Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

વાવડીના લેન્ડગ્રેબીંગના કરોડોના જમીન કૌભાંડના ગુનામાં પકડાયેલ કોંગી અગ્રણી કનકસિંહ જાડેજાની ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મંજુર

આરોપી કનકસિંહ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ છે : કલેકટરની સુચનાથી ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૧૧ : શહેરમાં સુધારેલા એન્ટી લેન્ડગ્રેબિગ કાયદા હેઠળ નોંધાયેલા પ્રથમ ગુનાના કેસમાં સંડોવાયેલા અને વાવડીની કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં કોંગીના નગરસેવકના પતિ અને સસરા સામે નોંધાયેલા ગુનામાં કોંગી અગ્રણી કનકસિંહ જાડેજા ને હાઈકોર્ટે જામીન ઉપર છોડી મૂકવાનો હુકમ કર્યો છે. લેન્ડગ્રેબીંગના ગુનામાં જામીન મળવાનો આ પ્રથમ કેસ હોવાનું જાણવા મળે છે.

વાવડીની જમીનના ગુણાકાર ભૂલને કારણે જમીન ૨૧ ગુંઠા વધી જતાં કોર્પોરેટરના પતિ સહિતના શખ્સોએ કરોડો રૂપિયાની ૨ હજાર ચો.મી.જમીન પચાવી પાડી લેન્ડ ગ્રેબિંગ એકટની શહેરમાં પ્રથમ ફરિયાદ રેનબેન યોગેન્દ્રભાઇ મહેતા (ઉ.વ.૬૦)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, તેના પિતા મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા તથા છ અજાણ્યા શબ્સના નામ આપ્યા હતા. રેણુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાવડીની સરવે નં. ૩૮-૩ની જમીન પ્રેમવતી હોટેલ પાછળ ગોંડલ રોડ ખાતે આવેલી છે. આ જમીન તેમના માતા મીનાકુમારી મહાસુખલાલ પારેખે આરોપી કનકસિંહના પૂર્વજો નટુભા નારણસિંહ જાડેજા અને તેમના વારસદારો પાસેથી તા.૮ જુલાઇ ૧૯૭૦ના રોજ ખરીદ કરી હતી, ત્યારથી આ જમીનનો કબજો મીનાકુમારી પાસે હતો.

મીનાકુમારીનું અવસાન થતાં તે જમીનમાં વારસાઇ નોંધ કરાવવા રેણુબેને અરજી કરતા તેની સામે વાંધા અરજી દાખલ થઇ હતી.

ગત તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ જમીન પર સિકયુરિટી ગાર્ડ તૈનાત હતા ત્યારે ૮ થી ૧૦ લોકોએ જમીનમાં પેશકદમી કરી દીવાલ તોડી નાખી હતી અને પતરાંની કેબિન બનાવવા માટે ખાડો ખોદવા લાગ્યા હતા. એ સમયે જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી, અને પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. રેનબેને અંતે આ અંગે કલેકટર સમક્ષ અરજી કરતા કલેકટરે પોલીસને સાત દિવસમાં રિપોર્ટ આપવા તાકીદ કરી હતી.

પોલીસના રિપોર્ટ બાદ કલેકટરની સૂચનાથી પૂર્વ કોર્પોરેટરના પતિ સહિતનાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે કનકસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજાની અટકાયત કરી અજાણ્યા ૬ શખ્સોત સામે ગુનો નોધી પિતાં પુત્ર ની ધરપકડ કરી રિમાન્ડ પૂર્ણ થતા અદાલતે તેને જેલહવાલે કરવાનો હુકમ કરતા કનકસિંહ જાડેજા એ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે નામંજૂર થતા જે હુકમથી નારાજ થઈ હાઈ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણીમાં બંને પક્ષોની દલીલો બાદ બચાવ પક્ષની લેખિત મૌખિક દલીલોના અંતે ન્યાયધીશે કનકસિંહ જાડેજાને જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો છે આ કેસમાં બચાવ પક્ષે હાઇકોર્ટના એડવોકેટ પોપટ વિરાટ ,ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ અને જયવીર બાર રોકાયા છે.

(3:41 pm IST)