Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

વોર્ડનં.૭માં ભાજપના ઉમેદવારોનો લોકસંપર્કઃ ઠેર-ઠેરથી મળી રહેલ સમર્થન

રાજકોટઃ  તા.૧૧,  અહિંના વોર્ડ નં.૭માં જે ઉમેદવારો ભાજપે પસંદ કર્યા છે તેઓ સ્માર્ટ સિટીની યોજનાને સાકાર કરવા સક્ષમ હોવાનું યાદીમાં જણાવાયું છે. ભાજપે આજે દેશમાં અને જયાં જયાં એનું શાસન છે ત્યાં બધે સમતોલ વિકાસનું આયોજન કર્યું છે.   વોર્ડ નં. ૭ના ભાજપના ઉમેદવાર ડો. શ્રી નેહલ શુકલ, શ્રી દેવાંગ માંકડ,શ્રીમતી વર્ષાબહેન પાંધી તથા શ્રીમતી જયશ્રીબહેન ચાવડા પોતાના વોર્ડના વિકાસ માટે સંપૂર્ણ સજાગ અને પ્રતિબધ્ધ હોવાની લાગણી વેપારીઓએ વ્યકત કરી હતી.  વોર્ડ નં. ૭ના વ્યાપારી વિસ્તારના અગ્રણીઓએ કહ્યું હતું કે ડો. નેહલ શુકલ અને દેવાંગ માંકડ બન્ને શિક્ષિત છે. નેહલભાઇ પોતાની કોલેજ તો ચલાવે જ છે સાથે જ યુનિવર્સિટી સાથે પણ સંકળાયેલા છે.યુવાનો સાથે એમનો જીવંત નાતો છે. નયા ભારતમાં શું જરુરી છે તેની એમને ખબર છે. શિક્ષણ સમાજના વિકાસના પાયામાં છે. નેહલભાઇ કોર્પોરેટર તરીકે ચૂંટાશે પછી શૈક્ષણિક સુવિધા સાથે પણ એમની નિસબત રહેશે એની અમને ખાતરી છે. ઉપરાંત નરેન્દ્રભાઇ મોદીએ જે સ્વચ્છતા મિશન શરુ કર્યું છે તેને અનુરુપ જાગૃતિ તેઓ વિદ્યાર્થીઓમાં લાવી શકે તેમ છે. શહેરને સ્માર્ટ બનાવવા માટે વિઝન જોઇએ તે એમનામાં છે.

 દેવાંગભાઇ માંકડ પોતે પણ કમ્પ્યુટર શિક્ષણ સાથે સંકળાયેલા છે ઉપરાંત પંચનાથ ટ્રસ્ટના માધ્યથી આરોગ્ય સેવામાં પણ કાર્યરત છે. રાજકોટ જેવા શહેરને જોઇતી તબીબી સેવા-સારવાર વિશે તેઓ વાકેફ છે. એમની પાસે પણ શિક્ષણ સમિતિના ચેરમેનપદનો અને સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષપદનો અનુભવ છે. વોર્ડ નં. ૭ના પ્રશ્નો માટે બન્ને જાગૃત અને જવાબદાર છે. વેપારીઓના રોજિંદા પ્રશ્નો હવે રજૂઆત પહેલાં જ હલ થઇ જશે. ખાસ તો સરકારી વિવિધ યોજનાઓની જાણકારી હવે વોર્ડ નં. ૭ના રહેવાસીઓને મળતી રહેશે.

 રાજકોટમાં પાણીની સમસ્યા તો સાવ હલ થઇ ગઇ છે. હવે ફરી એ ઊભી ન થાય એવી વ્યવસ્થા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ કરી છે. આ વ્યવસ્થા માટે વહીવટીતંત્ર અને લોકો વચ્ચે સંકલન જાળવવાનું કામ બન્ને મહિલા ઉમેદવાર જયશ્રીબહેન ચાવડા અને વર્ષાબહેન પાંધી કોર્પોરેટર બન્યા પછી ઊપાડી લેશે. શહેરની શાંતી-સલામતી હોય, બહેનો સલામત હોય એ તો ગુજરાતની પરંપરા છે. વોર્ડ નં. ૭ના આવા કોઇ તત્વો હશે તો પણ હવે આ ઉમેદવારો એ સમસ્યા પણ હલ કરશે.  તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:24 pm IST)