Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ગઇકાલે મોડી રાત્રી સુધી કોરોના વેકસીનેશન અપાઇ : એક જ દિ'માં ૧૮ર૮૪ લોકોને રસી અપાઇ

૬૯ર૩ લોકોને પ્રથમ ડોઝ અને ૧૧૩૬૧ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો : અભિયાન સહયોગ બદલ નાગરિકોનો આભાર વ્યકત કરતા મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા

રાજકોટ, તા. ૧૧ :  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે તા.૧૦-૧૦-૨૦૨૧ના રોજ હાથ ધરવામાં આવેલા કોરોના વેકિસનેશન અભિયાનમાં મોડી રાત્રિ સુધી કામગીરી કરી કુલ ૧૮૨૮૪ લોકોને વેકિસન આપવામાં આવી હતી. જેમાં ૬૯૨૩ લોકોને પ્રથમ ડોઝ અને ૧૧૩૬૧ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં તા.૧૬-૦૧-૨૦૨૧ના રોજ શરૂ થયેલા વેકિસનેશનમાં અત્યાર સુધીમાં પ્રથમ અને બીજો ડોઝ એમ બંને મળીને કુલ ૧૭,૩૫,૨૨૮ ડોઝ અપાયેલ છે, જેમાં ૧૧,૨૦,૧૫૬ લોકોને પ્રથમ ડોઝ અને ૬,૧૫,૦૭૨ લોકોને (જે લોકોને પ્રથમ ડોઝ લઈ લીધો હોય તેના ૮૪ દિવસ પુરા થઇ ગયા હોય તે એલીજીબલ લોકોને) બીજો ડોઝ આપવામાં આવેલ છે. આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ડોઝની ૯૮.૫ ટકા કામગીરી અને બીજા ડોઝની આશરે ૮૫ ટકા કામગીરી પુરી કરવામાં આવેલ છે.

કોરોના વેકિસનેશન મહાભિયાન દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સહિત અધિકારીઓ / કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહયા હતા. જેમાં મહાનગરપાલિકાની નક્કી કરાયેલી મુખ્ય વોર્ડ ઓફિસો અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેની સાઈટ તેમજ ૯૦ મોબાઈલ વાનની ટીમમાં આરોગ્યના કુલ ૬૬૨ પેરામેડીકલ અને તબીબી સ્ટાફ વેકિસનેશનની કામગીરીમાં કાર્યરત રહેલ. દિવસ દરમ્યાન મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ શહેરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ બીગબજાર, બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ, લલુડી વોંકળી, લોહાણાનગર તેમજ અમિન માર્ગ ખાતેના સીટી સિવિક સેન્ટર ખાતેના વેકિસનેશન સેન્ટરની મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી.

આ વેકિસનેશન અભિયાન અનુસંધાને નાગરિકોને ફોન કોલ કરી વેકિસન લેવા માટે જાણ કરવામાં આવી હતી. આ માટે રાજકોટ મહાનગરપાલિકાનાં ૧૮૦ કર્મચારીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના ૫૦૦ જેટલા શિક્ષકોએ સવારના ૭.૩૦ વાગ્યાથી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી ફરજ બજાવી હતી.

મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ વેકિસનેશન અભિયાનનાં આયોજન અનુંસધાને આગલા દિવસે તા.૦૯-૧૦-૨૦૨૧નાં રોજ શનિવારે એક બેઠક યોજી હતી. જેમાં તમામ સિનિયર અધિકારીઓને અલગઅલગ જવાબદારીઓ સુપરત કરવામાં આવી હતી. જેમાં વિવિધ સોસાયટીઓ, બાંધકામ સાઈટ્સ, સ્લમ્સ એરિયા, વિવિધ મોલ, એસ.ટી. બસ સ્ટેન્ડ, આવ્સ્સ યોજનાઓ, હોકર્સ ઝોન, ગાર્ડન, પ્રદ્યુમન પાર્ક ઝૂ, ધાર્મિક સંસ્થાઓ, શાક માર્કેટ્સ, તેમજ રાત્રિનાં સમયે વિવિધ વિસ્તારોની ગરબીનાં આયોજનનાં સ્થળોએ પણ વેકિસનેશનની કામગીરી કરવામાં આવી હતી.

વિશેષમાં બિગબજાર ખાતેના વેકિસનેશન કેન્દ્રમાં મોલના ગ્રાહકોને રસી આપવામાં આવી હતી. જેમાં બિગબજાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ ઝુંબેશને સહકાર આપવાના ભાગરૂપે વેકિસન લેનાર ગ્રાહકો માટે લક્કી ડ્રો રાખવામાં આવ્યો હતો. જેમાં સાંજે લક્કી ડ્રો કરાયા બાદ ત્રણ વિજેતા ગ્રાહકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી.

દરમ્યાન આરોગ્ય શાખાની ટીમો દ્વારા બી.આર.ટી.એસ. રૂટ પર દોડતી બસોમાં પણ પેસેન્જરોને વેકિસન આપવામાં આવી હતી. 

(3:45 pm IST)