Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

દેરાસરમાં લૂંટ કરનાર મેહુલ ઉર્ફ મામોની ફરી લુખ્ખાગીરીઃરૂ.૩૦૦ની વસ્તુ લઇ ૧૦૦ જ આપ્યા, માથે જતાં દૂકાનદારને ઝાપટ મારી

માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગરના વેપારી મહિપતસિંહ ઝાલાની ફરિયાદ પરથી ગુનો નોંધી ખાંટ શખ્સને દબોચ્યો

રાજકોટ તા. ૯: લક્ષ્મીનગરમાં મવડી પ્લોટના ખાંટ શખ્સે એક દૂકાને જઇ રૂ. ૩૦૦ની વસ્તુ લીધા બાદ માત્ર રૂ. ૧૦૦ આપી દૂકાનદાર વૃધ્ધને ગાળો દઇ ઝાપટ મારી ધક્કો દઇ પછાડી દઇ ધમાલ મચાવતાં પોલીસે તેને દબોચ્યો છે. અગાઉ મારામારીના અનેક ગુનામાં તે પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આ ઉપરાંત જાગનાથ પ્લોટના જૈન દેરાસરમાં છરીની અણીએ લુંટ પણ ચલાવી હતી.

માલવીયાનગર પોલીસે આ અંગે સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર પ્રદ્યુમન પાર્ક-૩ બ્લોક નં. ૪૨માં રહેતાં મહિપતસિંહ નાથુભા ઝાલા (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી મવડી પ્લોટ કૈલાસનગર-૨ બંધ શેરીમાં રહેતાં ખાંટ શખ્સ મેહુલ ઉર્ફ મામો ધનજીભાઇ જેઠવા (ઉ.વ.૨૨) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

મહિપતસિંહ ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું લક્ષ્મીનગર મેઇન રોડ ત્રિમુર્તિ ટાવરમાં શિવશકિત માર્ટ નામે દૂકાન ધરાવુ છું. ગત તા. ૬ના સવારે સાડા છએક વાગ્યે હું મારી દૂકાને હતો ત્યારે એક શખ્સે આવી અલગ-અલગ ચીજવસ્તુ થેલીમાં ભરી લીધી હતી અને મારા કાઉન્ટર પર રાખી દીધી હતી. આ ચીજવસ્તુનો ટોટલ રૂ. ૩૦૦ થયા હતાં. પણ એ શખ્સે રૂ. ૧૦૦ જ આપ્યા હતાં. મેં તેને પુરા પૈસા આપવાનું કહેતાં તે ગાળો દેવા માંડ્યો હતો. આથી હું દૂકાનની બહાર આવતાં મને ઝાપટ મારી ધક્કો દઇ પછાડી દીધેલ. એ પછી દૂકાન પાસે તેની ગાડીમાં લાકડી હોઇ તે કાઢીને મને મારવા ઉગામી હાથમાં મારતાં હું બુમાબુમ કરવા માંડતાં તે ભાગી ગયો હતો.

ત્યારબાદ મારી સામેના રઘુવીર પ્રોવિઝનવાળા રીતેશભાઇ નટવરલાલ નથવાણીને જાણ કરતાં તેણે મારા દિકરા મનોહરસિંહને ફોન કરી બોલાવ્યા હતાં.  ત્યારબાદ એ શખ્સ પાછો આવ્યો હતો અને પોતાનું નામ જણાવ્યું હતું. તેમજ તેનો મોબાલ પડી ગયો હોઇ તે લેવા આવ્યાનું કહ્યું હતું. લોકો ભેગા થઇ જતાં તે જતો રહ્યો હતો. માલવીયાનગરના એએસઆઇજી. કે. પરમારે ગુનો નોંધ્યો હતો. હેડકોન્સ. યુવરાજસિંહ જાડેજાએ તેને સકંજામાં લઇ વધુ વધુ તપાસ હાથ ધરી છે. મેહુલ ઉર્ફ મામો અગાઉ અનેક ગુનામાં સંડોવાઇ ચુકયો છે. ગયા વર્ષે જ જાગનાથના જૈન દેરાસરમાં પુજારી ઓમપ્રકાશ અમેટાને છરી બતાવી રૂ. ૭૪૦૦ લૂંટી લીધા હતાં. તે વખતે પીઆઇ એન. કે. જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી ગુનો આચર્યાના બે કલાકમાં જ તેને દબોચી લીધો હતો.

(3:08 pm IST)
  • રાજકોટઃ દેના બેંક જાગનાથ શાખામાં આજે પાંચ કર્મચારીઓને કોરોના થયાનું બહાર આવતા બેંક બે દિવસ માટે બંધ કરવા નિર્ણય access_time 12:44 pm IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કહ્યુ છે કે કોરોનાને હળવાશ થી બિલકુલ લેતા નહિં, ફેઈસ માસ્‍ક પહેરી જ રાખો અને બે ગજનું સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અચૂક જાળવી રાખો access_time 5:53 pm IST

  • ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની દુર્ઘટનામાં બેદરકારી સબબ કોન્ટ્રાકટરને નોટીસ : ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની કુંડીમાં મજૂરો પડી ગયા બાદ ઘાયલ થવાની ઘટનામાં કોન્ટ્રાકટર મંગાભાઈ સોલંકીને મ્યુ.કમિશ્નરે બેદરકારી અંગે નોટીસ ફટકારી છે access_time 4:13 pm IST