Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

પત્નિ અને પુત્રીને ભરણપોષણની રકમ નહિ ચુકવતા પતિ વિરૂધ્ધ રિકવરી અરજી

રાજકોટ, તા. ૧૧ : લોકડાઉન પહેલાથી કોર્ટનો હુકમ થયો હોવા છતાં તરછોડેલ પત્ની અને પુત્રીને ભરણપોષણ ન ચુકવતા પતિ પર રીકવરીલની અરજી દાખલ થયેલ છે.

આ કેસની વિગતો મુજબ નુરજહાબાનુ અલ્તાફભાઈ શેખ કે જેઓ ગાંધીગ્રામ, રાજકોટ  ખાતે રહે છે તેમના નિકાહ સમીર નુરમહમદ કુરેશી સાથે કે જેઓ રામનાથપરા, શેરી નં.  ૧૪ ખાતે રહે છે તેમની સાથે સને ૨૦૧૬ માં થયેલ. લગ્ન બાદ પતિ દ્વારા પત્નિની અન્ય   સ્ત્રીઓ સાથે સરખામણી અને દહેજ બાબતે ત્રાસ અને ગુલામી જેવી વર્તણુક પણ  નુરજહાબાનુએ સહન કરેલ હતી. પરંતુ છતાં તેઓની ઉપર અત્યાચાર કાયમ રહેતા જેથી  તેમને કસુવાવડ પણ થઈ ગયેલ હતી. સમયાંતરે લગ્નજીવનથી ૨૦૧૮ માં દિકરી રૂશાનનો  જન્મ થયેલ. પુત્રીના પિતાની ત્રેવડ ન હોય છતાં જમાઈની માંગણીઓને સંતોષવા માટે  માતબર રોકડ રકમ, એકટીવા સ્કૂટર અને મોબાઈલ આપીને દિકરીનું લગ્નજીવન સુખી  રીતે આગળ વધે તે માટેના પ્રયત્નો કરેલ, છતાં તેવા પ્રયત્નો સફળ થયેલ નહી. અને સમીર  દ્વારા નુરજહાબાનુને પુત્રીના જન્મ બાદ થોડા સમયમાં જ પહેરેલ કપડે ઘર બહાર કાઢી  મુકેલ હતા.

 આ આઘાતમાંથી બહાર આવી ન શકતા પણ એકલા હાથે પુત્રીની તમામ  જવાબદારીઓ નિભાવીને નાછૂટકે ૨૦૧૯ માં રાજકોટ કોર્ટમાં ભરણપોષણ બાબતેની  અરજી કરેલ, જેમાં ર્ં ફેમીલી કોર્ટ દ્રારા વચગાળાના ભરણપોષણનો હુકમ  જાન્યુઆરી-૨૦ર૨૦ માં કરેલ. જે અનુસાર દર મહિને પતિએ પત્નિ અને બાળકીને  ભરણપોષણની નિયત રકમ ચુકવી આપવાનું કહેવામાં આવેલ. પરંતુ એક વર્ષ વિતી ગયું  હોવા છતાં પણ સમીર નુરમહમદ કુરેશી દ્વારા કોઈ જ પ્રકારની રકમ ચુકવવામાં આવેલ  નહી અને કોર્ટે મારું શું બગાડી લીધું અને તે મારી સામે કેસ કરીને શું તીર મારી લીધું તેવા  વાકબાણ મારીને અબળા  સ્ત્રી અને નોંધારી બાળકીનો મજાક ઉડાડવામાં આવેલ. જેથી  હાલમાં રાજકોટ ફેમીલી કોર્ટમાં સામાવાળા વિરૂધ્ધ રીકવરી અરજી ફાઈલ કરીને તેમની  ભરણપોષણ રકમ ચુકવવા માટેનો કોર્ટનો સમન્સ ઈસ્યુ કરવામાં આવેલ છે. આ કામમાં  અરજદાર વતી વિપુલ આર. સોંદરવા-એડવોકેટ દરજજે રોકાયેલા છે.

(3:33 pm IST)