી.કો.ક્‍લમ - ૩૨૫, ૩૨૩, ૪૨૪૭, ૧૧૪ અન્‍વયેનુ આરોપી વિરૂધ નુ તહોમત શંકાથી પર પુરવાર કરેલ હોય આરોપી પ્રભાત બોરીચા ચાલુ કામે મરણ ગયેલ હોય બાકીના ત્રણેય આરોપીઓને ક્‍લમ - ૩૨૫ અન્‍વયે બે વષની કેદ ની સજા અને ૧૦૦૦ રૂપીયા દંડ અને દંડ ન ભરે તો ૧૫ દિવસ ની સજા તથા ક્‍લમ - ૩૨૩ અન્‍વયે ૬ માસ ની સજા અને ૧૦૦૦ રૂપીયા દંડ અને દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસ ની સજા તથા ક્‍લમ - ૪૨૭ અન્‍વયે ૬ માસની સજા અને રૂપીયા ૧૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજા ફરમાવતો સીમાચીન્‍હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામમાં ફરીયાદી ભાવેશ ચનાભાઈ કરેટ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહઠીર દાવડા તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્‍સ રામાણી, ભરત વેકરીયા તથા આયન કોરાટ તથા સરકાર તરફે એ.પી.પી. શ્રી રસ્‍મીનભાઈ ગોસાઈ રોકાયેલ હતા.

 

(4:20 pm IST)