Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

લોહાણા મહાપરિષદના

સતીષભાઇ વિઠ્ઠલાણી સર્વાનુમતે પ્રમુખ બને તે માટે અમુક શરતો સાથે યોગેશભાઇ લાખાણી રાજી ?

નવીનભાઇના ઘરે જ્ઞાતિ શ્રેષ્ઠીઓની મીટીંગમાં નક્કી થયા મુજબ વરણી સમિતિના એક પણ સભ્ય વિરોધ ન કરે તેવી ગોઠવણ થયાની ચર્ચા : વરણી સમિતિની આજની મિટીંગ ફટાફટ પૂર્ણ થઇ જવાની ધારણા : યોગેશભાઇ લાખાણીના જૂથના મનાતા સભ્યોને હોદેદ્દાર બનાવીને સાચવી લેવાનો વ્યૂહ : સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખપદના દાવેદારો ગણાતા જીતુભાઇ લાલ, નિમાબેન આચાર્ય, હરીશભાઇ લાખાણી, વિગેરેને યેનકેન પ્રકારે સમજાવી લેવાશે

રાજકોટ,તા.૧૦ : સમગ્ર વિશ્વના લોહાણા સમાજની વૈશ્વિક માતૃસંસ્થા લોહાણા મહાપરિષદ તેના પ્રમુખપદેને લઇને છેલ્લા ઘણાં સમયથી ભારે વિવાદમાં સપડાઇ ગઇ છે. જ્ઞાતિહિત તથા જ્ઞાતિઉત્કર્ષને એકબાજુ રાખીને સંસ્થાનું પ્રમુખપદ મેળવવા રોજરોજ નીતનવા કાવાદાવા સતાધીશો દ્વારા થઇ રહ્યા છે. પ્રમુખપદ મેળવવા માટે તથા પોતાના ગમતા-માનીતા-અંગત માણસને મહાપરિષદના પ્રમુખ બનાવવાની ચેષ્ટા સામે પણ લોહાણા સમાજનો એક મોટા વર્ગ ભારે નારાજગી દર્શાવી રહ્યો છે. ઘણા બધા લોહાણા મહાજનોને પણ આ વાત પસંદ નથી છતાં પણ વરણી સમિતિમાં મોટાભાગના લોહાણા મહાજનોનું પ્રતિ-નિધિત્વ ન હોવાને કારણે મૂંગા મોઢે સહન કરી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

મહાપરિષદના નવા પ્રમુખ માટેના નામની ભલામણ કરવા આજે બપોરે ૩.૧૫ વાગ્યે ઓનલાઇન ઝુમ મિટીંગ દ્વારા વરણી સમિતિના ૨૭ સભ્યોની મળી રહી છે. જેમાં મુંબઇના ખીમજી ભગવાનજી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સતીષભાઇ વિઠ્ઠલાણીનું નામ પ્રમુખપદ માટે મૂકાઇ રહ્યુ હોવાનું નિશ્ચિત મનાય છે.

રાજીનામું આપતા પ્રમુખ પ્રવિણભાઇ કોટકના જૂથના ગણાતા સતીષભાઇ વિઠ્ઠલાણીને અત્યાર સુધી ૧૬ થી ૧૭ સભ્યોનો ટેકો મળશે તેવું સંભળાતું હતું. કારણકે યોગેશભાઇ લાખાણીના જૂથના મનાતા ૧૦ થી ૧૧ સભ્યો સતીષભાઇની વિરૂધ્ધમાં જશે તેમ મનાતુ હતું.

પરંતુ ચર્ચાતી વિગતો મુજબ ગઇકાલે રાત્રે નવીનભાઇના ઘરે બંને જૂથના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ મળ્યા હતા. જેમાં યોગેશભાઇ લાખાણીએ સતીષભાઇ વિઠ્ઠલાણીને ટેકો આપવા સામે અમુક શરતો મૂકી હોવાની ચર્ચા છે. જે શરતો પ્રવિણભાઇ કોટક તથા સતીષભાઇ વિઠ્ઠલાણીના ગ્રુપ દ્વારા તુરત જ સ્વીકારી પણ લેવામાં આવી હોવાનું સંભળાઇ રહ્યું છે.

