Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અદાલતોમાં ફરી-વકીલો-પક્ષકારોને પ્રવેશબંધીઃ ૩૧ સુધી ઓનલાઇન કાર્યવાહી

ઓમિક્રોન-કોરોનાના વધતા કેસોના પગલે હાઇકોર્ટના આદેશાનુસાર ફીઝીકલ કામગીરી બંધઃ ઓનલાઇન કાર્યવાહી જ ચાલશેઃ સોગંદનામા માટે પાર્કીંગની બારી સુધી જવાની છુટઃ ફરીયાદ-અરજી અને નવા કોઇપણ પ્રકારના કેસો બંધ કવરમાં બોક્ષમાં મુકવા પડશેઃ પેમેન્‍ટ માટે ઇ-સાઇડની વેબસાઇટનો ઉપયોગ કરી શકાશેઃ જુનિયર વકીલો માટે ફરી આજીવિકાનો પ્રશ્‍ન સર્જાયોઃ નોટરી વકીલોએ ફરી કોર્ટ બહાર ટેબલો મુકી કામગીરી ચાલુ કરી

રાજકોટ તા. ૧૧: રાજયમાં ઓમિક્રોન-કોરોનાના કેસો વધતાં ફરી ગુજરાતભરની અદાલતોમાં પક્ષકારોને પ્રવેશબંધી ફરમાવીને ઓનલાઇન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વખતે કોર્ટોના દરવાજાઓ બંધ કરવાની સાથે વકીલોને પણ કામ વગર અંદર જવાની મનાઇ ફરમાવવામાં આવતાં હવે અદાલતોમાં આગામી તા. ૩૧ જાન્‍યુઆરી સુધી કોઇ નવો હુકમ ન આવે ત્‍યાં સુધી ઓનલાઇન કાર્યવાહી જ ચાલશે.
હાઇકોર્ટના હુકમ અનુસાર ફકત ઓનલાઇન કાર્યવાહી કોર્ટોમાં શરૂ થયેલ હોય પાકારો સાથે વકીલોને પણ કોર્ટોમાં પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવતાં આજે વકીલો પણ કોર્ટની બહાર રસ્‍તા ઉપર ઉભેલા જોવા મળ્‍યા હતાં.
અદાલતોમાં ફરી ઓનલાઇન કાર્યવાહી ચાલું થતાં સમન્‍સ-વોરંટ કાઢવાની પ્રક્રિયા પણ બંધ થયાનું વકીલ વર્તુળો જણાવી રહ્યા છે, કોર્ટોની કામગીરી માટે પેમેન્‍ટ ભરવાનું હોય તેવા કિસ્‍સામાં ઇ-સાઇડની વેબસાઇટ ઉપરથી ભરી શકાશે. આ ઉપરાંત જે કોઇ પક્ષકારો-વકીલોને સાદી નકલ કે, ખરી નકલ મેળવવાની હોય તે કામગીરી પણ બંધ કરવામાં આવ્‍યાનું જાણવા મળે છે.
સરકારી વકીલો-પોલીસ અને આરોપીઓને અંદર જવા દેવાઇ છે. જયારે ફરીયાદી-પક્ષકારો-વકીલોને કોર્ટના દરવાજેથી પાછા વાળી દેવામાં આવતાં વકીલોમાં ફરી આજીવીકાનો પ્રશ્‍ન ઉભો થતાં વકીલોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે.
વકીલો દ્વારા નવી ફરીયાદો, જેમ કે, નેગોસીએબલ, ભરણપોષણ અરજીઓ કે કલેઇમ કેસો, સહિતના સિવિલ-ફોજદારી કેસો કરવામાં થાય તો સેસન્‍સ કોર્ટનું ફાયલીંગ ફાસ્‍ટ ટ્રેક કોર્ટ ખાતે તેમજ નીચેની કોર્ટોનું ફાયલીંગ કરવામાં આવેલ મુખ્‍ય સિવિલ કોર્ટ બિલ્‍ડીંગના ગેઇટ પાસે બોક્ષ રાખવામાં આવેલ છે. જેમાં સીધા બંધ કવરમાં ફાયલીંગ થઇ શકશે.
કોરોનાના છેલ્લા બે વર્ષ દરમ્‍યાન ખાસ કરીનુે અદાલતોમાં આંશિક કામગીરી ચાલું રહેલ હોય અને ઓનલાઇન કાર્યવાહી થયેલ હોય જુનિયર વકીલોમાં આજીવિકાના પ્રશ્‍ને ફરી ગણગણાટ શરૂ થયો છે અને આવા વકીલો દ્વારા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત તેમજ સ્‍થાનિક કક્ષાએ બાર એસો.ના હોદેદારોને રજુઆત કરી રહ્યા છે.
રાજયમાં ઓમિક્રોન-કોરોનાના વધતાં કેસોના પગલે હાઇકોર્ટે આગામી તા. ૩૧ જાન્‍યુઆરી સુધી ઓનલાઇન હિયરીંગ કરવાનું જણાવેલ છે. ત્‍યારબાદ નવો જે આદેશ આવશે તે મુજબ આગળની કાર્યવાહી ચાલશે. નોટરી વકીલોએ ફરી કોર્ટની બહાર રસ્‍તા ઉપર ટેબલો નાખીને કામગીરી શરૂ કરી છે. કોરોના-ઓમિક્રોનના વધતા કેસોને પગલે કોર્ટોમાં ફરી ઓનલાઇન કાર્યવાહી શરૂ થયેલ છે.

 

(2:45 pm IST)