Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

સિવિલ હોસ્પિટલમાં ૧ાા વર્ષના દિવ્યરાજના ગળામાં ફસાયેલા ટોપરાને સફળ સર્જરીથી બહાર કાઢ્યું

બ્રેઇન ડેડ અને કાર્ડિયાકના જોખમ વચ્ચે બે ક્રિટિકલ સર્જરી કરાઇ : બાળકના ફેફસામાં રસી, સોજો અને મસા થઇ જતાં ફેફસુ પણ સંકોચાઇ ગયું હતું: મુખ્ય શ્વાસનળી બ્લોક થઇ ગઇ'તીઃ ઇએનટી વિભાગના ડો. સેજલ મિસ્ત્રી અને ટીમને સફળતા

રાજકોટ તા. ૧૦ : માત્ર દોઢ વર્ષનું  બાળક દિવ્યરાજ સિવિલમાં લાવવામાં આવ્યું ત્યારે અતિ ગંભીર પરિસ્થિતમાં હતું. શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી તેમજ ફેફસામાંથી અવાજ આવતો હતો.  ચીલ્ડન વિભાગના ડોકટર દ્વારા તેમનો એકસરે કાઢવામાં આવ્યો ત્યારે માલુમ પડ્યું કે ફેફસામાં કંઈક છે. ત્યારબાદ તેનો સીટી સ્કેન કરતા બાળકની પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. જેમાં ડાબી બાજુનું ફેફસું સંકોચાઈ જમણા ફેફસા પર દબાણ કરતુ હતું. ફેફસામાં રસી, મસા અને સોજો ચડી ગયેલો.  મુખ્ય શ્વાસનળી બ્લોક થઈ ગયેલી. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઈ તેનું ઓપરેશન કરવું જરૂરી હતું. ઓપરેશન સમયે તેનું ઓકિસજનનું લેવલ ઓછું રહેતું હોઈ એનેસ્થેસિયા આપવામાં આવે તો બ્રેઈન ડેડ કે હૃદય બંધ પડી જવાની અતિ જોખમી પરિસ્થિતિ વચ્ચે સર્જરી કરવી પડે તેમ હતી. એનેસ્થેટિક દ્વારા ઓકિસજનની માત્ર જળવાઈ રહે તે પ્રકારે સતત કાળજી રાખી અમારે બે ભાગમાં ઓપરેશન કરવું પડ્યું તેમ રાજકોટ સિવિલના ઇ.એન.ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે.

ત્રણ એમ.એમ. ના દૂરબીન અને મશિન દ્વારા શ્વાસનળી અંદર નાખી સતત સર્જરી કરવી પડે, પહેલા ભાગમાં સકસન કરી રસી બહાર કાઢ્યા, ઓકિસજન લેવલ ખુબ ઘટી જતા જમણા ફેફસમાંથી ફસાઈ ગયેલ વસ્તુ બહાર કાઢવા બ્રેક લેવો પડ્યો.  ફેફસુ સંકોચાઈ ગયેલું તેની તેમજ મસાની ટ્રીટમેન્ટ કરી. ચાર દિવસના વિરામ બાદ બીજી સર્જરી કરી ખુબ ઓછા સમયમાં કોઈપણ પ્રકારે ફેફસા અને શ્વાસનળીમાં ડેમેજ નો થઈ તે રીતે દૂરબીન અને ફોરસેપની મદદથી જમણા ફેફસામાં ફસાયેલા ટુકડાને બહાર કાઢયો. ખુબજ ધીરજ માંગી લે તેવી આ પ્રક્રિયા નિયત સમયમાં પુરી કરી જીવના જોખમે બાળકને ૧૭ દિવસથી ભોગવી રહેલ પીડામાંથી મુકત કર્યો ત્યારે ડો. સેજલ સહીત સમગ્ર મેડિકલ ટીમ અને તેમના પરિવારને રાહત અને ખુશીનો અપ્રિતમ આનંદ થયો હતો. 

આ તકે એક ડોકટર અને એક માં તરીકે નાના બાળકોની માતાને ખાસ સંદેશો આપતા ડો. સેજલ કહે છે કે જયાં સુધી બાળક જાતે ખોરાક ચાવી નો શકે ત્યાં સુધી તેમનાથી અનાજ કઠોળ કે અન્ય પદાર્થ દૂર રાખવા અને તે આવી કોઈ વસ્તુ અજાણ્યે પણ મોમાં નો મુકે તેની ખાસ કાળજી લેવી. કયારેક નાખી સરખી ભૂલ પણ બહુ ગંભીર પરિણામ લાવી શકે તેમ સિવિલના ડો. મિસ્ત્રી જણાવે છે.

(1:08 pm IST)