યોગેશભાઇ લાખાણી દ્વારા મૂકાયેલ શરતોમાં તેના જૂથના સભ્યોને મહાપરિષદમાં યોગ્ય હોદ્દાઓ આપવા, અમદાવાદ ખાતે મહાપરિષદ ભવન બનાવવું (પ્રવિણભાઇ કોટક પ્રમુખ બન્યા ત્યારે પણ તેઓએ આ વચન આપ્યું હતું, પરંતુ આજ સુધી શકય નથી બન્યુ!), મહાપરિષદનું હેડકવાર્ટર અમદાવાદ જ રાખવું વિગેરે શરતો હોવાનું સંભળાઇ રહ્યું છે.

યોગેશભાઇ લાખાણી દ્વારા મૂકાયેલ વિવિધ શરતો સતીષભાઇ વિઠ્ઠલાણી દ્વારા સ્વીકારી લેવામાં આવે એટલે વરણી સમિતિની મિટીંગમાં એકપણ સભ્ય વિરોધ ન કરે અને બધાંજ પ્રમુખપદે સતીષભાઇ વિઠ્ઠલાણીના નામને સર્વાનુમતે બહાલી આપે છે. તેવી ગોઠવણ થયાની ચર્ચા ચાલી રહી છે. તમામ ગોઠવણ થઇ જતાં આજની ઓનલાઇન ઝુમ મિટિંગ પણ ફટાફટ પૂર્ણ થવાની ધારણા છે. પ્રવિણભાઇ કોટકનું રાજીનામુ તથા સતીષભાઇ વિઠ્ઠલાણીના નામની પ્રમુખપદ માટેની ભલામણને થયેલ ગોઠવણ મુજબ બધાં દ્વારા 'મંજુર-મંજુર' જ બોલીને બહાલી આપી દેવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

રઘુવંશીઓની ખૂબ મોટી વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રનો તો ખૂબી પૂર્વક જ છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પ્રમુખપદના મજબુત-સક્ષમ ગણાતા દાવેદારો જીતુભાઇ લાલ, ડો. નિમાબેન આચાર્ય, હરીશભાઇ લાખાણી વિગેરેને પણ 'જ્ઞાતિ એકતા'ના બ્હાના હેઠળ યેનકેન પ્રકારે સમજાવી લેવામાં આવશે, તેવું ગઇકાલની મિટીંગમાં નક્કી થયાની ચર્ચા સંભળાઇ રહી છે. સૌરાષ્ટ્રની કમનસીબી તો જુઓ! સૌરાષ્ટ્રના જ એક જ્ઞાતિ આગેવાનની હાજરીમાં મહાપરિષદમાંથી  સૌરાષ્ટ્રનું જ નામોનિશાન મીટાવી દેવામાં આવ્યું! આનાથી વધુ કરૂણતા બીજી શું હોઇ શકે?

એવી ચર્ચા પણ થઇ રહી છે કે વરણી સમિતીમાં જો કોઇ પ્રમુખપદના નામનો વિરોધ  ન કરે તો ભવિષ્યમાં મધ્યસ્થ મહાસમિતિમાં પણ પ્રમુખપદના નામને બહાલી આપવામાં કોઇ કાયદાકીય અડચણ ન આવે. સર્વાનુમતીના નામે કોઇ કાયદાકીય પગલું લઇ ન શકે. અને જો લે તો પણ એ ટકી ન શકે તેવી ચર્ચા ચાલી રહી છે.

સૌરાષ્ટ્રના ૯૦ મહાજન પ્રમુખોમાંથી વરણી સમીતીમાં એક પણ નહીં?!

સૌરાષ્ટ્રમાં રઘુવંશીઓની ખુબ મોટી વસ્તી છે અને અંદાજે ૯૦ જેટલા લોહાણા મહાજનો છે ત્યારે મહા પરીષદની વરણી સમીતીમાં સૌરાષ્ટ્રમાંથી એક પણ મહાજન પ્રમુખ ન હોવાનું જાણવા મળે છે. સધ્ધર ગણાતા મહાજનોને પણ બોલવાનો અધિકાર  ન મળતો હોય તો મહાપરીષદ કોને 'લોકશાહી ઢબ' કે 'જ્ઞાતિસેવા' ગણે છે? તે જ ઘણા લોકોને સમજાતુ નથી. કદાચ સતીષભાઇ વિઠલાણી મોટાભાગના લોહાણા મહાજનોના સમર્થન વગરના મહાપરીષદના પ્રથમ પ્રમુખ બની રહયાની ચારેકોર જબરી ચર્ચા છે.

(11:44 am IST)