Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

દિવાળીના તહેવાર અંતર્ગત પોલીસનું ચેકીંગ : લાયસન્સ વગર ફટાકડા વેચતા એકની ધરપકડ

ભકિતનગર પોલીસે ગોરધન લીંબાસીયાને અને યુનિવર્સિટી પોલીસે મોટા અવાજવાળા ફટાકડા વેચતા આશીષ સાપરીયા સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

રાજકોટ,તા. ૧૦: દિવાળીના તહેવાર અંતર્ગત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનારા વેપારીને અને મોટા અવાજવાળા ફટાકડાનું વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરનાર એક વેપારીને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહંમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા અને એસ.પી એચ.એલ.રાઠોડ, પી.કે. દીયોરાએ દિવાળીના તહેવાર અંતર્ગત વિસ્તારમાં લાયસન્સ વગરના ફટાકડાનું વેચાણ કરનારા વેપારી સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપતા ભકિતનગર પોલીસ મથક પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.બી.પટેલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન હરીધવા રોડ પટેલ ચોક પાસેથી લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા (ગોરધન છગનભાઇ લીંબાસીયા) (ઉવ.૪૭) (રહે. ભવનાથ પાર્ક-૨ શેરી નં. ૯)ને પકડી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી. જાડેજા સહિતે પંચાયતચોક ઉમીયાજી સીઝન સ્ટોરમાં તપાસ કરતા પોલો ૫૦૦૦ ઇકો સાઉન્ડ વાળા સીરીઝમાં જોડાયેલા ફટાકડા રાખી જાહેરનામાનો ભંગ કરનારા આશીષ ભીખુભાઇ સાપરીયા (ઉવ.૩૮) (રહે. સાધુવાસવાણી રોડ કમલ પાર્ક )ને પકડી કાર્યવાહી કરી હતી.

(2:46 pm IST)