Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

લેંગ લાઇબ્રેરીમાં 'વિવિધા'રાષ્ટ્રીય પરિસંવાદઃ ડીજીટલ લાઇબ્રેરી અંગે દ્રષ્ટાંત રજુ કરાયા

રાજકોટઃ લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના સયકત ઉપક્રમે એક દિવસીય 'વિવિધા' રાષ્ટ્રીય પરિસંવાદ ગ્રંથાલય પરિસરમાં યોજાયો હતો. કાર્યક્રમનું દીપ પ્રાગટયથી ઉદઘાટન અતિથિ વિશેષ રાજા રામમોહનરાય ફાઉન્ડેશનના ડી.જી. શ્રી એ. પી. સિંઘ તથા અતિથિ વિશેષ વકતાઓ અને સંસ્થાનાં હોદ્દેદારોના હસ્તે કરવામા આવ્યું હતું. 

રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકતા ડી.જી.શ્રી એ. પી. સિંઘ પોતાના વકતવ્યમાં ડિજિટલ યુગના પડકારો સાથે પુસ્તકાલયની પ્રવૃતિઓને જીવંત રાખવાની કામગીરી આજના પુસ્તકાલયો કરી રહયા છે ત્યારે પુસ્તકાલય ક્ષેત્રે અવનવા પરિવર્તનો જણાવી રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશનની પુસ્તક  પ્રેરક  પ્રવૃતિઓ અને ગતિવિધિઓનો વિગતે પરિચય આપી લેંગ લાઇબ્રેરીના કાર્યની  પ્રશંસનીય  પ્રવૃતિઓને બિરદાવી હતી.  પરિસંવાદના ઊપક્રમે  પ્રથમ બેઠકમાં જાણીતા વકતા અને પૂર્વ માહિતી કમિશનર અને 'ફુલછાબ 'ના કટાર લેખક શ્રી વસંતભાઇ ગઢવી (આઇએએસ) એ મેઘાણીની સવાસોમી જન્મ જયંતી  પ્રસંગે મેઘાણીના જીવન અને કવન વિશેના અજાણ્યા પૃષ્ઠો ખોલીને તેમજ મેઘાણીએ લોકસાહિત્યના વિવિધ ક્ષેત્રોમાંથી કરેલ સંશોધન કામગીરી, ટાગોર, ગાંધીજી અને અન્ય મહાનુભાવો સાથેના મેઘાણીના અનુભવ 'સૌરાષ્ટ્ર' સાપ્તાહિકના ઉપક્રમે મેઘાણીએ કરેલા પરિભ્રમણને સદ્રષ્ટાત ચર્ચા સાદ રજૂ કરી ઉપસ્થિત સૌને અભિભૂત કર્યા હતા.

બેઠકના બીજા વકતા શ્રી વિરલ રાચ્છ દ્વારા ફિલ્મકલા અને વાર્તાકલામા અભિનય અને રજુઆતની અસરકારકતા તેમજ વિવિંધ ચિત્રપટની સદ્રષ્ટાંત સમજ આપી હતી.  પ્રદેશ, જાતિ, ધર્મ અને તેના દ્વારા ચિત્રપટ પરથી અપાતો જીવનસંદેશ કેટલો અસરકારક હોય એ વાત વિવિધ ટૂંકી ચિત્રપટ કથની દ્વારા રજૂ કરી પીપીટી હતી.  દ્વિતીય સત્રમાં યુવા  પ્રેરક  પ્રવૃતિઓના  પ્રણેતા યંગસ્ટાર શ્રી ભગીરથસિંહ જાડેજાએ પરાકલ્પનનો, એતિહાસિક ગ્રંથો, સમાજજીવન અને સંસ્કૃતિના વિવિધ દ્રષ્ટાતો દ્વારા માનવ અને સસ્કૃતિના ઘડતરમાં પુસ્તકાલયનું સ્થાન અનિવાર્ય ગણાવ્યું હતુ.

રામાયણ, મહાભારત અને પૌરાણિક ગ્રંથો વિશેની પોતાની અલાયદી વૈચારિક દ્રષ્ટિ  પ્રગટ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વર્તમાનયુગમાં ડિજિટલ લાઈબ્રેરી અંગે જાણીતા સન્નારી ડો. શીતલ બહેન દ્વારા પીપીટી રજુ કરી હતી ડિજિટલ લાયબ્રેરી ક્ષેત્રે વિશ્વની વિવિધ લાઈબ્રેરીના ઉપક્રમો સદ્રષ્ટાત સમજાવ્યા હતા. તે અંગેના આયોજન અને અમલીકરણની માહિતી વિસ્તૃત રીતે સમજાવી અને ગ્રંથાલયમાં તેનો ઉપયોગ કરવા જણાવ્યુ હતું.  પરિચય સંસ્થાના માનદમત્રી પ્રવીણભાઈ રૂપાણીએ કર્યો હતો. 

 પ્રાસંગિક ઉદબોધનમાં સંસ્થાના  પ્રમુખ ડો. નિરંજન પરીખ લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટની વિવિધ ગતિવિધિઓ અને પ્રવૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અંતે આભાર દર્શન સંસ્થાના સદસ્ય  અશોકભાઈ સુરેલિયાએ તેમજ સુચારુ સંચાલન ડો. નીતિન વડગામાએ કર્યુ હતું. ઉપરોકત કાર્યક્રમ લેંગ લાયબ્રેરી ના ફેસબુક પેઈજ તથા યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઈન  પ્રસારિત કરવામાં આવ્યો હતો.   કાર્યક્રમને સફળ બનાવવામાં ગ્રંથપાલ શ્રી કલ્પા ચૌહાણ તથા સમગ્ર સ્ટાફે જેહમત ઉઠાવી હતી.  પ્રમાણપત્ર વિતરણ સાથે પરિસંવાદ પુર્ણ થયો હતો.  તેમ યાદીમાં જણાવાયું છે.

(3:25 pm IST)